આજે સૌરાષ્ટ્રની ચાર લોકસભા બેઠકની સમીક્ષા કરશે ભાજપ

03 November 2018 11:36 AM
Gujarat
  • આજે સૌરાષ્ટ્રની ચાર લોકસભા બેઠકની સમીક્ષા કરશે ભાજપ

2019 માટે ગ્રાઉન્ડ લેવલની તૈયારી કરતો શાસક પક્ષ .ભાવનગર-જામનગર-સુરેન્દ્રનગર-અમરેલીનો સમાવેશ: સીએમ ખુદ હાજર રહેશે: 2017ની સ્થિતિ ધ્યાનમાં લેવાશે

Advertisement

રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં હવે ગ્રાઉન્ડ લેવલની તૈયારીમાં પ્રથમ ડગ માંડતા ગુજરાત ભાજપે લોકસભાની તમામ 26 બેઠકોની જે સંગઠન અને રાજકીય સમીક્ષા શરૂ કરી છે તેમાં આજે સૌરાષ્ટ્રની ચાર બેઠકોની સાંજે 7.30 બાદ મુખ્યમંત્રી કાર્યાલયે સમીક્ષા યોજશે. જેમાં આજે જામનગર-ભાવનગર-અમરેલી અને સુરેન્દ્રનગરની બેઠકોની સમીક્ષા કરવામાં આવી રહી છે.
આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલખાણીયા ઉપરાંત પક્ષના ટોચના હોદેદારો અને જે તે લોકસભા બેઠકના સંગઠન પ્રભારી પક્ષના હાલમાં જ નિયુકત થયેલા ચૂંટણી પ્રભારી અને બેઠક ઈન્ચાર્જ, ગૃહ ઈન્ચાર્જ જે તે લોકસભા બેઠકોના શહેર-તાલુકા પ્રમુખ- મહામંત્રી હાજર રહે છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ આજની બેઠક એ ગ્રાઉન્ડ લેવલની પ્રથમ તૈયારી છે. જેમાં દરેક લોકસભા બેઠક અને તેની હેઠળ આવતી વિધાનસભા બેઠકો, પંચાયતો, નગરપાલીકા વિ.ની રાજકીય સ્થિતિની સમીક્ષા થશે અને તેમાં 2014 લોકસભા ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં જે સમીકરણો બદલાયા છે તેની નોંધ લઈને પક્ષની ગ્રાઉન્ડ લેવલની તૈયારી શરુ કરાશે. સૌરાષ્ટ્ર એ 2017ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલ સાબીત થયું હતું. ખાસ કરીને અમરેલી જીલ્લામાં ભાજપ ‘નીલ’ ગયુ છે. સુરેન્દ્રનગરમાં પણ તેવીજ સ્થિતિ હતી. જામનગરમાં ભાજપે કોંગ્રેસના આયાતીઓને ઉમેદવાર બનાવવા તેમાં પણ ફીફટી-ફીફટી સફળતા મળી છે અને પ્રદેશ પ્રમુખના જીલ્લામાં ભાજપને ચિંતા તો છે જ અને હજું પાટીદાર ફેકટર ઉપરાંત નવેસરથી શરુ થયેલી ટેકાના ભાવની ખરીદીમાં ગત વર્ષ જેવો કોઈ મોટો વિવાદ ન સર્જાય તે જોવા ભાજપ ઉત્સુક છે તે સ્થિતિમાં આજની બેઠકનાં પ્રાથમીક વ્યુહ ન કરી શકે.

રાજકોટ જીલ્લા પંચાયત સરકાર માટે ગળાનું હાડકું બની! હવે ‘દૂસાહસ’ પર બ્રેક!

વિધાનસભા ચૂંટણી સમયે આવેલી- ભાજપની ટિકીટ પર પડેલા અને હારેલા કોંગ્રેસના અગ્રણીઓ પણ ચિંતા

 ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારી શરુ કરતા ભાજપે બેઠક વાઈસ સમીક્ષા શરૂ કરી છે તે પુર્વે બેઠકો જીતવાની વ્યુહ રચનાના ભાગરૂપે કોંગ્રેસ શાસનની પંચાયત, નગરપાલીકા તોડવા કરતા હવે પક્ષની જ સંગઠન શક્તિ પર જવા નિર્ણય લીધો છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ 2017માં ચૂંટણી પુર્વે ભાજપે જે રીતે રાજયસભા ચૂંટણી અને તે બાદ કોંગ્રેસના ધારાસભ્યોને ખેડવીને પણ ધારાસભા બેઠકો જીતવા પ્રયાસ કર્યા તેમાં ધારી સફળતા મળી નથી. ઉલ્ટાનું આ આયાતીઓના આગમનની ભાજપમાં એક નવું જૂથ પેદા થયું છે તો ભાજપમાં ગયેલા અને ચૂંટણી હારેલા કોંગ્રેસના અગ્રણીઓ હવે લોકસભામાં કેવી ભૂમિકા ભજવશે તેની પણ ચિંતા છે. ઉપરાંત રાજકોટ જીલ્લા પંચાયત તોડવા માટે એક તબકકે ખુદ મુખ્યમંત્રીએ પણ ટુંક સમયમાં ‘ખુશખબર’ મળશે તેવી જાહેરાત કર્યા બાદ આજ દિન સુધી સતા પલટો થયો નથી અને ભાજપ હવે સરકારની મદદથી સુપરસીડ જેવા માર્ગ અપનાવે તો તેના ભાજપ સાથે ગયેલા કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ વિરોધમાં જાય તેવી શકયતા છે. આમ રાજકોટ જીલ્લા પંચાયતનું હાડકું ગળામાં ફસાઈ ગયું છે તેથી બીજા વિપક્ષી શાસનમાં હવે ચૂંટણી સુધી ‘પાકુ’ નહી હોય ત્યાં સુધી કોઈ દુસાહસ નહી કરવા સલાહ અપાઈ છે.


Advertisement