મેન્યુલ પ્લાનની મુખ્યમંત્રીની સૂચના ‘ડીલીટ’ કરી નાંખતા અધિકારીઓ

09 October 2018 05:07 PM
Rajkot Gujarat
  • મેન્યુલ પ્લાનની મુખ્યમંત્રીની સૂચના ‘ડીલીટ’ કરી નાંખતા અધિકારીઓ

ઓનલાઇન પ્લાનમાં ત્રાસ અંગે બેઠક બાદ જાહેર કરેલો પરિપત્ર વધુ ‘ગોબરો’ : કામકાજ હજુ ઠપ્પ : બે દિવસમાં ફરી મુખ્યમંત્રી સાથે ચર્ચા-ક્રેડાઇ પ્રમુખ પરેશ ગજેરા

Advertisement

રાજકોટ તા.9
ગુજરાત સરકારે પારદર્શક ઇરાદા સાથે બાંધકામ પ્લાન મૂકવા અને મંજૂર કરવા દાખલ કરેલી ઓનલાઇન પ્રક્રિયા લાગુ થતાં જ ઉભા થયેલા અનેક પ્રશ્ર્નોનો ખુદ મુખ્યમંત્રીની દરમિયાનગીરી છતાં અંત આવતો નથી. બિલ્ડર એસો. દ્વારા અનેક વખત રજૂઆતો, સોફટવેર બનાવતી કંપનીની પકડાયેલી ક્ષતિઓ, અધિકારીઓની સૂચનાઓ છતાં મુખ્યપ્રધાનની વાતને જ બાબુઓ અભેરાઇ પર ચડાવી દેતા હોય તેમ રાજય સરકારના શહેરી વિકાસ વિભાગે છેલ્લે જાહેર કરેલા સુધારેલા પરિપત્રમાં પણ ઓનલાઇન સિવાય ફાઇલ કક્ષાએ પ્લાન મંજૂરી અને પ્લાન મૂકવા જેવી કોઇ છૂટછાટનો ઉલ્લેખ ન કરતાં બિલ્ડર લોબી ફરી હતાશ થઇ ગઇ છે. રાજકોટ સહિતના શહેરોમાં હજુ પ્લાન પ્રક્રિયા મૂર્છીત હાલતમાં છે ત્યારે આ મામલે હવે ફરી બેક દિવસમાં ગાંધીનગર ખાતે રૂબરૂ મુખ્ય પ્રધાનને રજુઆત કરવામાં આવશે તેવુ બિલ્ડર સંગઠન ક્રેડાઇના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું છે.
ગત મહિને મુખ્યમંત્રી સાથે બિલ્ડર સંગઠનોને સતત બેઠકો અને ચર્ચા થયા હતા. રાજકોટના ધારાસભ્ય એવા વિજયભાઇ રૂપાણીએ કોર્પોરેશન, રૂડા સહિતના જવાબદારો પાસેથી માહિતી લીધી હતી. અમદાવાદ, સુરતમાંથી પણ રીપોર્ટ લીધા હતા. તેમાં ઓનલાઇન પ્લાન મૂકવામાં અને કવેરી ઉકેલવામાં ખૂબ જ મુશ્કેલીઓ થતી હોવાની વાત સાબિત થઇ હતી. એજન્સીની હાજરીમાં પણ તેઓએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બિલ્ડર્સ સાથે મીટીંગ બાદ આ ઓનલાઇન પ્લાનનો સોફટવેર બનાવનાર એજન્સીનો સરકારે રીતસર ઉધડો લઇને સુધારા કરવા આદેશ આપ્યો હતો. એજન્સી તેનું કામ યથાવત કરી રહી છે. પરંતુ કરવાના સુધારા અંગે સરકારના અધિકારીઓ જ રસ ન લેતા હોય તેવુ હવે લાગી રહ્યું છે.
તા.2પ ઓકટોબરના રોજ શહેરી વિકાસ વિભાગે છેલ્લો પરિપત્ર મોકલ્યો છે તેમાં જણાવ્યું છે કે રોકાણકારોની સુવિધા માટે ડીઆઇપીપી દ્વારા સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં નાગરિકોને પણ વિકાસ પરવાનગી સરળતાથી મળે તે માટે ઓનલાઇન પ્લાન મૂકવાની વ્યવસ્થા તા.1 મેથી કરવામાં આવી છે. પરંતુ તેમાં મુશ્કેલીઓ થતી હોય, સરકારે સુધારા કર્યા છે. હવે હાઇરાઇઝ અને અન્ય બાંધકામો માટે પરવાનગી મેળવવામાં, નકશા બનાવવામાં થતી મુશ્કેલીના નિરાકરણને વધુ સરળ કરવા રજૂઆતો આવી હતી. તેના પરથી કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં કયાંય ફાઇલ કક્ષાએ મેન્યુલ રીતે પ્લાન લેવા કે મંજૂરી આપવાની કોઇ વાત નથી.
