અમદાવાદ જિલ્લામાં 3000 કારખાના પર સુરક્ષા બંદોબસ્ત; ગામડાના સરપંચો સાથે પણ બેઠક

09 October 2018 05:46 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ જિલ્લામાં 3000 કારખાના પર સુરક્ષા બંદોબસ્ત; ગામડાના સરપંચો સાથે પણ બેઠક

જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે હરકતમાં; પરપ્રાંતિય શ્રમિકો તહેવારો મનાવવા વતનમાં ગયાની પણ વાત

Advertisement

રાજકોટ તા.9
અમદાવાદ જીલ્લામાં 3000 જેટલા નાના મોટા ઔદ્યોગીક એકમો ધમધમી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો રોજીરોટી મેળવી રહ્યા છે. પરપ્રાંતિયો પર હુમલાના બનાવ બાદ અમદાવાદ જીલ્લાની ઔદ્યોગીક વસાહતોમાંથી જે પરપ્રાંતિયો હિજરત કરી ગયા છે. તેનો જે આંકડો પ0 હજાર જેવો કહેવાય છે તે વાત સદંતર ખોટી છે. આ વાત માનવમાં આવતી નથી જે પરપ્રાંતિયો હિજરત કરી ગયા છે તે દશેરા, દુર્ગા પૂજા અને દિવાળીના તહેવારો મનાવવા વતનમાં ગયા હોવાનું માનવાનું મોટું કારણ છે તેવું અમદાવાદ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
અમદાવાદ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ જીલ્લાના નાના મોટા ગામડાઓમાં ઔદ્યોગીક એકમો ધમધમી રહ્યા છે. ગામડાઓમાં ધમધમતા ઔદ્યોગીક એકમોની કડક સુરક્ષા વ્યવસ્થા જારી કરવામાં આવી છે. ગામડાઓમાં ચાલતા ઔદ્યોગીક એકમોના શ્રમિકો પર કોઇ હુમલા ન થાય તે માટે તે ગામના તમામ સરપંચો સાથે એક બેઠક કરવામાં આવી છે. સરપંચોને પણ તેવું જણાવવામાં આવ્યું છે કે તમારા ગામડામાં પરપ્રાંતિયો પર હુમલા થશે તો સરપંચની જવાબદારી રહેશે અને તેમની સામે કડક પગલા લેવાશે તેવી ચિમકી સરપંચોને આપવામાં આવી છે. પ0 હજાર પરપ્રાંતિયો હિજરત કરી ગયા છે. તે આંંકડો માનવમાં આવતો નથી કોઇ વ્યકિત પોતાની રોજગારી છોડીને પોતાના વતનમાં પરત જાય નહિં અલબત્ત આગામી દિવસોમાં દશેરા, દુર્ગા પૂજા અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોય પરપ્રાંતિય શ્રમિકો તહેવારો મનાવવા વતનમાં ગયા હોય તેવું માનવાનું કારણ રહે છે.
દરમ્યાન અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ વધુમાં જણાવ્યું કે અમદાવાદ જીલ્લાના એકપણ નાના મોટા ઔદ્યોગીક એકમો બંધ નથી આમ છતાં તકેદારીના ભાગરૂપે ઔદ્યોગીક એકમો વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને અસામાજીક તત્વો સામે આકરા પગલા લેવામાં આવી રહ્યા હોવાનું અંતમાં ઉમેર્યુ હતું.


Advertisement