દાહોદમાં નકલી દારૂ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઇ

03 November 2018 12:35 PM
Ahmedabad Gujarat
  • દાહોદમાં નકલી દારૂ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઇ
  • દાહોદમાં નકલી દારૂ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઇ
  • દાહોદમાં નકલી દારૂ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઇ

ખાતરપુરના મુવાડામાંથી 6.38 લાખના બનાવટી અંગ્રેજી દારૂ સહિત 21,21,060નો મુદ્દામાલ જપ્ત: બેની ધરપકડ

Advertisement

- ભંગારમાંથી લાવી બોટલોનો ધોઇને ઉપયોગ કરાતો હતો
- 40 લિટર ROના પાણીમાં 1 લિટર ઇથોનોલ આલ્કોહોલ
- કલર કોમ્બિનેશન માટે 200 લિ.પાણીમાં 3 ગ્રામ પાઉડર
- સ્વાદ માટે માટે સફરજનના જ્યુસનો ઉપયોગ કરાતો
સુખસર: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ખાતપુરના મુવાડા ગામે ભાભોર ફળિયામાં રહેતા અલ્પેશ દલસીંગભાઇ વસુનિયા તથા વિરજીભાઇ કોયાભાઇ ડામોર ભેગા મળી બહારથી માણસો લાવી પોતાના રહેણાંક મકાનોમાં તેમજ નજીકમાં રહેતા તેઓના સગા સંબંધીઓના મકાનોમાં દારૂ બનાવતાં હોવાની એસ.પી હિતેશ જોયસરને મળેલી બાતમીના આધારે એલીસીબી અને એસઓજીએ પરોઢે છાપો માર્યો હતો. પોલીસે કૈલાશભાઇ શ્રીરામ ગુર્જર રહે. પાટન, તા.આસીન, જિ.ભીલવાડા (રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

આ સાથે પાટડીયાના સુરેશભાઇ રામસીંગભાઇ સંગાડાને પણ પકડીને તેના ઘરે ઉતારેલી ખાલી બોટલોનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. આમ અલ્પેશભાઇ વસુનિયા તથા વિરજીભાઇ ડામોરના મકાનમાંથી કલર, એસેન્સ, પાણી, સ્પીરીટ ,દારૂ ભરવાની કાંચની બોટલો, લેબલો તથા બોક્ષ કબજે કરાયા હતાં. રોકડ રકમ 53530 રૂપિયા પણ જપ્ત કરાયા હતાં. ઘરમાં સંગ્રહી રાખવામાં આવેલો 6,38,000 રૂપિયાનો નકલી દારૂ પણ મળ્યો હતો. મોટર સાયકલ, સ્કોર્પીયો વિગેરે મળી કુલ રૂપિયા 21,21060નો કુલ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યોહતો. એલસીબીના પી.એસ.આઇ. પી.બી.જાદવની ફરિયાદના આધારે અલ્પેશભાઇ વસુનિયા, વિરજીભાઇ ડામોર બન્ને રહે. ખાતપુરના મુવાડા, નારસીંગભાઇ ઉર્ફે ભરતભાઇ વસુનિયા ખાતપુરના મુવાડા, પાટનના કૈલાશભાઇ ગુર્જર અને સુરેશભાઇ સંગાડા રહે. પાટડીયા તા.ફતેપુરાની વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કૈલાશ ગુર્જર તથા સુરેશ સંગાડાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા છે. આ ઘટનાથી આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.

સપ્તાહ પહેલાં જ શરૂઆત કરાઇ
ખાતરપુરના મુવાડામાં નકલી દારૂ બનાવવા માટેની પૂર્વ તૈયારીઓ પાછળા ઘણા દિવસોથી ચાલી રહી હતી. જોકે, દારૂ બનાવવાનું ચાર દિવસ પહેલાં જ શરૂ કરાયું હોવાનું પકડાયેલા યુવકોએ જણાવ્યું હતું. યુવકો અનુસાર આ દારૂ અત્યાર સુધી કોઇ પણ સ્થળે સપ્લાય કરવામાં આવ્યો નથી. જોકે, આ મામલે પણ તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.

નિષ્ણાતો પાસેથી કામગીરી કરાવાતી
નકલી દારૂ બનાવવા માટે નિષ્ણાંતોને કામ ઉપર રાખવામાં આવ્યા હતાં. આ તમામ લોકો રાજસ્થાની હોવાનું જાણવા મળ્યું છે. આ લોકોને મહેનતાણું આવામાં આવતું હતું કે તેમનો વેચાણમાં ભાગ હતો તે મુખ્ય આરોપી પકડાયા બાદ જ જાણવા મળે તેમ છે.

