ગુંજરતમાં કેન્સરનું વધતું પ્રમાણ

09 October 2018 01:40 PM
Gujarat Health
  • ગુંજરતમાં કેન્સરનું વધતું પ્રમાણ

હોઠ અને મુખના કેન્સરની દ્રષ્ટીએ દેશમાં બીજો ક્રમ

Advertisement


કોઈ વ્યક્તિને કેન્સર થયાનું ડોકટર નિદાન કરે ત્યારે દર્દી ઉપરાંત તેના પરિવાર પર આભ તૂટી પડતું હોય છે. ભાવનાત્મક રીતે અને ડરથી એ માણસને ભાંગી નાખે છે. બીમારીની પીડા, સારવારનો ખર્ચ અને છતાં વહાલાને ખોળાનો ડર પરિવારને શરૂઆતથી જ સતાવવા લાગે છે.
‘બર્ડન ઓફ કેન્સર્સ એન્ડ ધેર વેરિએશન અક્રોસ ધ સ્ટેટસ ઓફ ઈન્ડીયા’ નામના રિપોર્ટમાં જણાવાયું છે કે કેન્સરની બીમારીના બોજ (મૃત્યુ અને માંદગી)ની દ્રષ્ટીએ હોઠ અને મુખના કેન્સરમાં ગુજરાતનો નંબર બીજો અને લુકેમિયા (લોહીનું કેન્સર)માં ત્રીજો અને બ્રેસ્ટ કેન્સરમાં 8મો નંબર આવે છે.
અભ્યાસ કહે છે કે 1990 અને 2016 વચ્ચે રાજયમાં કેન્સરના દર્દીઓની સંખ્યા 1લાખની વસ્તી દીઠ 55.5 વ્યક્તિથી વધી 2016માં 75.8 થઈ હતી. પુરુષો અને સ્ત્રીઓ બન્નેમાં આ ગાળામાં જુદા જુદા પ્રકારના કેન્સરનું પ્રમાણ વધ્યુ છે. ઉદાહરણ તરીકે મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરમાં 50.7%નો વધારો થયો છે. કોલોનમાં 47% અને થાઈરોઈડ કેન્સરમાં 36% વધારો થયો છે.
બ્રેસ્ટ કેન્સરમાં 28.1% અને અંડાશયના કેન્સરમાં 20% વધારો થયો છે. પુરુષોમાં કિડની કેન્સરના બનાવોમાં 65.4%, થાઈરોઈડ કેન્સરમાં 46%, લીવર કેન્સરમાં 45.8% અને પ્રોસ્ટેટ કેન્સરમાં 39.5% નો વધારો થયો છે.
2016માં કેન્સરની મહિલાઓમાં મૃત્યુનું પ્રમાણ એક લાખની વસ્તીએ 50.6 હતું, જયારે પુરુષોના 60.3 હતું. 2013માં પુરુષો અને મહિલાઓ બન્ને સાથે મળી ચોરસ કેવિટી (જડબા) ના કેન્સરનું પ્રમાણ 1 લાખની વસતીએ 16.1 હતું. એ પાછળ તમાકુ,માવા, આલ્કોહોલ અને ધુમ્રપાન જવાબદાર છે અને પછી 1 લાખની વસતીએ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ11.5 અને ફેફસાના કેન્સરનું પ્રમાણ 6.8 હતું.
અભ્યાસ સૂચવે છે કે પુરુષોમાં કેન્સરથી મૃત્યુના મુખ્ય કારણો હોઠ અને જડબાનું કેન્સર, ફેફસાનું કેન્સર, ફેરીન્કસ કેન્સર અને ઓસોફાગ્રીલ, કેન્સર છે. મહિલાઓમાં મૃત્યુ મોટાભાગે બ્રેસ્ટ, સર્વાઈકલ, કોલોન અને રેકટમ અને ઓસોફાગીલ કેન્સર છે.
દેશમાં કેન્સરના કારણે 1990માં 3.82 લાખ માણસોના મૃત્યુ થયા હતા, 2016માં એ સંખ્યા 8.13 લાખ થઈ હતી. લાન્સેટના અભ્યાસમાં દાવો કરાયો છે કે પુરુષ કેન્સર દર્દીઓમાં 26 વર્ષના ગાળામાં મૃત્યુદર 12.6% વધ્યો છે. મહિલા કેન્સર દર્દીઓના મૃત્યુદરમાં કોઈ ફેરફાર થયો નથી.


Advertisement