રિઝર્વ બેંકના હલ્લાબોલ છતાં સરકાર સંયમ જાળવવાના મૂડમાં

30 October 2018 03:28 PM
India
  • રિઝર્વ બેંકના હલ્લાબોલ છતાં સરકાર સંયમ જાળવવાના મૂડમાં
  • રિઝર્વ બેંકના હલ્લાબોલ છતાં સરકાર સંયમ જાળવવાના મૂડમાં

વડાપ્રધાનની જાપાન મુલાકાત વખતે નાયબ ગવર્નરે નવી દિલ્હીને આકરા વેણ કહ્યા હતા

Advertisement

મુંબઈ તા.30
કેન્દ્ર સરકાર, વિશેષ કરીને નાણા મંત્રાલય વચ્ચે ઉગ્ર મતભેદો તથા મધ્યસ્થ બેંકના નાયબ ગવર્નર વિરલ આચાર્યની વધુ સ્વાયતતાની માંગણી સાથેહસ્તક્ષેપ સામે ચેતવણીના અહેવાલો બહાર આવતાં સરકાર ભારે નારાજ છે. સરકારને ડર છે કે આ કારણે રોકાણકારોમાં દેશની ઈમેજને ધકકો લાગશે. જો કે આ મામલે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જીત પટેલનું રાજીનામું માંગી લેવાય તેવી શકયતા ઓછી છે, પણ પટેલ ખુદ એક તબકકે રાજીનામું આપવા નજીક પહોંચ્યા હતા. રિઝર્વ બેંકના હલ્લાબોલ છતાં સરકાર આ મામલે ચૂપકીદી જાળવવાના મૂડમાં છે.
ગત સપ્તાહે આરબીઆઈના નાયબ ગવર્નરે મધ્યસ્થ બેંકની સ્વતંત્રતામાં કાપ મુકવાના પ્રયાસ. વિનાશકારી નીવડશે તેવી ચેતવણી આપી હતી.
દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ કહે છે કે સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે જે કંઈ બન્યું તે ગુપ્ત રહેવું જોઈએ. સરકાર આરબીઆઈની સ્વાયતતા અને સ્વતંત્રતાનો આદર કરે છે, પણ તેણે તેમની જવાબદારી સમજવી જોઈએ.
વડાપ્રધાનના દફતરના એક અધિકારીએ જણાવ્યુ હતું કે આરબીઆઈએ આ મુદો જાહેરમાં છેડયો એ કમનસીબ છે. સરકાર બેચેન છે. આરબીઆઈ તરફથી આવી અપેક્ષા નહોતી.
ઉલ્લેખનીય છેકે સરકારી અધિકારીઓએ કેટલીક બેંકો પરના ધીરાણ નિયંત્રણો હળવા કરવા જણાવ્યું હતું.
નવી દિલ્હીમાં અધિકારીઓ વધુ નારાજ એટલા માટે છે કે વડાપ્રધાન જયારે તેમના જાપાની સમકક્ષ શિન્ઝો આબે સાથે મંત્રણા કરવા જઈ રહ્યા હતા ત્યારે વિરલ આચાર્યે પ્રહારો કર્યા એથી સરકાર ગુસ્સામાં છે. મોદી અને ટોચના અધિકારીઓ જાપાનમાં હોવાથી નાણા મંત્રાલયના અધિકારીઓએ વાત વણસે નહીં એ માટે મૌન જાળવ્યું હતું.
સરકારી અધિકારીઓ માને છે કે વિવાદ માટે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જીત પટેલની પણ કેટલીક જવાબદારીઓ છે, અને હવે તે પોતાની મુદત પુરી થયે ફરી નિમણુંકની અપેક્ષા રાખી શકે નહીં.
