સાવજોના મોત છતાં પ્રવાસનને અસર નથી: ગીરમાં ઓકટોબર-નવેમ્બરની 80 ટકા પરમીટો વેચાઈ ગઈ

09 October 2018 12:49 PM
Junagadh Gujarat
  • સાવજોના મોત છતાં પ્રવાસનને અસર નથી: ગીરમાં ઓકટોબર-નવેમ્બરની 80 ટકા પરમીટો વેચાઈ ગઈ

ચાલુ વર્ષ માટે નવા પાંચ સફારી રૂટ ખુલ્લા મુકાશે: 16મી ઓકટોબરથી જંગલ પ્રવાસીઓ માટે ખુલશે

Advertisement

રાજકોટ તા.9
એશિયાઈ સિંહોનો વસવાટ ધરાવતા એકમાત્ર ગીરમાં 23 સાવજોના મોતનો હાહાકાર શાંત થયો નથી. ત્યાં એકાદ સપ્તાહમાં ખુલનારા ગીર અભ્યારણમાં એન્ટ્રી મેળવવા માટે લોકો-પ્રવાસીઓએ ધસારો કરી મુકયો છે. ઓકટોબરથી નવેમ્બરના તહેવારોના સમયગાળા માટે અત્યારથી જ 80 ટકા પરમીટો નીકળી ગઈ છે. સાવજોના મોતને કારણે પ્રવાસીઓ પર કોઈ ફેર પડયો નથી.
વનવિભાગના અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે સાવજોના મોત છતાં ગીર અભ્યારણમાં સિંહદર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં કોઈ ફેર પડે તેમ નથી. તહેવારોને રજાઓમાં પ્રવાસીઓની સંખ્યા વધી જ જતી હોય છે તેને ધ્યાને રાખીને નવા પાંચ રૂટ ખોલવામાં આવ્યા છે.
વનવિભાગના સૂત્રોએ કહ્યું કે શિયાળાના મહિનાઓ દરમ્યાન કુલ 17000 પરમીટ ઈસ્યુ કરવામાં આવતી હોય છે. આ વર્ષે પરમીટની સંખ્યા વધારવામાં આવી છે. દૈનિક 90ને બદલે 150 પરમીટ ઈસ્યુ કરવામાં આવશે.
ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડી.ટી. વસાવડાએ જણાવ્યું હતું કે ગીર અભ્યારણમાં વેકેશન પુરુ થાય અને પ્રવાસીઓને માટે ફરી ખુલ્લુ મુકાય તે પુર્વે જ ઓનલાઈન બુકીંગ ફુલ થઈ જતુ હોય છે. આ વર્ષે પણ એડવાન્સ બુકીંગ થઈ ગયુ છે. આ વર્ષે નવા પાંચ રૂટ ખુલ્લા મુકવામાં આવશે તે સાથે કુલ 13 જુદા-જુદા રૂટ પર પ્રવાસીઓ જઈ શકશે. અત્યાર સુધી આઠ રૂટ જ હતા.
સામાન્ય રીતે તહેવારોની સીઝનમાં સરેરાશ 3200 પરમીટ ઈસ્યુ થતી હોય છે. આ વર્ષે 80 ટકા પરમીટ ઈસ્યુ થઈ ગઈ છે. પ્રવાસીઓએ ઓનલાઈન બુકીંગ કરાવી લીધા છે, જંગલ ઉપરાંત દેવળીયા તથા આંબરડી સફારી પાર્કમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જાય છે જયાં સિંહ નિહાળવા મળવાના ચાન્સ વધુ હોય છે. ચોમાસુ તથા સાવજોના મેટીંગ પીરીયડને કારણે 16 જૂનથી 15 ઓકટોબર સુધી અભ્યારણ બંધ રહેતુ હોય છે.
શ્રી વસાવડાએ કહ્યું કે 23 સાવજોના મોત પછી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રવાસન સીઝનથી તેને કોઈ અસર થાય તેમ નથી. 2015ની ગણતરી મુજબ ગીર અભ્યારણમાં 523 સાવજનો વસવાટ છે જે સંખ્યા વધીને 600 થઈ ગઈ હોવાનો અંદાજ છે.


Advertisement