રોયલ સ્ટેગની બ્રાન્ડ જ બનાવતાં
ખાતરપુરના મુવાડાથી પકડાયેલી દારૂની મીની ફેક્ટરીમાં માત્ર રોયલ સ્ટેગની બ્રાન્ડ જ બનાવવામાં આવતી હતી. પોલીસે રોયલ સ્ટેગ દારૂના લેબલ, પ્રિન્ટ કરેલા બોક્સ અને નકલી દારૂ પણ જપ્ત કર્યો હતો.

100માં બનતી RSની બોટલ હોલસેલમાં ~800 અને રીટેલમાં ~1200માં વેચાય છે
દાહોદ જિલ્લાના ખાતરપુરના મુવાડા ગામમાંથી શુક્રવારે નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઇ હતી. ત્યારે આ નકલી દારૂ કઇ પદ્ધતિથી બનાવવામાં આવતો હતો તેનું દિવ્ય ભાસ્કર દ્વારા ઇન્વેસ્ટીગેશન કરવામાં આવતાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેમાં સૌ પ્રથમ 200 લીટર RO નું પાણી એક ડ્રમમાં ભરીને રોયલ સ્ટેગ દારૂના રંગ જાળવી રાખવા માટે તેમાં માત્ર ત્રણ ગ્રામ જ પાવડર નાખવામાં આવતું હતું. આ ત્યાર બાદ આ રંગ વાળા પાણીના 40-40 લીટરના અલગ કારબા ભરવામાં આવતાં આવતાં હતાં. દારૂ પીનારને નશો કરાવવા માટે 40લીટર કલર વાળા પાણીમાં માત્ર 1 લીટર જ ઇથેનોલ આલ્કોલ નાખવામાં આવતો હતો. દારૂનો સ્વાદ મેન્ટેન રાખવા માટે નવો કીમીયો શોધી કાઢીને સફરજનના જ્યુસનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પૂર્વે ભંગારમાંથી ખરીદીને લવાયેલી બોટલોને ધોઇને તૈયાર રાખવામાં આવતી હતી.

દારૂ તૈયાર થઇ જતાં તેને આ ખાલી બોટલોમાં ભર્યા બાદ રેપર અને થોડુ ગરમ કર્યા બાદ બુચ મારવામાં આવતાં રોયલ સ્ટેગ દારૂની બોટલ તૈયાર થઇ જતી હતી. ત્યાર બાદ તેને રોયલ સ્ટેગના માર્કા વાળા બોક્સમાં પેક કરી દેવાતી હતી. શરાબના શોખિનોના જીવ જાય તો જાય પરંતુ ટુંકા સમયમાં ધનપતિ થવા કરાયેલા આ કારસ્તાનમાં હોલસેલમાં 800 અને રીટેલમાં 1200 રૂપિયામાં વેચાતી રોયલ સ્ટેગ માર્કાના દારૂની બોટલ માત્ર 100 રૂપિયાના ખર્ચમાં બની જતી હતી.

આલ્કોહોલ ટેન્કરોમાંથી કઢાય છે
પોલીસે કબજે લીધેલું ઇથોનોલ આલ્કોહોલ દારૂ બનાવવામાં જ વપરાય છે. દારૂ બનાવતી ફેક્ટરીઓમાં આલ્કોહોલ મોકલતી વખતે હાઇવે પર ટેન્કરો રોકીને તેમાંથી ચોરી કરીને તે ભેગુ કરાતું હોવાનું અનુમાન કરી રહ્યું છે.

પાવડરની ચોરી કરી વેચે છે
નકલી દારૂ બનાવવામાં રંગ માટે વાપરવામાં આવતો પાવડર રોયલ સ્ટેગ દારૂ બનાવવા માટે વપરાતો અસલી પાવડર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે દારૂ બને છે તે કંપનીના કર્મચારીઓ જ પાવડરની ચોરી કરીને આ ગેરકાયદે પ્રવૃતિ કરતાં લોકોને વેચતાં હોવાની આશંકા છે.

ઘાતક કેમિકલના કારબાનો ઉપયોગ
મીની ફેક્ટરીમાં મેક્રોસિલ કંપનીના કેમીકલના કારબાઓમાં દારૂ બનાવવા માટેનું ઇથોનોલ આલ્કોહોલ ભરેલું મળી આવ્યું હતું. આ કેમીકલ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કપડા અને કોસ્મેટીક ઇન્ડસ્ટ્રીઝમાં વાળને સુવાળા બનાવવાના ઉપયોગમાં આવે છે. આ મળી આવેલા કારબાઓ ઉપર કેમીકલની એક્સપાયરી ડેટ પણ જોવા મળી હતી. આ કારબા આલ્કોહોલના સંગ્રહ માટે ખરીદાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.


Advertisement