આચાર્યે જયારે વકતવ્ય આપ્યુ ત્યારે ઓડીયન્સમાં તેમના ત્રણ સાથી ગવર્નર પણ હતા. વકતવ્યમાં આ મુદો છેડવા સૂચન આપવા બદલવા તેમણે ગવર્નરનો આભાર માન્યો હતો.
વડાપ્રધાનના દફતરના અધિકારીઓએ જણાવ્યું હતું કે 12 નવેમ્બરે ઉર્જીત પટેલ જયારે સંસદીય સમીતી સમક્ષ ઉપસ્થિત થશે ત્યારે તેમને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે.
મોદી સરકાર દ્વારા 2016માં નિમણુંક પામેલા પટેલે શરુઆતમાં સરકારને સહકાર આપ્યો હતો, પણ હવે તે સરકાર જયારે અર્થતંત્રને સંભાળવા મથામણ કરી રહી છે ત્યારે ટેન્શન ઉભું કરી રહ્યા છે એથી અધિકારીઓને આશ્ર્ચર્ય થયું છે.
સરકારને ચિંતા છે કે મધ્યસ્થ બેંક સાવચેતીભરી નાણાકીય નીતિ અને ધીરાણ પર નિયંત્રણ ધરાવતી હોવાથી ઓકટોબર-ડિસેમ્બરમાં વિકાસદર 7.9 થી નીચો જઈ શકે છે.
અન્ય સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્રુડના ઉંચા ભાવ અને આંતરરાષ્ટ્રીય વેપારથી પ્રતિકુળતાઓથી સરકાર ચિંતીત છે. ત્યારે ઘરેલું કટોકટી વણનોતરી ઉપાધી છે.
બીજી બાજુ, ઓલ ઈન્ડીયા રીઝર્વ બેંક એન્ટલોચીસ એસોસીએશને આરબીઆઈના નાયબ ગવર્નરના વકતવ્યને સમર્થન આપ્યું છે. એસોસીએશને જણાવ્યું હતું કે સરકારના હસ્તક્ષેપ સામેની આચાર્યની કોમેન્ટથી દેશમાં ખળભળાટ જાગ્યો છે. એસોસીએશને જણાવ્યું હતું કે આ અચાનક પ્રલાપ નથી, પણ લાંબા સમયથી ખદબદી રહેલા અસંતોષનો ઉભરો છે.
યુનિયન દ્વારા જારી નિવેદનમાં જણાવ્યું છે કે અંતર હવે વધ્યુ છે અને ડેપ્યુટી ગવર્નરે નિરાશામાં વાત કરી છે.
યુનિયને સરકારને મધ્યસ્થ બેંકના હાથ નહીં આમળવા જણાવ્યું છે. આરબીઆઈ માથે ચડી બેસવાના બદલે બન્નેએ મુદાઓના નિરાકરણ માટે વાતચીત કરવી જોઈએ. એસોસીએશને ચેતવણી આપી છે કે સરકાર જે કંઈ કરી રહી છે તે રાષ્ટ્રના ભોગે કરી રહી છે. એસોસીએશને સમાન વિચાર ધરાવતા લોકો અને નિષ્ણાંતોને સરકારને ભુલ સુધારવા સમજાવવા અને આરબીઆઈને કાયદા અને પ્રથા મુજબ એનું કામ વિના વિધ્ને કરવા દેવા જણાવ્યું છે.
એસોસીએશનના નિવેદનથી દિલ્હીમાં સરકારના ભવા વેચાયા છે. સરકારમાં ઘણાને લાગે છે કે યુનિયનને આવું કરવા પ્રેરવામાં આવ્યું છે, સરકાર એને ઉશ્કેરણી પણ ગણે છે.
દરમિયાન, આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલ આજે ફાઈનાન્સીયલ સ્ટેબીલીટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સીલની મીટીંગમાં હાજરી આપવી નવી દિલ્હી જઈ રહ્યા છે. એમાં જાહેર ક્ષેત્રની બેંકોના સંચાલન અને એનપીએના મુદા ચર્ચાશે.


Advertisement