ઈન્વેસ્ટરો હવે શેરને બદલે સોનામાં ઝુકાવશે

09 October 2018 11:25 AM
Business India
  • ઈન્વેસ્ટરો હવે શેરને બદલે સોનામાં ઝુકાવશે

શેરબજારમાં દાઝેલા ઈન્વેસ્ટરો સુરક્ષિત રોકાણ તરફ આકર્ષાશે : તહેવારોમાં સોનાની માંગમાં વધારો થવાનો નિષ્ણાંતોનો મત

Advertisement

રાજકોટ તા.9
શેરબજારમાં છેલ્લા કેટલાંક વખતથી પ્રચંડ મંદીને કારણે બ્રોકરો-ઓપરેટરો ધોવાયા છે. કરોડો-અબજો રૂપિયાની સંપતિનું ધોવાણ થયુ છે. શેરબજારથી દાઝેલા ઈન્વેસ્ટરો હવે સોના તરફ આકર્ષિત થવાના સંકેત છે.
નિષ્ણાંતોનું એવુ કથન છે કે હવે દશેરા-દિવાળીના તહેવારો આવી રહ્યા છે. શેરબજારનું ભાવિ અનિશ્ર્ચિત છે. આવતા થોડા મહિનાઓનો ઘટનાક્રમ શેરબજારમાં એક તરફી ચાલ રહેવા વિશે શંકા પ્રેરે છે. ઉથલપાથલના સંભવિત દોરમાં ઈન્વેસ્ટરો જોખમ લેવા તૈયાર થાય તેમ નથી. જયારે વિકલ્પમાં સોના તરફ આકર્ષણ રહેવાની શકયતા છે.
ઝવેરીઓ પણ એવુ માને છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સોનાનુ વેચાણ વધુ રહેશે. અલબત રૂપિયાની નબળાઈને કારણે સોનાના ઉંચા ભાવથી કદાચ લોકો-ગ્રાહકો ખચકાટ અનુભવી શકે છે. સોનાનો ભાવ 33000 કે 34000 થાય તો ડીમાંડને અસર થવાનું જોખમ છે. શેરબજારની ઉથલપાથલને કારણે લોકો-ઈન્વેસ્ટરો સોના જેવા સુરક્ષિત રોકાણ તરફ વળી શકે છે. ચાલુ વર્ષે સોનામાં અત્યાર સુધીમાં 8 ટકા જેવુ રીટર્ન મળ્યું છે. શેરબજારમાં રીટર્ન ઘણુ ઉંચુ હતું. પરંતુ હવે મોટાભાગનું ધોવાઈ ગયું છે. ઈન્ડેકસના આધારે પોઝીટીવ રીટર્ન ગણાતુ હોવા છતાં વ્યક્તિગત શેરોમાં તો લોકોના નાણાં ડુબ્યા છે.
નિષ્ણાંતોનું એવું કથન છે કે સોનાનું રોકાણ લાંબાગાળાનુ હોય છે. રીટેઈલમાં પણ વેચાણ સારુ રહેવાનો આશાવાદ છે. વર્તમાન સપાટીથી ભાવમાં મોટો વધારો ન થાય તો ડીમાંડ ઘણી સારી રહેવાની શકયતા છે. નોટબંધી, જીએસટી, કેવાયસી નિયમો જેવા કારણોથી સોનાની ડીમાંડમાં છેલ્લા બે વર્ષમાં ખાસ વૃદ્ધિ નથી. આ વર્ષે શેરબજારની મંદીનો લાભ સોનાને મળી શકે છે.
ગત વર્ષે 2017માં ઓકટોબરથી ડીસેમ્બરની તહેવારોની સીઝનમાં સોનાનું વેચાણ માત્ર બે ટકા વધીને 249.3 ટન રહ્યું હતું. દાગીનાના વેચાણમાં 4 ટકાની વૃદ્ધિ હતી, 189.6 ટન થયુ હતું. ઈન્વેસ્ટમેન્ટ ડીમાન્ડ 3 ટકા ઘટીને 59.6 ટન હતી. આ વર્ષે તેમાં વધારો થવાનો આશાવાદ છે.
એક વર્ગ જો કે, એવુ માને છે કે ચોમાસુ સંતોષકારક રહ્યુ નથી એટલે ગ્રામ્ય માંગ વધવા વિશે શંકા છે. આ સંજોગોમાં સોનામાં રોકાણ વધે છે કે કેમ તે જોવાનું રહેશે. ઉપરાંત ડોલર સામે રૂપિયો વધુ તૂટે તેમ હોવાના કારણોસર સોનાના ભાવ પણ વધુ વધશે એટલે પણ ગ્રાહકોમાં ખચકાટ ઉભો થઈ શકે છે.


Advertisement