અલ્પેશના માથા માટે એક કરોડનું ઈનામ: યુપીના સંગઠનની જાહેરાત પોલીસ એલર્ટ

15 October 2018 12:30 PM
Ahmedabad Gujarat
  • અલ્પેશના માથા માટે એક કરોડનું ઈનામ: યુપીના સંગઠનની જાહેરાત પોલીસ એલર્ટ

Advertisement

બહરાઈચ: ગુજરાતમાં ઉતરપ્રદેશ, બિહાર સહીતના પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા મુદે ચર્ચામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથુ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડ નામના સંગઠને કરી છે. આ ઈનામ આપવા સંબંધી પોસ્ટર ઉતરપ્રદેશના બહરાઈચ જીલ્લાના સાર્વજનિક સ્થળો પર લગાવાયા છે.
પોસ્ટર લાગ્યાની જાણ થતાં પોલીસે બધા પોલીસ સ્ટેશનોમાં એલર્ટ કરી આ પોસ્ટર હટાવવા તથા અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા.
પોતાને મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડનો અધ્યક્ષ ગણાવનાર ભવાની ઠાકુરે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર અને તેના સાથીદારો રાક્ષસી પ્રકૃતિના છે જેઓ ગરીબ મજુરો સાથે મારઝુડ કરી કાયરતા દેખાડી રહ્યા છે. આ લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે અને તેના વિરોધમાં બધાએ એકજૂથ થવું જોઈએ.
ભવાની ઠાકુરે કહ્યું કે તેમણે અલ્પેશ ઠાકોરનું માથુ કાપી લાવનારને એક કરોડ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે અને જુદા જુદા સ્થળોએ આ માટે પોસ્ટર લગાવ્યા છે. જો અલ્પેશ ઠાકોર ગુજરાતમાંથી બહાર ન નીકળે તો ગુજરાત જઈને તેનું માથુ કાપી લાવશે.
આ મામલે બહરાઈંચના ડીવાયએસપી અજય પ્રતાપસિંહે કહ્યું કે આવા પોસ્ટર લાગ્યાની વાત સોશ્યલ મીડીયામાંથી જાણવા મળ્યું છે જેને ગંભીરતાથી લેવામાં આવી છે. અસામાજીક તત્વોને ડામવા માટે અમે કટીબદ્ધ છીએ. આવા પોસ્ટર લગાવનારને શોધી કાર્યવાહી કરવામાં આવશે.


Advertisement