મહેસાણા-કડી વિસ્તારના ઔદ્યોગિક વસાહતોમાં સઘન પેટ્રોલિંગ; સુરક્ષાને પ્રાધાન્ય; અધિક કલેકટર વોરા

09 October 2018 05:49 PM
Ahmedabad Gujarat
  • મહેસાણા-કડી વિસ્તારના ઔદ્યોગિક વસાહતોમાં સઘન પેટ્રોલિંગ; સુરક્ષાને પ્રાધાન્ય; અધિક કલેકટર વોરા

બેચરાજીમાં છમકલા થયા બાદ પોલીસનો ચાંપતો બંદોબસ્ત; તંત્રની તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર

Advertisement

રાજકોટ તા.9
હિંમતનગરના ઢુંઢળ ગામે માસુમ બાળકી પર દુષ્કર્મના બનાવમાં સંડોવાયેલ પરપ્રાંતિય આરોપી સામે ફીટકારની લાગણી પ્રવર્તિ રહી છે. પરપ્રાંતિયો આવા બનાવોમાં સંડોવાયેલા હોય મોટાભાગે ઉત્તરગુજરાત વિસ્તારોમાં પરપ્રાંતિયો સામે ભારે નારાજગી અને આક્રોશની લાગણી ફરી વળી છે. પરપ્રાંતિયો પર હુમલાના બનાવો બન્યા છે. ગુજરાતનાં ઔદ્યોગિક એકમોમાં મોટાભાગના શ્રમિકો પરપ્રાંતિય પેટીયુ રળી રહ્યા છે. આવા લોકોને નિશાન બનાવી અસામાજીક તત્વો હુમલો કરે છે. મહેસાણા-કડી વિસ્તારમાં પરપ્રાંતિયો પર હુમલાના બનાવો બન્યા હતા. તેની સામે મહેસાણા જીલ્લા કલેકટર તંત્રએ આકરી કાર્યવાહી કરી પરપ્રાંતિયોની વસાહતોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી સઘન પેટ્રોલીંગ જારી કર્યો હોવાની વિગત મહેસાણા અધિક નિવાસી કલેકટર હર્ષદ વોરાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીત દરમ્યાન આપી હતી. મહેસાણા જીલ્લાના અધિક નિવસી કલેકટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, મહેસાણા જીલ્લામાં પરપ્રાંતિયો જે કારખાનાઓમાં કામ કરે છે તે વિસ્તાર તેમજ તેમની વસાહતોમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. ગતરાત્રે બેચરાજીના એક કારખાનામાં તોડફોડનો બનાવ બન્યો હતો. પરંતુ પરિસ્થિતી પોલીસે કંટ્રોલમાં લીધી છે. ફેકટરીઓ, છૂટક વેપાર કરતા પરપ્રાંતિયો તેમજ પાણીપુરી વહેંચતા અન્ય રાજ્યોના લોકોની સુરક્ષાના કડક પગલા લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઠાકોર સમાજ સાથે પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તેમાં સહકાર આપવા ચર્ચાઓ કરવામાં આવી છે. છેલ્લા ર4 કલાક દરમ્યાન એકપણ અપ્રિય ઘટના બની નથી. અને મહેસાણા જીલ્લા કલેકટર તંત્ર સમગ્ર પરિસ્થિતી પર ચાંપતી નજર બનાવી રહ્યું હોવાનું અંતમાં જણાવ્યું હતું.


Advertisement