પ્રીટી ઝીન્ટા અને નેસવાડીયા વચ્ચે સમાધાન: છેડતીનો કેસ પડતો મુકતી હાઈકોર્ટ

11 October 2018 06:05 PM
Entertainment
  • પ્રીટી ઝીન્ટા અને નેસવાડીયા વચ્ચે સમાધાન: છેડતીનો કેસ પડતો મુકતી હાઈકોર્ટ

ભુલી જઈ માફ કરવામાં ભલાઈ છે: અભિનેત્રીનું ટવીટ

Advertisement

મુંબઈ તા.11
2014માં પોતાના એક વખતના પ્રેમી અને ઉદ્યોગપતિ નેસ વાડીયા સામે અભિનેત્રી પ્રીટી ઝીન્ટાએ 2014માં છેડતી અને ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ, બન્ને વચ્ચે ઘરમેળે સમાધાન થઈ ગયાની રજુઆત થતાં મુંબઈ હાઈકોર્ટે ચાર્જશીટ અને મરિન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર રદ કરી હતી. પ્રીટી ઝીન્ટાએ અદાલતને જણાવ્યું હતું કે કેસ પડતો મુકવામાં આવે એ સામે તેને કોઈ વાંધો નથી.
હાઈકોર્ટની ડીવીઝન બેંચના જસ્ટીસીસ રણજીત મોટે અને ભારતી ડાંગરેની ચેપ્ટરમાં સુનાવણી માટે પ્રીટી અને નેસ ઉપસ્થિત રહ્યા હતા.
30 મે, 2014એ ટી20 મેચ વખતે પ્રીટીએ નેસે તેની સાથે ગાળાગાળી કરી તેનો હાથ ખેંચી વિનય ભંગ કર્યાનો આક્ષેપ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. વાડીયાએ એ આક્ષેપોનો ઈન્કાર કર્યો હતો.
મરીન ડ્રાઈવ પોલીસે નેસ સામે ભારતીય દંડસંહિતાની કલમ 354 હેઠળ મહિલાની છેડતી, કલમ 509 હેઠળ અપમાન અને કલમ 506 હેઠળ ધાકધમકી આપ્યાની ફરિયાદ દર્જ કરી હતી. આવા ગુના માટે બે વર્ષ સુધીની જેલ સજાની જોગવાઈ છે.
કોર્ટ સમક્ષના સોગંદનામામાં પ્રીટીએ જણાવ્યું હતું કે તેને નેસ તરફથી માફી મળી છે અને ઝઘડાનું શાંતિમય સમાધાન થયું છે, કોર્ટમાં હાજર થયા બાદ પ્રીટીએ ટવીટર પર જણાવ્યું હતું: આગળ વધવું સારું છે. ઝઘડો પુરો કરી માફ કરવા સારા છે. એક સાદો શબ્દ મામલાની પતાવટ કરી શકે તે અદભૂત છે.


Advertisement