પરપ્રાંતિયો પર હુમલા શાંત-સમૃદ્ધ ગુજરાતની છબી ખરડાવવાનું ષડયંત્ર?

09 October 2018 05:51 PM
Ahmedabad Gujarat

સામાજીક સમરસતાના દ્રષ્ટાંત સમા ગુજરાતની ગરીમા-ગૌરવને જીવંત રાખવુ પડે તેમ છે : ચૂંટણી રાજકારણમાં રાજકીય રોટલા શેકવા ઉતરી પડેલા નેતાઓ-રાજકીય પક્ષોને ‘રૂક જાવ’ કહેવાનો સમય: ભાઈચારાનું વાતાવરણ સર્જવાનું લક્ષ્ય હોવું જોઈએ : અલ્પેશ ઠાકોર તરફ ચિંધાતી આંગળી પાછળ ‘કાંઈક તો હશે જ ને’! ગુજરાતીઓ-બિન ગુજરાતીઓના સામાજીક તડા માત્ર ગુજરાતને નહીં આખા દેશને દઝાડી શકે છે

Advertisement

રાજકોટ તા.9
ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી પરપ્રાંતીયો પર હુમલા અને હિંસાની ઘટનાઓના દેશભરમાં તીવ્ર રાજકીય પ્રત્યાઘાતો પડયો છે ત્યારે સમગ્ર ઘટનાક્રમ શાંત અને સમૃદ્ધ ગુજરાતની છબી-પ્રતિષ્ઠા ખરડાવવાના ષડયંત્ર તરીકે ગણવામાં આવી રહ્યો છે. ગુજરાતી અને બીનગુજરાતી વચ્ચે ભાગલા પડાવીને રાજકીય રોટલા શેકવાનો રાજકારણીઓ પ્રયત્ન કરતા હોવાની શંકાને નકારી શકાય તેમ નથી.
સાબરકાંઠા પંથકમાં 14 વર્ષની માસુમ બાળકી પર બળાત્કારની ઘટનામાં બિહારના શખ્સની સંડોવણી ખુલ્યા બાદ પરપ્રાંતીયોને નિશાન બનાવવાનો સીલસીલો શરુ થયો હતો અને જોતજોતામાં તેને રાજકીય સ્વરૂપ મળી જવા સાથે સામાજીક તડા પડવાનું જોખમ ઉભુ થવા લાગ્યું હતું. રોજગારી તથા નોકરીધંધા માટે વર્ષોથી કે કામચલાઉ ધોરણે ગુજરાતમાં વસવાટ કરતા મુખ્યત્વે ઉતરપ્રદેશ તથા બિહારના લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો અને હિજરત શરુ થઈ હતી.
સામાજીક સમરસતાને કયારેય ઉની આંચ નહીં આવવા દેનાર રાજય સરકાર તુર્ત સાબદી થઈ હતી. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય તે પુર્વે હુમલા-ધમકી આપનારાઓ સામે કડક કાર્યવાહી શરુ કરી દેવામાં આવી હતી. બે દિવસથી હુમલા-હિંસાના કોઈ નવા બનાવો ન હોવાથી ખૌફને કારણે પરપ્રાંતીયોનો વતન ભણી જવાનો પ્રવાહ ચાલુ રહ્યો છે.
બળાત્કારની ઘટના બાદ પરપ્રાંતીયોને નિશાન બનાવતા કે તેઓ વિરુદ્ધ ઝેર ઓકતા કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કથિત વિડીયોને આ તકે શંકાના ઘેરાવામાં ગણવામાં આવે છે. ભલે અલ્પેશ ઠાકોરે પોતાના બચાવમાં કોઈને ધમકી નહીં આપ્યાનું મને જેલમાં જવાની કે રાજીનામુ ફગાવવાની તૈયારી હોવાનું જાહેર કર્યુ છે છતાં સમગ્ર ઘટનાક્રમે પકડેલા રાજકીય સ્વરૂપનો છેડો અલ્પેશ ઠાકોર સુધી જ પહોંચતો હોવાની ચર્ચા છે.
સામાજીક એકીકરણ તથા સમરસતામાં સમગ્ર દેશમાં દ્રષ્ટાંતરૂપ ગણાતા ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલા કે નફરતના રાજકારણને પ્રતિષ્ઠા-શાખને નુકશાન કરવાનો જ મલિન ઈરાદો રહ્યો હતો. ગુજરાતમાં લગભગ દરેક રાજયોના લોકોનો વસવાટ છે. બિહાર, ઉતરપ્રદેશ, રાજસ્થાન જેવા રાજયોના લોકોની સંખ્યા વધુ છે. ઉદ્યોગો, ક્ધસ્ટ્રકશન સહીતના ક્ષષત્રોમાં પરપ્રાંતીયોની મોટી હાજરી છે. સુખી અને સમૃદ્ધિથી છલકતા ગુજરાતમાં પરપ્રાંતીયો દુધમાં સાંકળની જેમ ભળીને સારી એવી રોજગારી પર મેળવી લેતા હોય છે. સામાજીક તડાનો ભૂતકાળમાં કયારેય કોઈએ અનુભવ કર્યો છે તેવા સમયે વર્તમાન ઘટનાક્રમ શાંત અને સમૃદ્ધ ગુજરાતની ઓળખ-પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો ષડયંત્રરૂપ જ ગણવામાં આવે છે.
રાજસ્થાન સહીત પાંચ રાજયોમાં આવતા બે મહિનામાં ચૂંટણી છે અને ત્યારપછીના ત્રણ-ચાર મહિનાઓમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી રાજકારણમાં રાજકીય રોટલા શેકવા નેતાઓ- રાજકીય પક્ષો મેદાને પડે તેમાં નવાઈ નથી. કદાચ ગુજરાતના આ ઘટનાક્રમનો રાજકીય ઉપયોગ કરવાની શંકા પણ નકારાતી નથી. હુમલા-હિંસાનો ઘટનાક્રમ સંવેદનશીલ છે. તેમાં રાજકારણ ઘુસાડવાથી માત્ર ગુજરાત જ નહી સમગ્ર દેશની સામાજીક સમરસતાને નુકશાન થઈ શકે છે ત્યારે રાજકીય પક્ષો- નેતાઓએ આગને હવા આપવાને બદલે તેને ઠારવાના સહીયારા પ્રયાસો કરવાનું જરૂરી બની ગયું છે.


Advertisement