રાજયમાં વધુ બે મરીન સાયન્સ અને ઓર્ગેનીક યુનિ.ની સ્થાપના કરાશે: મુખ્યમંત્રી

08 October 2018 06:01 PM
Ahmedabad Gujarat
  • રાજયમાં વધુ બે મરીન સાયન્સ અને ઓર્ગેનીક યુનિ.ની સ્થાપના કરાશે: મુખ્યમંત્રી

યુવક મહોત્સવ એ યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનું યોગ્ય માધ્યમ: છાત્રશક્તિ, રાષ્ટ્રશક્તિ, છાત્રનેતા, રાષ્ટ્રનેતા : સૌરાષ્ટ્ર યુનિ.ના 48માં યુવક મહોત્સવ થનગનાટ 2018નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન: પ્રથમ તબકકામાં વિદ્યાર્થીઓને 10 હજાર ટેબ્લેટનું વિતરણ: યુવક મહોત્સવમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને અનુક્રમે રૂા.5000, 3000 અને 2000ના રોકડ પુરસ્કાર અપાશે

Advertisement

રાજકોટ તા.8
યુવક મહોત્સવ એ યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનું યોગ્ય માધ્યમ છે તેમ આજે સૌરાષ્ટ્ર યુનિ.ના 48માં રંગારંગ યુવક મહોત્સવ 2018નું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2001માં સમગ્ર ગુજરાતમાં 11 યુનિવર્સિટીઓ હતી અને હાલમાં ગુજરાતમાં 60 યુનિવર્સિટીઓ છે. ગુજરાતમાં વૈવિધ્યપૂર્ણ જરૂરિયાત પ્રમાણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ય બને તે દિશામાં નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની ગુજરાત સરકારે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલીયમ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, યોગ યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી અને ઓર્ગેનીક યુનિવર્સિટીની સ્થાપનાનો નિર્ધાર કરેલ છે.
ચાલુ વર્ષના શૈક્ષણિક બજેટમાં ગુજરાત સરકારે ગુજરાતનો યુવાન ટેકનોસેવી બને અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમા ડીજીટલ ઈન્ડીયાને સાકાર કરવા અને સ્કીલ ઈન્ડીયાના માધ્યમથી મેઈક ઈન ઈન્ડીયા દ્વારા નવા ભારતનું નિર્માણ કરવાનો જે નિર્ધાર કરેલ છે તેને સાકાર કરવા રૂા.200 કરોડની જોગવાઈ કરી આંતરરાષ્ટ્રીય નામના મેળવેલ લીનોવો અને એસર કંપનીના અદ્યતન ટેબલેટ કે જેઓ ગુજરાતની વિવિધ યુનિવસિટીઓમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ તેમનો પ્રથમ વર્ષના પ્રથમ સત્રથી જ અદ્યતન ટેબલેટથી સજજ બને અને સ્નાતકના ત્રણ વર્ષ સુધી ટેબલેટનો ઉપયોગ કરે તેના માધ્યમથી વિદ્યાર્થી ગુજરાત, ભારત અને વિશ્ર્વમાં શૈક્ષણિક, સંસાધનો, અભ્યાસક્રમોની જાણકારી પ્રાપ્ત કરી શકે અને ગુજરાતનો યુવાન સમગ્ર ભારતમાં અને વિશ્ર્વમાં મોખરે રહે તે માટે ગુજરાત સરકારે શ્રેણીબદ્ધ પગલાઓ લીધેલ છે.
રૂપાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 48માં યુવક મહોત્સવમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક આ ત્રણ વિભાગોમાં કુલ 33 સ્પર્ધાઓમાં 110 કોલેજોના 3200 થી વધુ સ્પર્ધક તરીકે સહભાગી થઈ રહ્યા છે તે હકીકત જાણી આનંદ વ્યક્ત કરેલ હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ યુવક મહોત્સવમાં સ્પર્ધકોને પ્રોત્સાહન મળે તે માટે પુરસ્કારની રકમમાં વધારો કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ આવનારને રૂા.2500/- ને બદલે રૂા.5000/- દ્વિતીયને રૂા.1500/- ને બદલે રૂા.3000/- અને તૃતીયને રૂા.1000/-ને બદલે રૂા.2000/- પુરસ્કાર આપવાનો નિર્ણય કરેલ છે તે અભિનંદનને પાત્ર છે તેમ જણાવેલ હતું.