સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર

25 October 2018 02:18 PM
Saurashtra
Advertisement

ગોંડલ પ્રોહિબિશનના ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.એ પકડી પાડયો
રાજકોટ એસઓજીના પોલીસ ઈન્સ્પેકટર એમ.એન. રાણા તેમજ પીએસઆઈ વાય.બી. રાણા વિજયભાઈ ચાવડા તેમજ જયવીરસિંહ રાણાને મળેલ બાતમીના આધારે ગોંડલ માલધારી હોટલ પાસે છેલ્લા આઠ માસથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી વિશાલગીરી હરેશગીરી ગોસ્વામી જુનાગઢ વાળાને પકડી પાડી ગોંડલ પોલીસ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સલાયામાં મૃતકોના માનમાં
બપોર પછી સલાયા બંધ
ઓમાનના સલાલા બંદરે 5/10/18ના રોજ ગેસ દુર્ઘટનામાં સલાયાના (2) ખારવા તથા (2) ભડાલા (મુસ્લીમ) યુવાનોના કરૂણ મૃત્યુ થયેલા જે પૈકી બે ખારવા યુવાનો કિશન તથા અક્ષયની ડેડ બોડી આજરોજ સલાયા બપોરના 1-30 વાગ્યે આવશે. આ સમયે બપોરના સદગતની સ્મશાન યાત્રા સમયે બપોર બાદ સમસ્ત સલાયા ગામની બજારો વેપારી એસોસીએશન દ્વારા જાહેર બોર્ડ મુકાતા સમસ્ત ગામની બજારો બંધ રહેશે. મરણ પામનાર બન્ને સગાભાઈઓ થતા હતા.
ખાંભા ગામે સ્પર્ધા યોજાઈ
ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિતે એસવીએસ કક્ષાની સ્પર્ધાનું ખાંભા મુકામે આયોજન કરવામાં આવેલ હતું. જે પૈકી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કાવ્ય સ્પર્ધામાં સેક્ધડરી વિભાગમાં એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીની જાદવ મહેક સલીમભાઈ પ્રથમ નંબરે આવી હતી. જયારે હાયર સેક્ધડરી વિભાગમાં કાવ્ય સ્પર્ધામાં આજ શાળાની વિદ્યાર્થીની જયાણી માનવી એમ બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. ચીત્ર સ્પર્ધામાં સેક્ધડરી વિભાગમાં એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીની વણોદીયા અનીતા જે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તમામ વિદ્યાર્થીની બહેનોને શાળાના આચાર્ય વર્ષાબેન એન. ખખ્ખર દ્વારા સફળ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
રસનાળમાં સેવાસેતુ કાર્યક્રમ
રસનાળ ગામે તા.20/10ને શનિવારના રોજ સવારે 9થી સાંજના 5 કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રસનાળ ગ્રામ પંચાયતના યજમાન પદેથી આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રસનાળ ગામ તેમજ પાડાપાણ, જુનવદર, ખીજડીયા, નાના ઉમરડા સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ કામ કરવામા આવ્યા ઓપીડી 73, આરબીએસ ડાયાબીટીસ તપાસ 66 વ્યકિતઓને કરવામા આવી બ્લડ પ્રેશર તપાસ 56 વ્યકિતઓને કરવામાં આવી. સીઝનલ ફલુનો ઉકાળો 355 વ્યકિતઓને પીવડાવવામાં આવ્યો, માં કાર્ડના લાભાર્થી 106 ઉંમરના દાખલા 49 વ્યકિતઓને કાઢી આપવામાં આવ્યા.
મેંદરડામાં નિ:શુલ્ક નિદાન કેમ્પ
મેંદરડાના સેવાભાવી ડો. બાલુભાઈ કોરાટ દ્વારા તેમના માતુશ્રી સ્વ. મોંઘીબેન તથા પિતાશ્રી સ્વ. કડવાભાઈ કોરાટના સ્મરણાર્થે મેંદરડા મુકામે તેમની હોસ્પિટલ ખાતે દર ગુરૂવારે બપોરના 4 વાગ્યા પછી દર્દીના આગમન સુધી ફ્રિ નિદાન તેમજ સારવાર કેમ્પ રાખવામાં આવેલ છે.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા જાયન્ટ્સ સપ્તાહની ઉજવણી
જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા સપ્ટેમ્બર માસમાં જાયન્ટસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જાયન્ટસ સપ્તાહની ઉજવણી દરમિયાન ગઢડાની જુદી જુદી પ્રાથમિક સ્કુલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે અલગ અલગ સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કેશ ગુન્થન સ્પર્ધા. મેમરી પાવર ગેઈમ સ્પર્ધા આરતી થાળી સજાવટ સ્પર્ધા, ગીત સ્પર્ધા અને રમતગમત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ ઉપરાંત રેફરલ હોસ્પિટલ, મધુરમ હોસ્પિટલ અને ડો. જી.વી. કળથીયાના દવાખાને દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતું.
સાવરકુંડલા; સાયકલ યાત્રા યોજાઈ
ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજજો અપાવવા માટે જન સેવા ચેરી. ટ્રસ્ટ, વૃંદાવન ગૌશાળા, અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ભાવનગરથી સાયકલ યાત્રા કાઢીને 8000 કીલોમીટરની લાંબી યાત્રા કાઢવામાં આવી છે. ગુજરાતના 33 જિલ્લામાં આ સાયકલ યાત્રા ફરવાની છે અનેક દરેક જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. ગામો ગામ ગૌ ક્રાંતિ યાત્રાને લોકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે ભગુડા, મહુવા, કાગધામ, રાજુલા થઈને આજરોજ રાતે સાવરકુંડલા યાત્રા આવી પહોંચી હતી. મોટી સંખ્યામાં રિધ્ધિ સિધ્ધી ચોક ખાતે લોકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
ઉપલેટાની શેઠ ટી.જે. ક્ધયા વિદ્યાલય જિલ્લા કક્ષાએ પ્રથમ
ઉપલેટા નગરપાલીકા સંચાલીત શેઠ ટી.જે. ક્ધયા વિદ્યાલયમાં શિક્ષણની સાથે સહ અભ્યાસ પ્રવૃતિઓને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. આ શાળામાંથી મોટી સંખ્યાની વિદ્યાર્થીનીઓએ અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ જીલ્લા કક્ષા સહીત ઉચ્ચ કક્ષાએ સારો દેખાવ કરે છે. તાજેતરમાં યોજાયેલ યુવક મહોત્સવમાં સમુહ ગીતમાં માંડલીયા હાર્તિકા નગીનભાઈ, બલવા શિતલ દેવજીભાઈ, માંડલીયા રીયા પરેશભાઈ, ચૌહાણ કૃપાલી સંજયભાઈ, નાનક દિવ્યા શૈલેષભાઈએ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ જયારે સુગમ સંગીતમાં વ્યકિતગત રીતે માંડલીયા હાર્તિકા નગીનભાઈએ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.
રામદેવસિંહ જાડેજાની પુણ્યસ્મૃતિએ રકતદાન શિબિર યોજાઈ
ગોંડલ તાલુકાના રિબડા ગામના માજી સરપંચ જગતસિંહ જાડેજા દ્વારા સ્વ. રામદેવસિંહ જાડેજાની પુણ્યસ્મૃતિ નિમિતે તા.23 ઓકટોબરના રોજ નેશનલ હાઈવે, કિશાન પેટ્રોલ પંપ, સ્કોડાના શો રૂમ ખાતે સવારે 6થી બપોરના 2 કલાક દરમિયાન રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં અંદાજીત 3500 બોટલ રકત એકત્રીત થયુ હતું. કેન્સર થેલેસેમીયા તથા ડાયાબીટીસના 200 જેટલા દર્દીઓને દતક લેવામાં આવ્યા હોવાનું માજી સરપંચ જગતસિંહ જાડેજાએ યાદીમાં જણાવ્યુ હતું.
ગોંડલમાં રાસોત્સવ યોજાયો
શ્રી બદ્રીનાથ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થે યોજાયેલ રાસોત્સવ 2018 દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ગોંડલ રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા આયોજીત રાસોત્સવમાં ગોંડલ યુવરાજ સાહેબ શ્રી હીમાંશુસિંહજી જાડેજા દ્વારા માતાજીની આરતી ઉતારી રસોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઢોલના તાલે ઝુમી ઉઠયા હતા. આ રાસોત્સવમાં ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારના સાધુ સંતો, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજવી પરિવારના લોકો, અધિકારીઓ, દરેક સમાજના રાજકીય સામાજીક અગ્રણીઓ, ડોકટરો સાથે બહોળી સંખ્યામાં દર્શકો ઉમટી પડયા હતા.


Advertisement