ઉતર ભારતીયોમાં ખોફ, પણ નેતાઓ આરોપ-પ્રત્યારોપમાં બેખોફ

09 October 2018 11:20 AM
Ahmedabad Gujarat
  • ઉતર ભારતીયોમાં ખોફ, પણ નેતાઓ આરોપ-પ્રત્યારોપમાં બેખોફ

અમદાવાદમાં પરપ્રાંતીયોને ગુપ્ત આશરો તો કયાંક બળજબરીથી ગોંધી રખાયાની ફરિયાદો : ઉતર ગુજરાતની આગ મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ સુધી પહોંચી: હજારો ઉચાળા ભરી ગયા : રાહુલના ટિવટથી ભડકતા રૂપાણી: હિંસાનો વિરોધ હોય તો પક્ષના માણસો સામે પગલા લો : ભાજપની રાજરમત હોવાના આક્ષેપ સાથે ગુરુવારથી અલ્પેશના સદભાવના ઉપવાસ

Advertisement

અમદાવાદ તા.9
રાજયમાં પરપ્રાંતીયો પરના હુમલાનો મુદો હવે રાજકીય સ્વરૂપ ધારણ કરતો જાય છે, એ સાથે ગુજરાતના ઉદ્યોગોને પણ અસરરૂપે આર્થિક નુકશાની ભોગવવી પડી હતી.
હજારો પરપ્રાંતિયો, ખાસ કરીને ઉતરપ્રદેશ અને બિહારના લોકો ડરના માર્યા વતન ચાલ્યા ગયા છે, અને જે હજુ સ્થિતિ શાંત પડવાની આશાએ રાજયમાં ટકી રહ્યા છે એ દહેશતમાં જીવી રહ્યા છે. અમદાવાદમાં પરપ્રાંતીયોના 21000 બાળકો મ્યુનીસીપલ કોર્પોરેશન સંચાલીત હિંદી માધ્યમોની 61 શાળામાં ભણી રહ્યા છે, પણ લગભગ 25% ગેરહાજરી નોંધાતા સ્પષ્ટ બન્યું છે કે ડરના માર્યા વાલીઓ બાળકોને શાળાએ મોકલી રહ્યા નથી.
દરમિયાન અમદાવાદ જીલ્લામાં એક ગામમાં ઉતરપ્રદેશના 25 શ્રમિકો એક ફાર્મહાઉસમાં આશરો લઈ રહ્યા છે. બે માળના બાઉન્ડ્રી દીવાલ અને લોખંડી દરવાજાથી સુરક્ષિત આ ફાર્મહાઉસમાં ઉતર ભારતીય વિકાસ પરિષદ નામના સામાજીક કલ્યાણ ટ્રસ્ટે ગુપ્ત વાવણીની વ્યવસ્થા કરી છે. આ ગામ વટવા આસામમાં મતવિસ્તારમાં આવે છે. ગુપ્ત છાવણીમાં આશરો લેનારા દહેગામના સ્નેકસ મેન્યુફેકચરીંગ યુનિટમાં કામ કરે છે.
દરમિયાન, બહારના લોકોને રાજય છોડી જવા દબાણ-ધાકધમકી અપાયાના વધુ બનાવો સામે આવી રહ્યા છે.
રવિવારની રાતે આણંદ પાસે અમુલ પ્લાન્ટમાં કામ કરતા 8 શ્રમીકો પર હુમલો કરવામાં આવ્યો હતો. રાજસ્થાન અને મધ્યપ્રદેશના 15 શ્રમીકોએ પ્લાન્ટમાં આશરો લીધો છે.
તેવી જ રીતે અમદાવાદની એક ફેકટરીમાં બિહારના 47 મજુરોને બંધક બનાવાયા છે અને તેમની મારપીટ કરવામાં આવી રહી છે. ગુજરાતથી બિહારના શેખપુરા પાછા ફરેલા મજુરોએ ત્યાંના જીલ્લાધિકારીને મળી બંધકોને છોડાવવા રજુઆત કરી છે. બંધક મજુરો અમદાવાદ નજીક ચાચા બાડી ગામની એક ફેકટરીમાં કામ કરી રહ્યા છે. દુષ્કર્મની ઘટના પછી આ લોકો વતન પરત જવા ઈચ્છતા હતા, પણ ફેકટરી સંચાલકોએ તેમને એક રૂમમાં બંધ કરી દીધા હોવાનો આક્ષેપ થયો છે.
અમદાવાદમાં રવિવારે રાતે વસ્ત્રાલના કબીર મંદિર નજીક એક મંદિરમાં આગ ચાંપવામાં આવી હતી. પરપ્રાંતીયોની હિજરતથી સૌથી વધુ નુકશાન ઉદ્યોગોને થઈ રહ્યું છે. તહેવારોની મોસમ હોવા છતાં તેમના ઉત્પાદનમાં 20% ઘટાડો થયો છે. સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના અજીત શાહે જણાવ્યું હતું કે યુપી અને બિહારના 12,000 મજુરો ઉતર ગુજરાતમાં કામ કરે છે. એ બધાં વતનમાં ચાલ્યા ગયા છે. સાણંદમાંથી 4000 મજુરો રવાના થઈ ગયા છે. પંચમહાલ જીલ્લાના કાલોલ જીઆઈડીસીના મજુરો પણ વતન ચાલ્યા ગયા છે. બીજી બાજુ, દહેશત તથા ધાકધમકીનો ભોગ બનેલા ઉતરપ્રદેશ અને બિહારના લોકો વતન પહોંચી તેમના અનુભવો સમાચાર માધ્યમોને વર્ણવી રહ્યા છે. આવા ઘટનાક્રમો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટિવટથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ભડકી ઉઠયા છે. ભાજપ આ મુદે કોંગ્રેસને અને તેના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા તેની ક્ષત્રિય-ઠાકોર સેનાને ઘેરી રહી છે, ત્યારે કોંગ્રેસ આવા બનાવો ભાજપનું પુર્વઆયોજીત કાવતરું હોવાનો આક્ષેપ કરી રહી છે.
રાહુલ ગાંધીએ ઉતર ભારતીયો પરના હુમલાને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવી હિંસાના પુરમાં રાજયમાં બંધ પડેલા કારખાના અને બેરોજગારીને જવાબદાર ગણાવ્યા છે.
બીજી બાજુ, મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં હિંસા વિરુદ્ધ હોય તો તેમણે તેમના પક્ષના ધારાસભ્યો, કાર્યકરો વિરુદ્ધ પગલાં લેવા જોઈએ, જેમણે હિંસા ભડકાવી છે. રૂપાણીએ ટવીટ ક્રી જણાવ્યું હતું કે ઉકેલ ટિવટ કરવામાં નહીં, કાર્યવાહી કરવામાં છે.
દરમિયાન, ક્ષત્રિય-ઠાકોર સેનાના આગેવાન અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર પરપ્રાંતીયો પરના હુમલાના મુદે રાજકારણ ખેલતી હોવાનો આક્ષેપ કરી ગુરુવારથી સદભાવના ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.


Advertisement