સ્ટેચ્યુ ઓફ યુનીટીના અનાવરણમાં અડવાણીની ગેરહાજરીથી રાજકીય સંન્યાસના સંકેત

03 November 2018 01:57 PM
Ahmedabad Gujarat
  • સ્ટેચ્યુ ઓફ યુનીટીના અનાવરણમાં અડવાણીની ગેરહાજરીથી રાજકીય સંન્યાસના સંકેત

2019ની ગાંધીનગરની લોકસભા ચૂંટણી પણ નહી લડે: ભાજપના સૂત્રોનો દાવો: એક વખત સ્ટેચ્યુ માટે મોદીને અભિનંદન આપનાર ભાજપના વરિષ્ઠ નેતાએ કેમ મોઢુ ફેરવ્યુ તે અંગે તર્ક વિતર્ક

Advertisement

રાજકોટ તા.3
ગુજરાતમાં એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનીટીના અનાવરણ કાર્યક્રમમાં પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ગેરહાજરીની ચર્ચા છે ત્યારે હવે તેઓ લોકસભા ચૂંટણી પણ લડશે નહી અને રાજકીય સન્યાસ લઈ લેશે તેવા સંકેત છે. વાસ્તવમાં નર્મદા બંધ પાસે આ સ્ટેચ્યુ અનાવરણના ભૂમિપૂજનમાં એલ.કે.અડવાણી અને નરેન્દ્ર મોદી બંને જ હાજર હતા અને તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદી તથા ભાજપના વરિષ્ઠ નેતા અને ગાંધીનગરના સાંસદ તરીકે એલ.કે.અડવાણીએ આ શિલાન્યાસ કર્યો હતો અને તે સમયે અડવાણીએ મોદીના મેન્ટર ગણાતા હતા. પરંતુ 2013 બાદ પરિસ્થિતિ ઝડપથી ફરવા મંડી હતી. અડવાણીએ હિન્દ કે સરદાર નામના પુસ્તકમાં લખ્યું હતું કે આ સ્ટેચ્યુ ભારત અને વિશ્ર્વને સરદારની મહાન પ્રતિમાનો પરિચય અપાશે અને તેઓએ આ વિચાર બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન પણ આપ્યા હતા અને એવું જણાવ્યું હતું કે દેશની એકતા અને ખંડીતતામાં સરદારનું આ સ્ટેચ્યુ એક પ્રતિબિંબ બની રહેશે. અડવાણીએ પાંચ વખત ગાંધીનગર લોકસભાનું પ્રતિનિધિત્વ કર્યું છે. પરંતુ માનવામાં આવે છે કે તેઓની ગેરહાજરી વધુ સૂચક છે. આ સમારોહમાં ગુજરાત ભાજપના નેતાઓને યાદ કરાયા હતા અને વજુભાઈ વાળા તથા આનંદીબેન પટેલ ખાસ આમંત્રીત હતા. કેશુભાઈ પટેલ કદાચ સ્વાસ્થ્યના કારણે આવી શકયા નહી હોય પરંતુ એલ.કે.અડવાણી માટે તેઓ કોઈ પ્રશ્ર્ન ન હતો અને એક સમયે ભાજપમાં એલ.કે.અડવાણી જ છોટે સરદાર અને લોખંડી મેન તરીકે જાણીતા બન્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અડવાણી ગાંધીનગરની બેઠક પરથી તેમના પુત્રીને ચૂંટણી લડાવવા આતુર છે પરંતુ ભાજપ મોવડીમંડળ તે નકારે પણ છે.


Advertisement