અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનો લેટર બોંબ : જયંતી ભાનુશાળીથી રક્ષણ આપવા માંગણી

03 November 2018 12:09 PM
kutch

બળાત્કારની ઘટના બાદ પ્રતિ સ્પર્ધી સામે માંડેલો મોરચો

Advertisement

(ઉત્સવ વૈદ્ય)
ભૂજ તા.3
નડિયાદની વિધવા મહિલા પર દિલ્હીના ફ્લેટમાં બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાયા બાદ કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના જ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી સામે ખુલીને મોરચો માંડ્યો છે.
છબીલ પટેલે રાજ્યના પોલીસ વડા અને કચ્છના એસપી-રેન્જ આઈજીને ગત 29 ઑગસ્ટના રોજ પાઠવેલાં લેખીત પત્રની નકલ પ્રસાર માધ્યમોમાં જાહેર કરી છે. પત્રમાં પટેલે, જયંતી ભાનુશાલી તેમને અને તેમના પરિવારને મારી નાખવા માટે ‘ગુનાહિત કાવતરું’ રચી રહ્યા હોવાનો આક્ષેપ કરી જયંતી ભાનુશાલીથી રક્ષણ આપવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં જો તેમના કે તેમના પરિવારજન પર કોઈ હુમલો થાય કે કોઈ વાહનથી અકસ્માત કરી-કરાવી મારી નાખવામાં આવે કે તેવો પ્રયાસ કરવામાં આવે તો તેની તમામ જવાબદારી જયંતી ભાનુશાલીની રહેશે તેમ જણાવી જયંતી વિરુધ્ધ કાયદેસરના પગલાં લેવા અરજી કરી હતી. છબીલ પટેલે પત્રમાં જણાવ્યું હતું કે ‘થોડાંક સમય પહેલાં જયંતી ભાનુશાલીના કોઈ સ્ત્રી સાથેના સંબંધો અંગેનો વિવાદ સર્જાયો હતો. આ વિવાદ મેં કરાવ્યો હોવાની જયંતીભાઈને શંકા હતી. તે સમયે 7-7-2018ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસમાં તેમને જયંતી ભાનુશાલી મળી ગયાં હતા ત્યારે ભાનુશાલીએ તેમને એવી ધમકી આપી હતી કે હું તને અને તારા કુટુંબને પણ મુકીશ નહીં.’ તે સમયે સમગ્ર વિવાદમાં પોતાનો કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ ના હોવાની સ્પષ્ટતા કરી હોવા છતાં જયંતીભાઈએ તેમની વાત માની નહોતી. જયંતી ભાનુશાલી ખોટા લોકો ઉભા કરી હેરાન પરેશાન કરવા પોતાની વિરુધ્ધ ખોટી ફરિયાદો કરાવશે અથવા તેમને અને તેમના પરિવારને મારી નાખવા માટે ગુનાહિત કાવતરું રચી રહ્યા હોઈ પોતાને આ બધા સામે રક્ષણ આપવા છબીલ પટેલે પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી.
પોતાના પર દેશની રાજધાની દિલ્હીમાં બળાત્કારની ફરિયાદ બાદ છબીલ પટેલે બે મહિના પૂર્વે પોલીસ અધિકારીઓને પાઠવેલાં પત્રની નકલ જાહેર કરી તે બાબત ‘સૂચક’ હોવાનું જાણકારો માની રહ્યા છે.


Advertisement