નવરાત્રી મહાપર્વનો પ્રારંભ: શકિત-ભકિત આરાધનાનો રચાશે માહોલ

10 October 2018 11:47 AM
Gujarat
  • નવરાત્રી મહાપર્વનો પ્રારંભ: શકિત-ભકિત આરાધનાનો રચાશે માહોલ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં ભકિતનો સૂર ગુંજશે: રાજકોટ, ચોટીલા-ચામુંડા, માતાના મઢ, ભાવનગર, મોરબી, અમરેલી, જૂનાગઢ સહિતના શહેરો-ગામોમાં રાસ-ગરબાની થશે જમાવટ

Advertisement

રાજકોટ તા.10
માં જગદંબાની ભકિતનું મહાપર્વ નવરાત્રીનો આજથી મંગલમય પ્રારંભ થયો છે. આજથી પ્રાચીન તથા અર્વાચીન રાસ ગરબાની રમઝટ આરંભાશે.
રાજકોટ
રાજકોટમાં 1200થી વધારે પ્રાચીન ગરબીના આયોજનો વિવિધ વિસ્તારોમાં કરાયા છે. નાની મોટી બાળાઓ મા અંબાની ભકિત કરશે રાત્રે પ્રાચીન ગરબી જોવા આજે પણ લોકોનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. કરણપરા ચોક, નવદુર્ગા ગરબી, રામનાથપરા ગરૂડ ગરબી, સદર, જંકશન પ્લોટની ગરબી સુવિખ્યાત છે.
ચોટીલા
ચોટીલાના ચામુંડા ડુંગરે વહેલી સવારે શુભ ચોઘડીયે માતાજીના જવેરા સ્થાપન, કળશ મૂકીને પ્રથમ નવરાત્રીનો પ્રારંભ કરાયો. હજારો માઈ ભકતો માતાને વંદના કરવા નવરાત્રી દરમ્યાન ઉમટી પડશે.
માતાના મઢ
માતાના મઢ (કચ્છ)માં પદયાત્રીને આજે પહોંચી જઈને મા આશાપુરાની ભાવથી ભકિત કરશે નવ દિવસ દરમ્યાન હજારો માઈ ભકતો આશાપુરા ધામ ઉમટી પડશે.
રાજુલા, ભાવનગર, મોરબી, લીલીયા મોટા, સહિતના ગામોમાં આજથી પ્રાચીન ગરબી તથા અર્વાચીન રાસોત્સવનો પ્રારંભ થશે.
જુનાગઢ
સોરઠમાં આજથી માં અંબાના નોરતાનો પ્રારંભ થયો છે. આજે રાત્રે નાની નાની બાળાઓ મા જગદંબાનાં સ્વરૂપે માથે ગરબો લઈ ચાચર ચોકમાં ઘુમતી જોવા મળશે નવ દિવસ સુધી પ્રાચીન અર્વાચીન ગરબીઓમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રાસની રમઝટ જામશે.
જુનાગઢ શહેરમાં 150 જેટલી પ્રાચીન ગરબી આજે રાત્રે શરૂ થશે. ટીંબાવાડી, નરસિંહ મહેતાની ગરબી, વણઝારી ચોક, જોષીપુરા, રંગમહેલ ચોકસી બજારની ગરબી, ગાંધીગ્રામની ગરબી ઉપરાંત પાર્ટી પ્લોટમાં રાસોત્સવ જામશે.
ગ્રામ્ય કક્ષાએ પ્રાચીન ગરબીઓમાં મા જગદંબાની આરાધના સાથે દાંડીયા રાસની રમઝટ જામશે. ભાવિકો માતાજીના અનુષ્ઠાન પૂજન, અર્ચન ઉપાસના કરી માના આશીષ મેળવશે નવરાત્રી દરમિયાન પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત જળવાશે.
અમરેલી
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજથી નવલા નોરતાનો પ્રારંભ થયેલ છે. સતત નવ નવ દિવસ સુધી દરરોજ માં અંબાજીની ભકિત અને ગુજરાતની ઓળખ સમા ગરબાની રમઝટ બોલશે. અમરેલી શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે યુવાધન થનગની રહ્યું છે. ત્યારે આજથી પ્રારંભ થતા નવરાત્રીને વધાવવા સૌ કોઈ આતુર બન્યા છે. ચાલુ વર્ષ દુષ્કાળનું વર્ષ હોય ખોટા ભપકા કે ખોટા ખર્ચ ઉપર કાપ મુકી માતાજીની આરાધના સૌ કોઈ કરશે.
અમરેલી શહેરમાં સુખનાથપરા ગરબી મંડળ, કંકુ ગ્રુપ દ્વારા ભવ્ય પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે શહેભરમાં શેરી ગરબા ગવાશે.
હાલમાં મંદીનો માહોલ હોય બજારોમાં પણ ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે માતાજીના ગરબા તથા આરાધનામાં લોકો કોઈ કચાસ રાખવા માંગતા ન હોય તેમ નવરાત્રીના પ્રારંભે બજારોમાં પણ લોકોની ભીડ ઉમટી પડશે તેમ મનાઈ રહ્યું છે.
ભૂજ
ઐતિહાસિક આશાપુરા મંદિર ખાતે ઘટસ્થાપનની પવિત્ર વિધી સાથે કચ્છમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે. રાજાશાહી જમાનાના આ મંદિર ખાતે આજે ઘરસ્થાપનની વિધી સંપન્ન કરાયો ત્યારે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભુજની બજારોમાં આજે પોતાના ઘરોમાં સ્થાપન માટે લોકોએ શ્રધ્ધાભેર કુંભારો પાસે માટીના ગરબાની ખરીદી કરી હતી. જેન લઈને ભુજની જૂની શાક માર્કેટ અને દરિયાસ્થાન પાસેના વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી.


Advertisement