ભાજપ તરફથી ઘણી બધી ઓફરો મળી: ઈન્દ્રનીલ

24 September 2018 05:16 PM
Gujarat
  • ભાજપ તરફથી ઘણી બધી ઓફરો મળી: ઈન્દ્રનીલ

ભાજપમાં જોડાવા કે કોંગ્રેસના નુકશાન થાય તેવા કાર્યો કરવા સહીતની ઓફરો હોવાનો દાવો: પોતે કોંગ્રેસની જ વિચારધારાને વરેલો હોવાથી લાલચમાં નહીં આવ્યાનો સ્પષ્ટ નિર્દેશ

Advertisement

રાજકોટ તા.24
કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય અને પાર્ટી સાથે છેડો ફાડી નાખનારા ઈન્દ્રનીલ રાજયગુરુએ આજે એવો ધડાકો કર્યો હતો કે ભાજપ તરફથી ઘણી બધી ઓફરો મળી છે. પરંતુ કોંગ્રેસની વિચારધારાને જ વળેલો હોવાથી તેમાં જોડાવાનો કોઈ સવાલ ઉભો થતો નથી.
કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ રાજકીય વનવાસમાં ઉતરી ગયેલા ઈન્દ્રનીલ રાજયગુરુએ સાયકલ યાત્રા માટે યોજેલી પત્રકાર પરિષદમાં રાજકારણ સંબંધી સવાલના જવાબમાં એમ કહ્યું કે કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ ભાજપ તરફથી ઘણી ઓફરો આવી છે. ભાજપમાં ન ખાવો તો કાંઈ નહીં, કોંગ્રેસને નુકશાન થાય તેવા કાર્યો કરવાના સંદેશા પણ આપવામાં આવ્યા હતા. પરંતુ પોતે આવી કોઈ ઓફરનો સ્વીકાર કર્યો નથી.
પોતે આજે પણ એવું સ્પષ્ટ માને છે કે દેશ માટે કોંગ્રેસ જ શ્રેષ્ઠ પક્ષ છે અને કોંગ્રેસની વિચારધારા જ સર્વશ્રેષ્ઠ છે. પોતે કોંગ્રેસની વિચારધારાને જ વરેલા છે. ભલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હોય છતાં તેને નુકશાન થાય તેવા કોઈ કાર્યો કરવાનું તો દૂર તે દિશામાં વિચારી પણ ન શકુ.
કોંગ્રેસ ભલે મને સાચવી શકી ન હોય છતાં તેને નુકશાન થાય તેવા કાર્યો કયારેય ન કરુ. ભાજપ તરફથી કોઈ નાણાકીય લાલચ આપવાનો તો સવાલ રહેતો નથી. અન્ય વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ દબાવવા પ્રયત્નો કરાયા હતા. પરંતુ પોતે સ્વીકારી નથી. કેવા પ્રકારની ઓફરનો તેઓએ સ્પષ્ટ ફોડ પાડયો ન હતો.


Advertisement