સૌરાષ્ટ્ર યુનિ.નો તા.8થી ચાર દિ’ યુથ ફેસ્ટીવલ : મુખ્યમંત્રી રૂપાણી ઉદઘાટન કરશે

24 September 2018 05:37 PM
Gujarat
  • સૌરાષ્ટ્ર યુનિ.નો તા.8થી ચાર દિ’ યુથ ફેસ્ટીવલ : મુખ્યમંત્રી રૂપાણી ઉદઘાટન કરશે

તા.27 થી પ દરમિયાન દરેક કોલેજોને મ્યુઝીકલ ડાન્સ-ગરબા દ્વારા આમંત્રણ અપાશે 4500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે : રજીસ્ટ્રેશનનો આંકડો 3100એ પહોંચ્યો

Advertisement

રાજકોટ તા.24
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો રંગારંગ યુથ ફેસ્ટિવલ આગામી તા.8 થી 10 ઓકટોબર દરમિયાન આયોજીત કરવામાં આવેલ છે. આ યુથ ફેસ્ટિવલનું ઉદઘાટન તા.8 ઓકટોબરના સવારે 10:45 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવનાર છે. આ યુથ ફેસ્ટિવલની તૈયારીઓને યુનિવર્સિટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિ.ના યુથ ફેસ્ટિવલના કોર્ડીનેટર અને સિન્ડીકેટ મેમ્બર ડો.મેહુલ રૂપાણીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે યુથ ફેસ્ટિવલમાં આ વખતે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના 4500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. જેમાં વિવિધ સ્પર્ધાઓ માટે 3100 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના રજીસ્ટ્રેશન કરાવી દીધા છે.
યુથ ફેસ્ટિવલમાં વકતૃત્વ સ્પર્ધા, પાદપૂર્તિ સ્પર્ધા, ડિબેટ, કવિઝ, હસ્તકલા હોબી, સર્જનાત્મક કારીગીરી, ચિત્રકલા, કાર્ટુનીસ્ટ, પોસ્ટર મેકીંગ, છબીકલા, હળવુ કંઠ સંગીત, શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત, શાસ્ત્રીય નૃત્ય, લોકગીત, ભજન, દુહાછંદ, રાસગીત, સમૂહનૃત્ય, પ્રાચીન રાસ સહિતની વિવિધ સ્પર્ધાઓ સાહિત્ય કલા વિભાગ અને સાંસ્કૃતિક વિભાગમાં યોજાશે.
આ યુથ ફેસ્ટીવલમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લે તે માટે આ વખતે તા.27 થી પ દરમિયાન દરેક કોલેજોના વિદ્યાર્થીઓને મ્યુઝીકલ ડાન્સ અને ગરબા દ્વારા આમંત્રણ અપાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિલાંબરીબેન દવે તેમજ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અવાજમાં પણ વિદ્યાર્થીઓને આમંત્રણ આપતી ઓડિયો કલીપ દરેક કોલેજોને યુનિવર્સિટી દ્વારા મોકલી આપવામાં આવશે. આ વખતે યુથ ફેસ્ટિવલમાં પાંચ જેટલા નવા સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવેલ છે. યુથ ફેસ્ટિવલમાં 32 જેટલી સ્પર્ધાઓ આયોજીત કરાશે. આ યુથ ફેસ્ટિવલની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. આ મહોત્સવમાં વિદ્યાર્થી ભાઇ-બહેનો વધુને વધુ ભાગ લે તેવો અનુરોધ ડો.રૂપાણીએ કર્યો છે.


Advertisement