જાન્યુઆરીથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના દસ્તાવેજો પર ‘ખાસ નંબર’ ફરજીયાત

10 October 2018 04:41 PM
Rajkot
  • જાન્યુઆરીથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના દસ્તાવેજો પર ‘ખાસ નંબર’ ફરજીયાત

બોગસ દસ્તાવેજો- બનાવટી સહીના વધતા કિસ્સા રોકવાનો ઉદેશ

Advertisement

નવી દિલ્હી તા.10
નાણાંકીય દસ્તાવેજોની નકલ-બનાવટ રોકવા માટે આગામી જાન્યુઆરીથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઈસ્યુ થનારા પ્રમાણપત્રોમાં ખાસ ઓળખ નંબર (યુનિક આઈડેન્ટીફીકેશન નંબર) હશે.
દેશભરમાં 2.92 લાખ સભ્યો ધરાવતા ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડીયા દ્વારા જાહેર કરાયું છે કે સભ્યો દ્વારા ઈસ્યુ થનારા પ્રમાણપત્રોમાં ખાસ ઓળખ નંબર હશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બોગસ સહીઓ કરવાના અને બનાવટી દસ્તાવેજોના વધતા કિસ્સાઓને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1લી જાન્યુઆરીથી તમામ પ્રેકટીસ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ખાસ ઓળખ નંબર ફરજીયાત હશે. યુનિક આઈડેન્ટીફીકેશન નંબર પોર્ટલમાં નોંધણી કરાવવાની રહેશે અને સંબંધીત પક્ષકારો તેની ચકાસણી કરી શકશે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઈસ્યુ થતા તમામ પ્રમાણીત દસ્તાવેજો પોર્ટલ પર રજીસ્ટર્ડ થશે એટલે તેના પર ખાસ નંબર જનરેટ થશે. બોગસ દસ્તાવેજો તથા બનાવટી સહીનું દૂષણ ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલકતાના કરદાતા વિનોદકુમાર અગ્રવાલનું ફુલગુલાબી સરવૈયુ બહાર પડયું હતું. બેંકમાંથી મોટી લોન લેવા પાત્ર ઠરતુ આ સરવૈયુ પોતે તૈયાર નહીં કર્યાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જાહેર કર્યુ હતું અને આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બનાવટી સહી અને બોગસ દસ્તાવેજોનો ઉપયોગ થયાનો દાવો કરાયો હતો. આ પ્રકરણને ધ્યાને રાખીને સીએ સંગઠન દ્વારા દસ્તાવેજો પર ખાસ નંબર દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે.


Advertisement