સૌરાષ્ટ્રના ગામે ગામ-શહેરોમાં કિસાનોના મોરચા: આવેદન અપાયા

15 October 2018 11:37 AM
Gujarat

પાકવીમા-સર્વે સહિતના પ્રશ્ર્ને કિસાન સંઘ મેદાનમાં: રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં રેલી: સરકાર માત્ર વાતો કરે છે..

Advertisement

રાજકોટ તા.15
પાક વીમાના સર્વે સહિતના પ્રશ્ર્નો અંગે આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ શહેર, તાલુકા કક્ષાએ આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. રાજકોટ, ભાવનગર સહિતના નગરોમાં આજે મામલતદારને સામુહિક આવેદનપત્રો પાઠવાયા છે.
ખેડુતોના વિવિધ પ્રશ્ર્ને આજે ફરી એક વખત રેલી અને આવેદનપત્ર રાજયના દરેક તાલુકામાં આપવામાં આવ્યા છે. આજે સવારે 11 કલાકે રાજયભરના ખેડુતોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યા છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ રાજકોટ જીલ્લાના 500થી વધુ ખેડુતો આ કાર્યક્રમમાં જોડાયા છે.
કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઈ સખિયાના જણાવ્યાનુસાર સરકાર માત્ર મોટી મોટી વાતો કરે છે પણ કાંઈ કામ કરતી નથી. જેને કારણે ખેડુતોની હાલત રોજેરોજ બગડતી જાય છે. ખેડુતોના હિતમાં ઠોસ નિર્ણય લેવાતો નથી. ટેકાના ભાવની જાહેરાત કરે છે. ત્યાં સુધીમાં તો અડધો માલ વેચાઈ ગયો હોય છે. આવું ન બને તે માટે ટેકાના ભાવની જાહેરાત વહેલી તકે કરવી જોઈએ જેથી ખેડુતોને લાભ થાય. આ ઉપરાંત માત્ર રાતે જ વીજ પુરવઠો મળે છે દિવસે મળતો નથી, તેથી ખેડુતો હેરાન થાય છે.
ખેડુતોની હાજરી વિના સરવે કરી નાખ્યો છે. જેથી તે સર્વે ફરી વખત કરવામાં આવે તે જરૂરી છે. પાક વીમો ઝડપથી કરવામાં આવે જે તાલુકામાં વરસાદ પૂરતો નથી થયો તેમને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. ચોમાસાની પૂર્વે 90 ટકા ચેકડેમ ખાલી થઈ ગયા છે તો તાત્કાલીક તે ઉંડા ઉતારવાની કામગીરી શરૂ કરવાના મુદ્દે આવેદનપત્ર અપાયા છે.
રાજકોટ
રાજકોટમાં આજે તાલુકા ઉપરાંત નજીકના તમામ તાલુકા મથકોએ ભારતિય કિસાન સંઘે સરકાર સામે મોરચો ખોલી ખેડૂતોના મહત્વના પ્રશ્ર્નો ઉકેલવાની માંગ ઉઠાવી રોષ પૂર્ણ રેલી યોજી આવેદનપત્રો આપ્યા હતા.
રાજકોટ શહેર જિલ્લા કિસાન સંઘના આગેવાનોએ કિસાનોએ પોષણક્ષમ ભાવ, સૌની યોજના હેઠળ તમામ જળાશયો ભરવા, પાકવીમાની ચુકવણી, અછતગ્રસ્ત જાહેર કરી તમામ કિસાનોને રાહત આપવાની માંગ ઉચ્ચારી છે. ભારતીય કિસાન સંઘે આજે તમામ તાલુકા મામલતદાર કચેરીએ આવેદનપત્રો આપી સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારતીય કિસાન સંઘે ખેડુતોના પ્રશ્ર્ને સરકારને ભીંસમાં લેવા કાર્યક્રમો આપતા સરકારમાં ચિંતા પેઠી છે. આગામી સમયમાં ભારતીય કિશાન સંઘ કિસાનોના પ્રશ્ર્નો મૂદ્દે અસરકારક આંદોલન કરશે તેવી ચીમકી અપાઈ છે.


Advertisement