‘મોસાળે જમવાનું ને મા પીરસનારી’ સાવ ખોટું: નર્મદા માટે ગુજરાતે માંગ્યા 9113 કરોડ, મળ્યા માત્ર 5868 કરોડ

08 October 2018 05:45 PM
Ahmedabad Gujarat
  • ‘મોસાળે જમવાનું ને મા પીરસનારી’ સાવ ખોટું: નર્મદા માટે ગુજરાતે માંગ્યા 9113 કરોડ, મળ્યા માત્ર 5868 કરોડ

સરદાર સરોવર પ્રોજેકટના ભાગીદાર 3 રાજયો પાસેથી 6189 કરોડ લેણાં

Advertisement

ગાંધીનગર તા.8
સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેકટ બાબતે ભાજપ શાસીત રાજયો કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે રાજય સરકારે તાજેતરમાં વિધાનસભાને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં તેણે કેન્દ્ર સરકાર પાસેથી રૂા.9113 કરોડની ગ્રાન્ટ માંગી હતી, પણ દિલ્હીએ માત્ર રૂા.5808 કરોડ આપ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સરદાર સરોવર પ્રોજેકટ માટે કેન્દ્રીય સહાયની માંગણી અને મળેલી રકમ બાબતે તારાંકીત પ્રશ્ર્ન પૂછયો હતો. જવાબમાં નર્મદા વિભાગ પણ સંભાવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે 31 માર્ચ 2018એ પુરા થતા પાંચ વર્ષમાં રાજય સરકારે 2013-14, 2014-15, 2015-16, 2016-17 અને 2017-18માં અનુક્રમે રૂા.1006 કરોડ, રૂા.1471 કરોડ, રૂા.1940 કરોડ, રૂા.2368 કરોડ અને રૂા.2322 કરોડ માંગ્યા હતા. એ સાથે અનુક્રમે રૂા.607 કરોડ, રૂા.1033 કરોડ, રૂા.482, રૂા.1646 કરોડ અને રૂા.2100 કરોડ મળ્યા હતા. આમ પાંચ વર્ષમાં રૂા.9113 કરોડની માંગણી સામે માત્ર રૂા.5868 કરોડની સહાય મળી છે.
પટેલે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં રાજય સરકારે સરદાર નર્મદા ડેમ પ્રોજેકટ માટે રૂા.14987.27 કરોડનો ખર્ચ કર્યો છે, એમાં કેન્દ્ર સરકારની સહાયનો પણ સમાવેશ થાય છે.
અન્ય એક પ્રશ્ર્નના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી રૂા.6189.47 કરોડ લેવાના બાકી છે.


Advertisement