ગુજરાતના વ્યાપાર ઉદ્યોગને દિવાળી સમયે જ ફટકો

10 October 2018 11:40 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતના વ્યાપાર ઉદ્યોગને દિવાળી સમયે જ ફટકો

હિન્દી ભાષી મજુરોના પલાયનથી ફેકટરીમાં 20-25% ટર્નઓવર ઘટશે : ઉતર ગુજરાતના ઓટો-ફાર્મા ક્ષેત્રને સૌથી મોટી અસર: ફકત 10% મજુરો જ ભયથી વતન પરત ગયા પણ અન્યએ દિપાવલી રજા વહેલી લેવાનું શરૂ કરી દીધું: અગાઉથી જ નાણાકીય ભીસમાં રોકડની અછતમાં રહેલા ઉદ્યોગો માટે દિવાળી મોટી આશા હતી: નાના આનુસાંગીક ઉદ્યોગો-વેપારને પણ અસર થશે

Advertisement

અમદાવાદ: દિપાવલીના તહેવારો જે ગુજરાતના આમ આદમીથી લઈને વ્યાપાર-ઉદ્યોગ માટે પણ અત્યંત મહત્વના છે. તેઓને હાલની મંદીની ચિંતા હતી જ અને નાણાકીય-રોકડ કટોકટી પણ સીસ્ટમમાં હતી. હવે હાલમાં જ હિન્દીભાષી-મજુરો સામે રાજયભરમાંથી જે જબરો આક્રોશ સર્જાયો અને હજારો મજુરોની હિજરત થઈ તેની દિવાળી પુર્વના કામકાજ પર પડી રહ્યાનો ભય છે. ખાસ કરીને આ પલાયનની અસર ઉતર ગુજરાતમાંથી સૌથી વધુ છે અને તેનો ભય અન્ય ક્ષેત્રમાં જયાં કારખાના મોટા ઔદ્યોગીક યુનિટ છે ત્યાં પણ નજરે ચડી છે. એક પ્રકારનો માનસિક ભય આ લેબર ફોર્સ પર છવાઈ ગયો છે. દિપાવલી સમયે ફેકટરી-કારખાનાઓમાં રજા રહેતી હોય તે સમયે મજુરો દેશમાં જતા હોય છે પણ હવે કદાચ વહેલા તેઓ રવાના થવા લાગ્યા છે. જેની સીધી અસર દિપાવલીના ઉત્પાદન અને માલ પહોચાડવાની સ્થિતિ પર પડી રહી છે. અમદાવાદ નજીકના સાણંદ જે ઓટો સહીતના ઉદ્યોગોનું હબ બન્યું છે ત્યાં સતત એમઆરપીનું પેટ્રોલીંગ ગોઠવવામાં આવ્યું છે. ઉપરાંત અહી ફાર્મા એકમો છે. આ બન્ને પ્રકારના ઉદ્યોગમાં હિન્દીભાષી મજુરો તથા તેની કોલોની, ઔદ્યોગીક ક્ષેત્ર આસપાસના નાના-વ્યાપાર પણ ટકેલા છે. ગુજરાતના 1 કરોડ હિન્દી ભાષી લેબરમાં 60-70% યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને પ.બંગાળના છે. ફકત મોટા ઔદ્યોગીક એકમો જ નહી નાના- કારખાના જયા 15-25 લેબર હોય ત્યાં પણ હિન્દી ભાષી કામ કરે છે અને તેઓને થોડા કામદાર ઘટે તો સૌથી વધુ સહન કરવું પડે તેવી સ્થિતિ છે. નાના એકમો એ મોટા ઉદ્યોગોને વિ. પુરા પાડે છે. જેનાથી આ સપ્લાય ચેઈન પર પણ અસર થઈ શકે છે. આ ઉપરાંત સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, જયા 100 જેટલા કોટન, જીનીંગ ફર્ટીલાઈઝર, કેમીકલ યુનિટ છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં ક્ધસ્ટ્રકશન કાળમાં 30% આ પ્રકારના મજુરો છે. ઉપરાંત બાંધકામ આનુસાંગીક, ટાઈલ્સ, પેઈન્ટીંગ, સુતારી, ફર્નીચર જેવા કામમાં પણ હવે હિન્દીભાષી છે અને તેમાં પણ હાલના પ્રોજેકટ પર અસર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલના તબકકે ટર્નઓવરને આંચકો લાગવો એ સૌથી મુશ્કેલ સ્થિતિ છે. કારણ કે હવે દિવાળી પુર્વેની ડિલીવરી શરૂ થઈ છે અને પેમેન્ટની ચિંતા હોય છે.
જો પ્રોડકશનને બ્રેક લાગે અને નાણાકીય ચક્ર અટકે તો દિવાળીમાં મુશ્કેલી વધશે અને લોકલ ઉદ્યોગ માટે વાઈબ્રન્ટ યોજવો પડે તેવી સ્થિતિ બની શકે છે.


Advertisement