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી નેતા તરીકે તેઓની રાજકીય કારકિર્દીનો પ્રારંભ આ યુનિ.માંથી જ થયો હતો. સૌરાષ્ટ્ર યુનિ.ની વિશેષતા એ છે કે સૌથી વધુ કોલેજો આ યુનિ. સાથે જોડાયેલ છે. છાત્રશક્તિ રાષ્ટ્રશક્તિ છે અને છાત્ર તેના રાષ્ટ્ર નેતા છે તેમ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિ.ના ત્રણ દિવસના આજથી પ્રારંભ થયેલા યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે રાજયના શિક્ષણમંત્રી જીતેન્દ્રસિંહ ચુડાસમા, લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, લોકગાયક બિહારી હેમુભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા મહિલા કુલપતિ શ્રી પ્રો. નીલાંબરીબેન દવેએ પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે હું અઢી લાખ વિદ્યાર્થીઓને ‘માં’ તરીકે વસુધૈવ કુટુંબકમની ભાવના અનુભવુ છું. અઢી લાખ વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણના કામ કરવા પર છે. યુનિવર્સિટીના કેન્દ્રસ્થાને વિદ્યાર્થી તથા કેળવણી જ છે અને રહેશે. યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના સહીયારા પ્રયાસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વર્ષ 2014માં ગુજરાતમાં રાજય સરકાર હસ્તકની ક્ધવેશનલ યુનિવર્સિટીમાં સૌપ્રથમવાર ‘નેક’ દ્વારા ‘એ’ ગ્રેડ પ્રાપ્ત થયો હતો. છેલ્લા અઢી વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ ફન્ડીંગ એજન્સીઓ દ્વારા યુનિવર્સિટીમાં અંદાજે રૂા.75 કરોડ જેટલી ગ્રાન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રાપ્ત કરેલ છે.
ઉદઘાટન સમારોહમાં વિશ્ર્વ વિખ્યાત તરણેતર મેળાના ગ્રુપ દ્વારા છત્રીરાસ તથા સીદી બાદશાહ દ્વારા ધમાલનૃત્ય રજુ કરવામાં આવેલ હતું. આ ઉપરાંત હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ હાસ્યરસની છોળો ઉડાડી હતી.
કાર્યક્રમના પ્રારંભે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એનસીપીના કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે નમો ઈ-ટેબ યંજનાની ફીલ્મનું નિર્દેશન કરવામાં આવેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિ.ના યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહમાં રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા શિક્ષણ વિભાગના સચિવ અંજુબેન શર્મા, યુનિ.ના પુર્વ કુલપતિ કમલેશ જોશીપુરા, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, પુર્વ કુલપતિ ડો. કલ્પક ત્રિવેદી તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તેમજ રાજકોટ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યો ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓના ડીન સીન્ડીકેટ મેમ્બરો, સેનેટ મેમ્બરો, વિવિધ કોલેજોના પ્રીન્સીપાલો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

