પેટ્રોલ-ડીઝલનો ભાવ તફાવત માત્ર દોઢ રૂપિયાનો થઈ ગયો

10 October 2018 11:33 AM
Ahmedabad Gujarat
  • પેટ્રોલ-ડીઝલનો ભાવ તફાવત માત્ર દોઢ રૂપિયાનો થઈ ગયો

ડિઝલમાં વધુ 26 પૈસા વધ્યા: પેટ્રોલ સ્થિર

Advertisement

રાજકોટ તા.10
પેટ્રોલીયમ ચીજોમાં રાહતના કોઈ ચિહનો નથી. એકધારા ભાવવધારા વચ્ચે હવે પેટ્રોલ તથા ડીઝલ વચ્ચેનો ભાવ તફાવત માત્ર દોઢ રૂપિયાનો રહી ગયો છે.
ડોલર સામે રૂપિયામાં નબળાઈ તથા વૈશ્ર્વિક ક્રુડતેલની તેજીના પ્રત્યાઘાત હેઠળ કેટલાંક વખતથી પેટ્રોલ-ડીઝલ સતત મોંઘા થઈ રહ્યા છે. કેન્દ્ર તથા રાજય સરકારોએ એક વખત ટેકસ કાપ કરીને આંશિક રાહત આપવાનો પ્રયત્ન કર્યા પછી પણ ભાવવધારાને કોઈ બ્રેક લાગી નથી. ગત સપ્તાહમાં અપાયેલી ટેકસ રાહત આવતા થોડા દિવસોમાં જ ધોવાઈ જવાના એંધાણ છે.
રાજકોટમાં આજે પેટ્રોલના ભાવમાં કોઈ વધારો થયો નથી. પરંતુ ડીઝલ વધુ મોંઘુ બન્યું હતું. પેટ્રોલનો ભાવ 79.05 સ્થિર હતો. પરંતુ ડીઝલ વધુ 26 પૈસાના ભાવવધારા સાથે 77.54 પર પહોંચ્યું હતું. ગુજરાતની જેમ મુંબઈ, દિલ્હી જેવા મહાનગર સહીત દેશભરમાં ભાવવધારાનો સમાન ટ્રેન્ડ રહ્યો હતો.
ચોંકાવનારી બાબત એ છે કે પેટ્રોલ અને ડીઝલ વચ્ચેનો ભાવ તફાવત માત્ર દોઢ રૂપિયાનો થઈ ગયો છે. રાજકોટના ભાવ સરખાવવામાં આવે તો પેટ્રોલ કરતા ડિઝલ માત્ર રૂા.1.51 જ સસ્તુ રહ્યું છે.
ભૂતકાળમાં પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં નોંધપાત્ર અંતર રહેતુ હતું. કૃષિ, પરિવહન, માછીમારી ઉપરાંત ઔદ્યોગીક ક્ષેત્રમાં ડીઝલનો મોટો વપરાશ રહેતો હોય છે. ડીઝલનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચવાને પગલે પરિવહન સહીતના ક્ષેત્રો પર બોજ વધવાના એંધાણ છે.


Advertisement