‘સાંજ સમાચાર’ જામનગર આવૃતિનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ

10 October 2018 02:53 PM
Jamnagar
  • ‘સાંજ સમાચાર’ જામનગર આવૃતિનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ
  • ‘સાંજ સમાચાર’ જામનગર આવૃતિનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ

સ્નેહસભર સંબંધનું એક વર્ષ...

Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વસ્વીકાર્ય બની ગયેલા સાંધ્ય દૈનિક સાંજ સમાચારની જામનગર આવૃતિ આજે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. ‘મા’ના નોરતાના પ્રથમ દિવસે ગત વર્ષે અમોએ જામનગર શહેર અને સમગ્ર જીલ્લાની વધુ નજીક આવીને જામનગર એડીસનનો પ્રારંભ કર્યો અને આજે એક વર્ષમાં અમોને જે આવકાર, પ્રતિસાદ, સહકાર અને પ્રેમ ભર્યો છે તે અદભૂત છે. અમારી આ એક વર્ષની સફર અને આપ સૌનો સાથ એ અમારા માટે પ્રથમ વર્ષનું એક ભાથુ બની ગયું છે અને આગામી દિવસોમાં તેના બળના આધારે જ ‘સાંજ સમાચાર’ આપની વધુ નજીક વધુ પોતીકુ બનીને આવશે તેવો અમને વિશ્ર્વાસ છે. આજના પ્રથમ વર્ષે અમોને સાથ આપનાર સૌ કોઈના આભારી છીએ અને જામનગર એડીશન શરુ કરતા સમયે અમોએ જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેને આગળ વધારવાની ખાત્રી આપી હતી.
સાંજ સમાચાર જામનગર એડીસન એ ફકત પ્રીન્ટ લાઈનનો ફેરફાર બની ન રહે તે જોવા અમોએ ખાસ પ્રયત્ન કર્યો છે. સૌ પ્રથમ તો જામનગર શહેર અને જનતાનો ધબકાર ‘સાંજ સમાચાર’માં વ્યક્ત થાય તે માટે અમારી જામનગર ટીમે ભરપુર પ્રયાસ કર્યા અને તે સફળ રહ્યા તેનો અમને આનંદ છે. આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચાર આપને વધુ ઝડપથી અને વધુ અપડેટ મળે તે માટેના અમારા પ્રયાસો પણ આપે સ્વીકાર્ય બનાવ્યા છે તેનો અમને સંતોષ છે. પરંતુ અહી એક વર્ષના અંતે ફકત અલ્પવિરામ લાગે છે પૂર્ણવિરામ નહી. સતત આગળ વધતા રહેવાનું, નવીનતા પીરસવાનું અને લોકઅખબાર બની રહેવાનું ‘સાંજ સમાચાર’ના મૂળભૂત સિદ્ધાંતોમાં છે અને સમગ્ર અખબાર માટે તે જે વિશિષ્ટતાઓ છે તેનું પ્રતિબિંબ જામનગર એડીશનમાં પણ પડે તે અમારો સંકલ્પ છે. આવનારા સમયમાં હાલાર આવૃતિમાં વધુ નવા વિભાગો તથા વધુ પાના સાથે અમે આપની સમક્ષ આવી રહ્યા છીએ. હાલારની જનતાનો અવાજ બનીને ગાંધીનગર હોય કે દિલ્હી સુધી પડઘો પાડવામાં સફળ થશું તેની અમોને ખાત્રી છે.
ફરી એક વખત આપ સૌનો સાથ અને સહકાર અમારા માટે એક અમૂલ્ય બની રહ્યો છે. ‘સાંજ સમાચાર’ આપની વધુ નજીક આવીને આપના પ્રશ્ર્નો, સામાજીક સમસ્યાઓ, જામનગર શહેર અને જીલ્લાના વિકાસ માટે જે કાંઈ અખબારી ભૂમિકા હોય તે ભજવવા માટે અમો તૈયાર છીએ અને આપણો આ સંબંધ નિરંતર અને ચિરંજીવી બની રહેશે તે પણ વિશ્ર્વાસ છે.
આપનો
પ્રદિપ શાહ
તંત્રી
સાંજ સમાચાર


Advertisement