સાવધાન! તાવ વિના પણ ડેંગ્યુ હોઈ શકે છે

23 October 2018 07:05 PM
Health India
  • સાવધાન! તાવ વિના પણ ડેંગ્યુ હોઈ શકે છે

‘એમ્સ’ના તબીબોનો રીપોર્ટ: વ્હાઈટ સેલ્સ ઘટી જાય તો ડેંગ્યુનો ટેસ્ટ કરાવવાની સલાહ

Advertisement

નવી દિલ્હી તા.23
ગુજરાતમાં ડેંગ્યુનો કહેર છે ત્યારે ‘એમ્સ’ના તબીબોએ એવો ચોંકાવનારો અભ્યાસ રીપોર્ટ જાહેર કર્યો છે કે ડેંગ્યુનો શિકાર બનતી વ્યક્તિને તાવ આવવાનું જરૂરી નથી. તાવ ન આવે તો પણ વ્યક્તિ ડેંગ્યુની ઝપટે ચડી શકે છે.
એમ્સના તબીબોના રીપોર્ટ મુજબ બહુ થાક લાગતો હોય તો પણ ડેંગ્યુની નિશાની છે તેમાં તાવ આવવો જરૂરી નથી. 50 વર્ષીય મહિલાનો કેસ આગળ ધરીને રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે તેને કોઈ તાવ ન હતો પરંતુ થાક અનુભવતી હતી એટલે બ્લડટેસ્ટ કરાવવામાં આવ્યો હતો તેમાં તેના લોહીમાં સુગરની અસાધારણ માત્રા તથા એસીડનું ઉંચુ સ્તર માલુમ પડયું હતું. લોહીમાં સાલ સેલ્સ, વ્હાઈટ સેલ્ટ તથા પ્લેટ લેટસની સંખ્યા પણ ઘણી ઓછી હતી તેના આધારે ડેંગ્યુનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ફરી વખત ટેસ્ટ કરાવાયો હતો તેમાં ડેગ્યુ વાઈરસની વૃદ્ધિ થઈ હતી.
મેડીકલ જર્નલમાં આ કેસ સ્ટડી પ્રકાશિત કરવામાં આવ્યો છે તેમાં એવી સલાહ આપવામાં આવી છે કે કોઈ વિસ્તારમાં ડેંગ્યુ વધુ માત્રામાં ફેલાયેલો હોય તો ત્યાંની કોઈ વ્યક્તિમાં વ્હાઈટ સેલ્સ તથા પ્લેટલેટસ ઓછા માલુમ પડે તો ડેંગ્યુનો ટેસ્ટ કરાવવો જોઈએ.
ગુજરાત, દિલ્હી સહીત દેશના અનેક રાજયોમાં ડેંગ્યુનો કહેર છે. આવતા દિવસોમાં હાલત વધુ વકરવાની શંકા તબીબો દર્શાવી રહ્યા છે. પ્રારંભમાં સામાન્ય લાગતો ડેંગ્યુનો તાવ બેદરકારી રાખવામાં આવે તો જીવલેણ પણ બની શકે છે. ડેંગ્યુ ચોમાસામાં સૌથી વધુ ફેલાય છે. જુલાઈથી ઓકટોબરમાં પ્રમાણ વધુ હોય છે. કારણ કે આ દરમ્યાન મચ્છરોની ઉત્પતિ વધુ થાય છે. મચ્છરોથી બચવાનું જરૂરી છે.


Advertisement