પરિપત્ર મુજબ અરજદારે અગાઉની જેમ આઇએફપી ઉપર જ અરજી કરવાની છે. દસ્તાવેજ અને માહિતીની ચકાસણી આર્કિટેકે કરીને જરૂરી સુધારા સાથે ફી ભરવા ઓનલાઇન કાર્યવાહી કરવાની છે. અરજદારે આ બાદ ચકાસણીથી આઇએફપી પર ભરવાની છે. સ્ક્રુટીની બાદ ચકાસણી રીપોર્ટ, ફાઇલ અરજદાર અને નોડેલ અધિકારીને મળશે. આ સાથેની તમામ કામગીરી ઓનલાઇન જ કરવાની છે. નકશા અને દસ્તાવેજ અંગે બે દિવસમાં નિર્ણય લઇ લેણાનું ચુકવણુ કરવા ઓનલાઇન જાણ કરવાની છે તે બાદ ડીજીટલ સિગ્નેચરથી અધિકારીએ ઓનલાઇન રજા ચીઠ્ઠી આપવાની છે. અરજદાર દ્વારા નિયત ફોર્મેટમાં ફાઇલ સિવાયની કોઇ ફાઇલ અપલોડ કરવામાં આવશે તો તેને ડ્રોઇંગ નોટ ઇન ફોમેર્ર્ટ તરીકે અંકીત કરવામાં આવશે અને નોડેલ અધિકારી તેને નામંજૂર કરી દેશે.
આ પ્રક્રિયા બાદ 1પ દિવસમાં મંજૂર થયેલા નકશા મુજબ ફાઇલ અધિકારી સમક્ષ મૂકવાની રહેશે અને અધિકારીએ ખરાઇ માટે અપલોડ કરવાની રહેશે. નકશાઓ અપલોડ કરવાની જરૂર પડતા તા.31/12/18 સુધી ફરી ચકાસણી ફી લીધા વગર નકશા અપલોડ કરવાની વ્યવસ્થા યથાવત છે. બાંધકામ કામગીરી ન અટકે તે માટે તમામ કોર્પો. પાલિકા, ઓથોરીટીમાં આ હંગામી વ્યવસ્થા રહેશે.
આ પરિપત્ર અંગે ક્રેડાઇના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની સૂચના અને સુધારાની ખાત્રી છતાં કોઇ રાહત મળી નથી. નિયમો અગાઉ હતા તે જ છે. કોઇ મેન્યુલ છુટછાટ નથી. આથી ફરી મુખ્યમંત્રીને મળવા સમય માંગતા તેઓ એસો.ના સભ્યો સાથે બે દિવસમાં ફરી ચર્ચા કરવા જવાના છે. આ વખતે રસ્તો નીકળી જવાની ફરી આશા છે.
બિલ્ડર એસો.ને ગાંધીનગરનું  અપડાઉન ચાલુ : કોની રમત?
બિલ્ડર્સને ઓનલાઇન પ્લાન મંજૂરીમાં પડતી મુશ્કેલી દૂર કરવા મુખ્યમંત્રી સંપૂર્ણ પણે હકારાત્મક હોવા છતાં હવે તો ઉચ્ચ અધિકારીઓ જ રમત રમતા હોવાની શંકા જાગે છે. 

એજન્સી અને બાબુઓને સૂચના છતાં પરિપત્રમાં કોઇ સુધારો આવ્યો નથી. સ્થાનિક કચેરીઓ બિલ્ડરની લાગણી મુજબ પ્લાન પાસ કરી શકતી નથી. આ સંજોગોમાં બિલ્ડર એસો.ને રજૂઆત માટે ગાંધીનગર અપડાઉન સાથે હવે રાજધાનીમાં એક ઓફિસ કરી લેવી પડે તેવી નોબત આવી છે. કમ સે કમ દિવાળી પહેલા આ પ્રશ્ર્નનો ઉકેલ આવે તેવુ બિલ્ડર લોબી ઇચ્છી રહી છે.


Advertisement