ગામડિયા ભલે કહો :વૉટ્સ એપ મેસેજ નો આંધળો વિશ્વાસ કરતા નથી

22 October 2018 07:25 PM
India Technology
  • ગામડિયા ભલે કહો :વૉટ્સ એપ મેસેજ નો આંધળો વિશ્વાસ કરતા નથી

વોટસએપના ઉપયોગ, ફોરવર્ડેડ મેસેજીસ ગ્રુપ તથા મેસેજીંગ એપ પરના કલાકો વિષે રસપ્રદ સર્વે

Advertisement

નવી દિલ્હી તા.19
આપણે ધારીએ છીએ કે લોકો, ખાસ કરીને ગ્રામજનો વોટસએપ મેસેજીસને આંધળા-બહેરા બની સાચા માની લે છે, પરંતુ એવું નથી, 14 રાજયોમાં થયેલા સર્વેક્ષણ મુજબ ગામડાના વોટસએપ યુઝર્સ આંખો મીંચી મેસેજીસનો વિશ્ર્વાસ કરતા નથી.
સર્વેના તારણો જો સાચા હોય તો એ કાયદો-વ્યવસ્થાનું પાલન કરાવતા સતાવાળાઓ અને શાસકો માટે રાહતના સમાચાર છે. શાસકો અને વહીવટીતંત્ર બનાવટી સમાચારો અને અફવાઓનો મુકાબલો કરવા પ્રયાસ કરવા સાથે મેસેજીંગ સર્વિસીસ પર દબાણ લાવી રહ્યા છે.
માત્ર 8% ઉતરદાતાઓએ ટ્રસ્ટ સ્કોટ તરીકે 10 અંક હાંસલ કર્યા હતા. 1થી10ના સ્કેલમાં 1 અંકનો મતલબ સંપૂર્ણપણે અવિશ્ર્વાસ અને 10 સંપૂર્ણ વિશ્ર્વાસ દર્શાવે છે.
ડીજીટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરાયેલા અભ્યાસનો હેતુ ડિજીટલ ખાઈ પુરવાનો હતો.
ડીજીટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના સર્વેમાં 14 રાજયોના 1018 ગ્રામીણ યુઝર્સના મંતવ્ય લેવામાં આવ્યા હતા. 14 રાજયોના જીલ્લાઓમાં બિહારના બેટીઆ, ઉતરપ્રદેશના બારાબંકી, ઉતરાખંડના ચાંબા, નરેન્દ્રનગર અને પ્રતાપનગર, મધ્યપ્રદેશના બેતુલ અને ગુના, તામિલનાડુના મુસિરી, તેલંગણના મહેબુબનગર, વિકારાબાદ અને રાજસ્થાનમાં અલ્પર અને બાડમેરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે મે મહિના પછી મેસેજીંગ પ્લેટફોર્મ પરની અફવાઓના કારણે દેશમાં 30 લોકોને રહેંસી નાંખવામાં આવ્યા હતા. એમાંના કેટલાક બનાવો માટે સોશ્યલ મીડીયાને જવાબદાર ગણવામાં આવ્યું હતું. આઠ રાજયોમાં ફેક વિડીયો અને બાબતે ઉપાડી જવાની વોટસએપ દ્વારા અફવા ફેલાવાઈ હોવાથી હત્યાના બનાવો બન્યા હતા. ભારત સરકારે આ બનાવોના સંદર્ભમાં વોટસએપની માલિકી ધરાવતા ફેસબુક ઈન્કોર્પોરેશનને લખ્યું હતું, અને વોટસએપ પણ અફવા, ફેક ન્યુઝનો પ્રસાર અટકાવવા કેટલાક પગલા લીધા હતા.
વોટસએપના ભારતમાં 20 કરોડ યુઝર્સ છે. સર્વે મુજબ 70% ઉતરદાતાઓએ ટ્રસ્ટ સ્કોર 1-5 વચ્ચે બતાવ્યો હતો. સેન્ટર ફોર ઈન્ટરનેટ એન્ડ સોસાયટી નામની થિંકટેંકના સહસ્થાપક સુનીલ અબ્રાહમે જણાવ્યું હતું કે ગ્રામીણ ભારતમાં લોકો વોટસએપ પર શેર કરાતા મેસેજીસ બાબતે સંશયવાદી છે તે જાણવું આનંદદાયક છે. વિશ્ર્વાસનો ભંગ કરાયાનો ભૂતકાળનો અનુભવ તેમના સંશય પાછળ જવાબદાર છે.
ફેક ન્યુઝ, અફવા બાબતે પાછળથી સચ્ચાઈ સામે આવે છે ત્યારે યુઝર્સ છેતરાયાની લાગણી અનુભવે છે, અને એથી ભવિષ્યમાં તે વધુ સંશયવાદી બને તેવી ધારણા છે.
વોટસએપના ઉપયોગ બાબતે સર્વે બતાવે છે કે 66% ગ્રામીણ યુઝર્સ દરરોજ મેસેજીંગ એપ પાછળ 1-4 કલાક આપે છે. 46% ને દરરોજ 1960 મેસેજ મળે છે. 38% યુઝર્સ પાંચ વોટસએપ ગ્રુપમાં સક્રીય છે. આવા ગ્રુપોમાં પ્રથમ ફ્રેન્ડસનું ગ્રુપ આવે છે. એ પછી સહકર્મચારીઓ અને પરિવારનું ગ્રુપ આવે છે. નવાઈજનક રીતે ગામડામાં વોટસએપનો ઉપયોગ વધુ છે. સ્માર્ટફોન ઘૂસણખોરી કરી ચૂકયા હોવાથી મેસેજીંગ એપનો ઉપયોગ પણ વધી રહ્યો છે.
88% યુઝર્સની બહુમતીને વોટસએપ ફોરવર્ડ શું છે એની ખબર છે. 45% એ જણાવ્યું હતું કે તેમને સરેરાશ દરરોજ 6-20 ફોરવર્ડ મેસેજ મળે છે.
સર્વેના અન્ય તારણોમાં જણાયું હતું કે 40% ઉતરદાતાઓ રાજકીય પક્ષો- કાર્યકરો દ્વારા રચવામાં આવેલા વોટસએપ ગ્રુપમાં સામેલ છે. આ આંકડા ગામડાઓમાં રાજકીય પક્ષો અને તેમના પ્રચારની ઘૂસણખોરી દર્શાવે છે.
નવાઈની વાત એ છે કે 63% યુઝર્સ 2014માં વોટસએપની એકસેસ ધરાવતા નહોતા. પરંતુ હવે ગ્રામીણ ભારતના અસંખ્ય લોકો મેસેજીંગ સર્વિસનો હિસ્સો બન્યા હોવાથી 2019ની ચૂંટણીમાં વોટસએપ મહત્વની ભૂમિકા ભજવશે.


Advertisement