જસ્ટિસ કુરેશીની ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ

03 November 2018 12:39 PM
Ahmedabad Gujarat
  • જસ્ટિસ કુરેશીની ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ

- બોમ્બે હાઇકોર્ટમાં ચાર્જ ન સંભાળે ત્યાં સુધી નિયુક્તિ - GHAAના વકીલો વિરોધ પ્રદર્શન યોજી બેમુદતી હડતાળ પર ઉતર્યા

Advertisement

કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય વિભાગે આજે સવારે એક નોટિફિકેશન દ્વારા જાહેર કર્યું છે કે જસ્ટિસ અકીલ કુરેશીને ગુજરાત હાઇકોર્ટના ચીફ કાર્યકારી ચીફ જસ્ટિસ બનાવવામાં આવે છે. જસ્ટિસ અકીલ કુરેશી બોમ્બે હાઇકોર્ટના જજ તરીકે ચાર્જ ન સંભાળે ત્યાં સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ રહેશે.

રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલા નિર્દેશમાં જસ્ટિસ અકીલ કુરેશીને ૧૫મી નવેમ્બરના રોજ અથવા તેની પહેલાં મુંબઈમાં ચાર્જ લેવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે વર્તમાન પરિસ્થિતિ અને નોટિફિકેશન મુજબ તેઓ વધુમાં વધુ પંદરમી નવેમ્બર સુધી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત રહેશે.

આજે સવારના નોટિફિકેશનની જાહેરાતમાં જસ્ટિસ અનંત દવેની કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકેની નિયુક્તિને પરત ખેંચવામાં આવી હતી.જો કે જસ્ટિસ કુરેશીની મુંબઈ ટ્રાન્સફરના વિરોધમાં આજથી હાઇકોર્ટના વકીલોએ હડતાળ શરૃ કરી છે. હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના વકીલો આજે હાઇકોર્ટ સંકુલની બહાર આવી વિરોધ નોંધાવ્યો હતો અને કામકાજથી અળગા રહ્યા હતા.

જસ્ટિસ કુરેશીને થોડા દિવસો માટે કાર્યકારી ચીફ જસ્ટિસ બનાવવાના નિર્ણયથી સંતોષ ન માનવા અનુરોધ કર્યો હતો અને જ્યાં સુધી જસ્ટિસ કુરેશીની મુંબઇ ટ્રાન્સફર રોકવામાં ન આવે ત્યાં સુધી હડતાળ યથાવત્ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાંચમી નવેમ્બરથી અઢારમી નવેમ્બર સુધી હાઇકોર્ટમાં વેકેશન બેંચ કાર્યરત રહેશે. વેકેશન બેંચમાં પણ વકીલોને અરજન્ટ કેસ રજૂ ન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. અસીલોના અરજન્ટ કેસ અને મહત્વની સુનાવણીઓને જતી કરી વિરોધમાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

જસ્ટિસ કુરેશીની ટ્રાન્સફરને પડકારતી રિટ સુપ્રીમ કોર્ટમાં કરવી કે હાઇકોર્ટમાં તે મુદ્દે મોડી સાંજ સુધી એડવોકેટ એસોસિએશનમાં અવઢવ જોવા મળી હતી. આ રિટ એડવોકેટ મિહિર ઠાકોર, સૌરભ સોપારકર, દેવેન પરીખ, શાલિન મહેતા અને રશેશ સંજાલવાલા તરફથી તૈયાર કરાઈ રહી છે. જેને ૧૨મી નવેમ્બર પહેલાં સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

એડવોકેટ એસોસિએશનના અધ્યક્ષ યતીન ઓઝાએ કહ્યું હતું કે જસ્ટિસ અકીલ એ. કુરેશી ન્યાયમૂર્તિ નીષ્ઠાવાન, પ્રામાણિક અને નીડર ન્યાયમૂર્તિ છે. વકીલો એકમતે માને છે કે સુપ્રિમ કોર્ટ કોલેજીયમે આ પ્રકારનો નિર્ણય ન લેવો જોઈએ. સુપ્રિમ કોર્ટનું કોલેજીયમ કોઈ કોર્ટ ન હોવાથી તેની આલોચના કરી શકાય છે.

જસ્ટિસ કુરેશીએ ગુજરાત સરકાર વિરૃધ્ધમાં કેટલાંક આદેશો આપ્યો હોવાથી તેમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે જ્યારે સરકાર ન્યાયમૂર્તિઓ માટે અડચણરૃપ બની છે ત્યારે સુપ્રિમ કોર્ટ અને સુપ્રિમ કોર્ટના કોલેજીયમ તરફથી રક્ષણ મળતું રહ્યું છે પરંતુ આ કેસમાં વિપરિત ઘટના બની છે. વકીલોની હડતાળને ૨૦મી નવેમ્બરે રિવ્યુ કરવામાં આવશે.


Advertisement