ગાંધીધામમાં 1પ.59 લાખની ઘરફોડ ચોરી

03 November 2018 04:06 PM
kutch

સોનાના દાગીના અને રોકડ ઉઠાવી જતા તસ્કરો નોકરાણી પર શંકાની સોય : પોલીસમાં ફરિયાદ થતા તપાસનો ધમધમાટ

Advertisement

(ઉત્સવ વૈદ્ય)
ભૂજ તા.3
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના સેક્ટર-3માં રહેતા સંપન્ન પરિવારના બંગ્લામાંથી 40 હજારની રોકડ અને હિરાજડીત સોના-ચાંદીના દાગીના સહિત 15 લાખ 59 હજાર રૂપિયાની માલમત્તાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. મકાનમાલિકે ચોરીની શંકા નોકરાણી પર મુકી આરોપી તરીકે તેનું નામ જણાવ્યું છે.
ખેતી અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલાં 65 વર્ષિય ભગવાનભાઈ ખાનજીભાઈ અયાચીએ બી ડિવિઝન પોલીસને જણાવ્યું છે કે, ચોરીનો બનાવ 29મીના રોજ તેમના ધ્યાને આવ્યો હતો. કબાટમાં તેમણે 40 હજાર રૂપિયાની રોકડ રકમ રાખી હતી. તો, તેમની પુત્રવધૂ ગત 24મી ઓક્ટોબરે અમદાવાદ જતી હોઈ તે 15 લાખ 19 હજારની કિંમતના સાડા 24 તોલા સોનાના હિરાજડીત દાગીના તેમના ઘરે સાચવવા મુકી ગઈ હતી. આ દાગીના પણ તેમણે કબાટમાં મુક્યા હતા. આ દાગીના અને રોકડની ચોરી થઈ ગઈ છે.
ફરિયાદીના ઘરે ગૌરીબેન મેનારામ ચૌધરી નામની મહિલા 3 વર્ષથી દરરોજ સવારે સાડા નવથી બપોરે અઢી વાગ્યા દરમિયાન ઘરકામ કરવા આવે છે. આમ તો, તેમના ઘરમાં વાસણ ધોવાવાળી અન્ય એક મહિલા અને તેમના પૌત્રને રમાડવા ત્રીજી એક મહિલા પણ આવે છે. તો, ડ્રાઈવર તરીકે મોડવદરનો એક યુવક કામ કરે છે. પરંતુ, કબાટની ચાવીથી લઈ ઘરની ચીજવસ્તુઓ ક્યાં પડી હોય છે તેની જાણ ગૌરીને હોવાનું જણાવી ચોરી તેણે જ કરી હોવાનું તેમણે જણાવ્યું છે. ગૌરી સપનાનગરમાં રહે છે અને મૂળ તે રાજસ્થાનના મારવાડની વતની છે. ચોરીના બનાવ બાદ તેમણે ગૌરી સાથે અંગત સ્તરે પૂછપરછ કરી હતી પરંતુ તેણે કોઈ સંતોષકારક જવાબ ના આપતાં તેમણે ફરિયાદ નોંધાવી છે.


Advertisement