જેતપુરના શેરબ્રોકર વિપુલભાઈ શિંગાળાનો તેમનીજ ઓફિસમાં ગળાફાંસો ખાઈ આપઘાત !

12 October 2018 01:30 PM
Rajkot Saurashtra
  • 
જેતપુરના શેરબ્રોકર વિપુલભાઈ શિંગાળાનો 
તેમનીજ ઓફિસમાં ગળાફાંસો ખાઈ આપઘાત !

સરદાર ચોકની ઘટના : વૈભવલક્ષ્મી ફાઈનાન્સ એન્ડ સર્વિસ નામની ઓફિસમાં ભરેલું પગલું : ઘરેથી સવારે ૮ વાગ્યે નીકળી ગયા હતા. એકના એક સંતાન એવા વિપુલભાઈના પગલાથી શિંગાળા પરિવાર શોકમાં ગરક : આર્થિકભીંસથી પગલું ભર્યાનું જણાવતી જેતપુર શહેર પોલીસ

Advertisement

રાજકોટ તા.૧૨
જેતપુર શહેરમાં આજે એક જાણીતા શેરબ્રોકરે પોતાનીજ ઓફિસમાં ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યાની ઘટનાથી શહેરભરમાં ચકચાર જાગી છે. એકના એક સંતાનના આવા પગલા પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું મૃતકના પિતાએ પોલીસને જણાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જેતપુરમાં સરદાર્ચોકમાં આવેલ એક કોમ્પ્લેક્ષમાં વૈભવલક્ષ્મી ફાયનાન્સ એન્ડ સર્વિસ નામની ઓફીસ ધરાવતા શેરબ્રોકર વિપુલભાઈ જેન્તીભાઈ શિંગાળા નામના યુવાને આજે તેમની ઓફિસમાં સવારે ગળાફાંસો ખાઈ લીધાની ઘટના બહાર આવતા પોલીસે મૃતકના પરિવારજનોની હાજરીમાં ઘટના સ્થળે દોડી જઈને પૂછપરછ કરતા તેમના પિતા જેન્તીભાઈએ વિપુલ આર્થિકભીંસ ભોગવતો હોય આવું પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.

બનાવ બાબતે જેતપુર શહેર પોલીસના જમાદાર હિતેશભાઈ ચોહાલીયાએ "સાંજસમાચાર"ને જણાવ્યું હતું કે, વિપુલભાઈ આજે સવારે ૮ વાગ્યે પોતાના ઘરેથી રાબેતા મુજબ નીકળી ગયા હતા. અને નવેક વાગ્યાની આસપાસ તેમણે ગળાફાંસો ખાઈ લીધાની પોલીસમાં જાણ થતા તેઓ ઉપરાંત સંજયભાઈ ગઢવી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

અહીથી મળેલી વધુ વિગતો આપતા પોલીસે જણાવેલ કે, મૃતક વિપુલભાઈ જેન્તીભાઈ શિંગાળાનો એકનો એક અપરણિત પુત્ર હતો. શેરબજારના વ્યાવસાયમાં આર્થિક ખેંચમાં આવી ગયો હોય આ પગલું ભરી લીધાનું હાલ અનુમાન કરાઈ રહ્યું છે. પોલીસે એવું પણ જણાવેલ કે, મૃતક વિપુલભાઈના પિતા જેન્તીભાઈ શિંગાળાને જનતાનગર વિસ્તારમાં રાધે રાધે ફરસાણ નામની દુકાન છે.

સૌને મળતાવડો સ્વભાવ ધરાવતા વિપુલભાઈના આવા પગલાથી શિંગાળા પરિવાર તેમજ તેમના મિત્રવર્તુળમાં શોકની લાગણી ફેલાઈ છે.
દરમિયાન આ બનાવના તપાસનીસ જમાદાર હિતેશભાઈ ચોહાલીયાએ મૃતકની ડેડબોડીને સિવિલ હોસ્પીટલમાં ખસેડી પીએમ વિધિ હાથ ધરાવી છે. આ બનાવે શહેરભરમાં ચકચાર જગાવી છે.


Advertisement