યુનિ.ને એ ગ્રેડ જાળવી રાખવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો અંગુલી નિર્દેશ
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પગલા લેવાય તે અતિ જરૂરી
સૌરાષ્ટ્ર યુનિ.ના 48માં ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે ભારત દેશ એ વિજ્ઞાન અને ટેકનોલોજીના આજના યુગમાં વિકાસની સતત હરણફાળ ભરી રહ્યો છે. જેના પગલે સમગ્ર વિશ્ર્વએ યુવાનોની મુઠીમાં આવી જવા પામેલ છે.
શિક્ષણમંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે વર્તમાન યુગમાં વિદ્યાર્થીઓ માત્ર ગણે તે પુરતું નથી. પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે. તેના માટે વિદ્યાર્થીઓની આંતરિક શકિતઓને બહાર લાવવી જરૂરી છે. વિદ્યાર્થીઓએ વિષય પારંગત બનવુ જરૂરી છે.
શિક્ષણમંત્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓની આંતરીક શક્તિ ખીલતા યુવક મહોત્સવમાંથી મહાન કલાકાર બનવાના પગરણ થાય છે. આ તકે મંત્રી ચુડાસમાએ સૌરાષ્ટ્ર યુનિ.એ એ ગ્રેડ મેળવી સફળતા હાંતલ કરી છે ત્યારે હવે વર્ષ 2019માં ફરી યુનિ.નું ફરી નેક દ્વારા મૂલ્યાંકન થનાર છે તેમાં યુનિ.એ ગ્રેડ જાળવી રાખે તેવો અંગુલી નિર્દેશ તેઓએ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિ. સહિત રાજ્યના ર.07 લાખ છાત્રોને આધુનિક ફીચર સાથેના ર.07 લાખ ટેબલેટ
241 કોલેજોને ફ્રી વાય-ફાઈની સુવિધા બાદ હવે 105 સંસ્થાઓને કોમ્પ્યુટર અપાશે: શિક્ષણસચિવ: અંજૂબેન શર્મા
સૌરાષ્ટ્ર યુનિ.ના 48માં યુવક મહોત્સવના ઉદઘાટન અને નમો-ઈ-ટેબલેટના વિતરણ પ્રસંગે રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજૂબેન શર્માએ સરકારની ટેબલેટ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારની યોજના અંતર્ગત ગતવર્ષે વિદ્યાર્થીઓને 3.06 લાખ ટેબલેટ વિતરણ કરવામાં આવેલ હતા.
ગત વર્ષે આ યોજનાને સાંપડેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અન્વયે ચાલુ વર્ષે ર018-19માં પણ આ યોજના ચાલુ રાખવા માટે નિર્ણય લેવામાં આવેલ જે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ર018-19ના બજેટમાં 150 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજના માટે આ વર્ષે પણ ધો.10 અને 12ની માન્ય બોર્ડની પરીક્ષામાં ઉતિર્ણ થનાર અને ગુજરાત રાજ્યમાં માન્ય યુનિ.માં સ્નાતક તેમજ ડીપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રૂા.1,000ના ટોકન દરે ગત વર્ષ દરમ્યાન આપવામાં આવેલ ટેબલેટ કરતા ઉચ્ચ ગુણવત્ત ધરાવતા 4જી ટેબલેટ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છે.
ટેબલેટ યોજના અન્વયે ટેબલેટ ઈચ્છુક વિદ્યાર્થીઓની નોંધણી digitalgujrat.gov.in પોર્ટલ પર કરાવવામાં આવેલ છે. તેમજ આ વર્ષની ટેબલેટ યોજનાના વિધિવત લોન્ચિંગ પહેલા જ આજદિન સુધીમાં વિવિધ યુનિ. હેઠળ પ્રવેશ મેળવનાર ર.05 લાખથી વધુ વિદ્યાર્થીઓનું પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે.
સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ ખાતે આજે 48માં યુવક મહોત્સવ થનગનાટ-ર018ના ઉદઘાટન સમારોહમાં ટેબલેટ યોજના ર018-19 અન્વયે મુખ્યમંત્રીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિ., ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, અને મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવેલ હતા. પ્રથમ તબકકામાં આજે 10 હજાર વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવેલ.
વિદ્યાર્થીઓને આપવામાં આવેલ આ ટેબલેટ ર જીબી રેમ, 16 જીબી સ્ટોરેજ મેમરી, ડયુઅલ સીમ, પ મેગા પિક્સેલ બેક અને ર મેગા પિક્સેલ ફ્રન્ટ કેમેરાઓ અને એન્ડ્રોઈડ 7 ઓપરેટીંગ સિસ્ટમ ધરાવે છે. અગ્ર સચિવ અંજૂબેન શર્માએ જણાવ્યું હતું કે રૂા.12 હજારની ટેબલેટ રાજ્ય સરકારને 6700માં પડી છે. જે વિદ્યાર્થીઓને રાહતદરે માત્ર રૂા.1000માં વિતરણ કરાશે. આ ઉપરાંત રાજ્યની ર41 કોલેજોને ફ્રી વાય-ફાઈની સુવિધા આપવામાં આવી છે. તેમજ 105 કોલેજોને કોમ્પ્યુટર અપાશે તેમ તેઓએ જણાવ્યું હતું.


Advertisement