અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ: ભાજપ પર પ્રહારો

11 October 2018 05:49 PM
Ahmedabad Gujarat
  • અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ: ભાજપ પર પ્રહારો

ગાંધી પ્રતિમાને નમન કરીને ઉપવાસનો પ્રારંભ: દરેક રાજયમાં એક-એક દિવસ ઉપવાસ કરશે : પરપ્રાંતીયોના હિજરત વિવાદમાં મને ફીટ કરવા ભાજપ ષડયંત્ર કરી રહ્યાનો આરોપ: રાજકારણ ખેલવા સામે લાલબતી

Advertisement

અમદાવાદ તા.11
ઠાકોર સેનાના નેતા તથા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે સદભાવના ઉપવાસ પર બેઠા છે. પરપ્રાંતીયોની હિજરતના વિવાદ વચ્ચે સામાજીક સમરસતા તથા ભાઈચારો કેળવવાના આશય સાથે તેઓએ ઉપવાસ કર્યા છે અને હવે દરેક રાજયમાં એક-એક દિવસના ઉપવાસ કરવાનું જાહેર કર્યુ છે.
પરપ્રાંતીયોની હિજરતના મુદે રાજકારણ ખેલવા તથા તેને રાજકીય સ્વરૂપ આપવા સામે તેઓએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. અલ્પેશ ઠાકોરે એવી શંકા દર્શાવી હતી કે ભાજપની સરકાર પરપ્રાંતીય વિવાદમાં પોતાને ફીટ કરવા ષડયંત્ર રચી રહી છે અને સમગ્ર દોષનો ટોપલો મારા પર ઢોળશે. પરંતુ પોતે ડગવાનો નથી. આ મામલે રાજકારણ ખેલવા સામે પણ તેઓએ ચીમકી આપી હતી.
આજે ઠાકોર સેનાના સુપ્રિમો અને રાધનપુર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ કરી રહ્યા છે. ગુજરાતમાં પરપ્રાંતીયો પર 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના બનાવના ગણતરીના દિવસ બાદ હુમલાના બનાવો બન્યા હતા. જેમાં ઠાકોર સેનાના પર આરોપ લાગ્યો હતો. પરપ્રાંતીયો અને ઠાકોર સેના વચ્ચે સદભાવના વધે તેવા ઉદ્દેશ્યથી અલ્પેશ ઉપવાસ કરી રહ્યા છે. પરપ્રાંતીયો અને ગુજરાતીઓ વચ્ચે ભાઈચારો વધારવાનો પણ અલ્પેશનો પ્રયાસ છે, ગાંધી આશ્રમ ખાતે સમર્થકો સાથે અલ્પેશ ઠાકોરે બાપુની પ્રતિમાને પ્રણામ કરીને એક દિવસીય સદભાવના ઉપવાસ આરંભ્યા હતા. ગાંધી આશ્રમમાં બાપુના દર્શન બાદ અલ્પેશ ઠાકાર રાણીપ સ્થિત સદભાવના ઉપવાસ સ્થળે પહોંચીને એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા.
સદભાવના ઉપવાસને આજે ગુજરાતમાં એક દિવસ કરીને દેશના દરેક રાજયમાં એક એક દિવસ માટે અલ્પેશ સદભાવના ઉપવાસ કરશે. તે ઉતર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી સહીતના પરપ્રાંતીય પલાયન કરીને જતા રહ્યા છે. તેવા રાજયોમાં પણ ઉપવાસ કરવાનો છે. ઉપવાસમાં તેમણે ઉપર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિષકુમારને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યુ હતું.
હિંમતનગરના ઢુંઢર ગામની એક 14 માસની બાળકી પર પરપ્રાંતી યુવાનો દુષ્કર્મ આચર્યુ હતું. ગણતરીના દિવસો બાદ ઉતર ગુજરાત અને અમદાવાદ સહિતના જિલ્લામાં રાજયના 9 જિલ્લામાં પરપ્રાંતીયોને માર મારવા અને લૂંટી લેવાના બનાવો બન્યા હતા. આમાં સૂકાના વાંકે લીલું પણ બળ્યુ હોવાનો ઘાટ સર્જાયો હતો અને નિર્દોષો એવા ગરીબ અને મજૂરી કરવા આવેલા પરપ્રાંતીયોને ગુજરાત છોડવાનો વારો આવ્યો હતો. ત્યારે પરપ્રાંતિયોને પાછા લાવંવા અને તેમની સાથે સદભાવ કેળવવા અલ્પેશે સદભાવના ઉપવાસ કરી રહ્યા છે.
14 માસની બાળકીને ન્યાય મળે તે માટે અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ કરવાના હતા. આ સદભાવના ઉપવાસ કરવા માટે તેમણે ગાંધી આનમને પસંદ કર્યો હતો. 8મી ઓકટોબર આ ઉપવાસ યોજાવાના હતા. પરંતુ રાજયમાં સ્થિતિ બેકાબૂ બની અને રાજયના કેટલાક જિલ્લામાં હુમલાના બનાવ બનતા કોઈપણ જાણ કર્યા વગર અલ્પેશે આ ઉપવાસ નહોતા કર્યા. હવે બાળકીને ન્યાય માટેના સદભાવના ઉપવાસ કેન્સલ કરીને પરપ્રાંતીય અને ઠાકોર સેનામાં સદભાવના જન્મ તેવા પ્રયાસ માટે ઉપવાસ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા પંથકમાં 14 માસની બાળકી પર બિહારી શખ્સે બળાત્કાર ગુજાર્યાને પગલે રાજયના આઠ જીલ્લામાં પરપ્રાંતીયો પર હુમલા થયા હતા તેનાથી ભયનો માહોલ સર્જાતા પરપ્રાંતીયોએ હિજરત શરૂ કરી હતી. હિંસા-હુમલા પાછળ અલ્પેશ ઠાકોરની સંડોવણી-દોરવણીનો આરોપ ભાજપ નેતાઓએ કર્યો હતો અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર શરુ થયો હતો.
પરપ્રાંતીયોની હિજરત રોકવા રાજય સરકારે તમામ મશીનરી કામે લાગી હતી. કારણ કે આ હિજરતથી વેપાર ઉદ્યોગને મોટો ધકકો લાગવાની શંકા ઉદ્યોગકારોએ દર્શાવતા સરકાર ભીંસમાં આવી હતી.


Advertisement