આઠ સત્શાસ્ત્રોનું અનુષ્ઠાન: શોભાયાત્રા નીકળી

11 October 2018 06:44 PM
Rajkot

છારોડી ગુરૂકુળ-દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે

Advertisement

રાજકોટ તા.11
શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને પાર્ષદવર્ય શ્રી શામજી ભગતના માર્ગદર્શન નીચે, નવરાત્રીના પ્રથમ દિવસથી, સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોડ પ્રમાણભૂત આઠ સત્શાસ્ત્રો - ચાર વેદ, બ્રહ્મસુત્ર, શ્રીમદ્ ભાગવત, વિષ્ણુસહસ્ત્રનામ, શ્રીમદ્ ભગવત ગીતા, વિદુરનીતિ, વાસુદેવ માહાત્મ્ય અને જ્ઞાવલ્કયની સ્મૃતિનું અનુષ્ઠાન શરુ થયેલ છે.
અનુષ્ઠાન પૂર્વે, યજ્ઞશાળામાંથી ગુરુકુલ પરિસરમાં આવેલ દર્શનમ્, હ્રદય કુુટિર, સહજાનંદમ્, ધર્મજીવન હોસ્ટેલ, વિશ્વંભરમ્, સદ્વિદ્યા ભવન, કામધેનુ સદન, એસજીવીપી હોસ્પિટલ સુધી ભવ્ય તમામ આઠ શાસ્ત્રોને ઋષિકુમારોએ મસ્તક ઉપર ધારણ કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
જેમાં પાઠશાળાના તમામ 200 ઋષિકુમારો, હોસ્ટેલના વિદ્યાર્થીઓ, સંતો, હરિભક્તો જોડાયા હતા.
આ ઉપરાંત આ નવ દિવસ દરમ્યાન નવ વિદ્યાર્થાઓએ ફળાહાર કરીને શ્રી લક્ષ્મીનારાયણ હૃદય સ્તોત્રનું અનુષ્ઠાન શરુ કરેલ છે.
આ અનુષ્ઠાન કરવાથી લક્ષ્મીજી અને નારાયણ ભગવાન આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, ધન અને સાથે સાથે મોક્ષ પણ આપે છે. સત્શાત્રોનો નવ દિવસ દરમ્યાન દરરોજ સાંજે પ થી 7 દરમ્યાન ગુરુકુલ પરિસરમાં આવેલ આઠ સ્થાનોમાં આઠ સત્શાસ્ત્રનો નિત્ય સ્વાધ્યાય ચજ્ઞ ચાલશે. જેની પૂર્ણાહૂતિ તા.18 ના વિષ્ણુયાગ બાદ કરવામાં આવશે.


Advertisement