ઈંધણ-વીમા બોજ ઈફેકટ: નવરાત્રી-દશેરાએ કાર-બાઈક-સ્કુટરના વેચાણમાં ટાઢોડુ

22 October 2018 11:56 AM
Business India
  • ઈંધણ-વીમા બોજ ઈફેકટ: નવરાત્રી-દશેરાએ કાર-બાઈક-સ્કુટરના વેચાણમાં ટાઢોડુ

વીમાના અપફ્રન્ટ પ્રીમીયમમાં 100 ટકાનો વધારો તથા મોંઘા પેટ્રોલ-ડીઝલ નડી ગયા ગત વર્ષ કરતા 5થી20 ટકા ઓછુ વેચાણ: છેલ્લા છ વર્ષનો સૌથી નીચો દેખાવ

Advertisement

મુંબઈ તા.22
કાર ઉત્પાદકો માટે ચાલુ વર્ષે નવરાત્રી અને દશેરા પાછલાં છ વર્ષમાં સૌથી નબળાં રહ્યાં હતાં. ઈંધણની કિંમતમાં થઈ રહેલો વધારો અને અપફ્રન્ટ વીમા ખર્ચવેચાણમાં ઘટાડા માટેનાં કારણ બન્યાં છે. બે આંકડાના વૃદ્ધિદરની અપેક્ષા સામે ગણેશ ચતુર્થી અને ઓનમ તો વેચાણમાં વધારો કરવામાં નિષ્ફળ જ રહ્યા હતા. હવે ઉદ્યોગ તહેવારોની સીઝનમાં પાછલા વર્ષની સમકક્ષ આંકડા પ્રાપ્ત કરે તો પણ તેને સિદ્ધિ ગણી શકશે.
ફેડરેશન ઓફ ઓટોમોટીવ ડીલર્સ એસોસીએશનના નવા ચુંટાયેલા પ્રમુખ આશિષ કાલેએ જણાવ્યું હતું કે, ‘કારના વેચાણમાં 5-20 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને ટુ વ્હીલર્સના વેચાણમાં 15-20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે, કોમર્સીયલ વ્હિકલ્સનું વેચાણ નવરાત્રી અને દશેરા દરમિયાન મજબૂત જળવાયું હતું જેના કારણે આશાવાદ માટે થોડાં કારણો બચ્યાં હતાં.’
કાલેએ જણાવ્યું હતું કે, ‘નીચા વેચાણના કારણે ડીલર્સ પાસે ઈન્વેન્ટરી ઉંચી છે. લોકો આશા રાખતા હતા કે પુછપરછનું પ્રમાણ ઘણું ઉંચુ જળવાયું છે તે દિવાળી દરમિયાન (નવેમ્બરમાં) વેચાણમાં પરિવર્તિત થશે. જો અમે પાછલા વર્ષના આંકડા પ્રમાણે દેખાવ કરી શકીશું તો પણ તે સારું ગણાશે, બે આંકડાનો વૃદ્ધિદર હાંસલ કરવો હવે ઘણું અશકય જણાય છે.’
લોકોને વાહનોની ખરીદી રોકવા પાછળ કેટલાંક કારણો જવાબદાર છે. જેમકે પાછલા કેટલાક મહિનાઓ દરમિયાન ઈંધણની કિંમતમાં ઓછામાં ઓછો 15 ટકાનો વધારો થયો છે તથા અપફ્રન્ટ વીમાખર્ચમાં 100 ટકા કરતાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ફાઈનાન્સીયલ ખર્ચમાં 50 બેસીસ પોઈન્ટનો ફુગાવો સામેલ છે. તહેવારોની સીઝનમાં વેચાણમાં વૃદ્ધિ નાણાકીય વર્ષ 2013થી અત્યાર સુધીમાં સૌથી નીચો છે, તેમ એકંદર દેખાવ પર ધ્યાન આપતાં વિશ્ર્લેષકો જણાવે છે.
એક અગ્રણી દ્વિ-ચક્રીય વાહન ઉત્પાદક કંપનીના વરિષ્ઠ એકઝીકયુટીવે જણાવ્યું હતું કે, વીમાના ખર્ચમાં ખોટા સમયે મોટો વધારો કરવામાં આવ્યો તેણે સ્કુટર તથા બાઈકના વેચાણ પર મોટો ફટકો પાડયો હતો. એકઝીકયુટીવે જણાવ્યું હતું કે, વીમા પ્રીમીયમના જથ્થા અંગે આગળ પાછળ થયું તેના કારણે અનિશ્ર્ચિતતામાં ઉમેરો થયો અને તેના કારણે સ્પષ્ટપણે તહેવારોની ખરીદીમાં ઘટાડો નોંધાયો હતો.
અગ્રણી કાર ફાઈનાન્સ કંપની કોટક મહીન્દ્રા પ્રાઈમના સીઈઓ તથા એમડી વ્યોમેશ કપાસીએ જણાવ્યું હતું કે, ફીલ્ડ રિપોર્ટ દર્શાવે છે કે સુધારાની અપેક્ષા છતાં વેચાણ અટકી ગયું છે. કપાસીએ ઉમેર્યું હતું કે, તહેવારોમાં સામાન્ય રીતે મજબૂત માંગ ઉભી થતી હોય છે તેનો આ નવરાત્રીમાં અને દશેરામાં અભાવ હતો. ઈન્વેન્ટરીનો સ્તર હળવો થઈ રહ્યો નથી તેથી ડિસ્કાઉન્ટસના સ્તર ઉંચા છે. કેટલાંક ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં થોડી વૃદ્ધિ જોવાઈ હતી, પણ મેટ્રો શહેરોમાં માંગ નીચી હતી.


Advertisement