એશિયામાં ક્રિકેટનો ‘બીગબોસ’ કોણ? સાંજે ભારત-પાકનો મહામુકાબલો

19 September 2018 12:42 PM
Sports
  • એશિયામાં ક્રિકેટનો ‘બીગબોસ’ કોણ? 
સાંજે ભારત-પાકનો મહામુકાબલો
  • એશિયામાં ક્રિકેટનો ‘બીગબોસ’ કોણ? 
સાંજે ભારત-પાકનો મહામુકાબલો

બુકીબજારમાં 500 કરોડનો સટ્ટો: 80 પૈસાના ભાવ સાથે ભારત ફેવરીટ : વિશ્ર્વભરના ક્રિકેટ પ્રશંસકોની આજના મહાસંગ્રામ પર નજર: જબરદસ્ત ઉત્સાહ-ઉતેજના: હોંગકોંગ સામે જીતવામાં પરસેવો વળવા છતાં પાકને હરાવવા ભારત સક્ષમ હોવાનો સૂર: પાકીસ્તાની વડાપ્રધાન ઈમરાનખાન પણ મેચ જોવા જશે

Advertisement

દુબઈ તા.19
એશિયાકપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ભારત અને પાકીસ્તાન વચ્ચે મહામુકાબલા પુર્વે લાખો-કરોડો ક્રિકેટ પ્રશંસકોના શ્ર્વાસ અદ્ધર થયા છે. ક્રિકેટમાં એશિયાનો ‘બીગ બોસ’ કોણ? તે આજના મુકાબલા પરથી નકકી થવાનું છે. એશિયાની બે કટ્ટર હરીફ ટીમો 15 મહિના પછી ટકરાવાની છે ત્યારે વિશ્ર્વભરના ક્રિકેટ જગતમાં જબરી ઉતેજના છે.
હોંગકોંગ સામેના પ્રથમ મેચમાં ભારતની માંડ જીત થઈ હતી. નબળી ટીમને હરાવવા માટે રેંકીંગમાં ટોચની ટીમને રીતસરનો પરસેવો વળી ગયો હતો ત્યારે આજના મેચ પર કરોડો ક્રિકેટ રસિયાઓની નજર છે. કટ્ટર પ્રતિસ્પર્ધી ટીમો વચ્ચેના ક્રિકેટ જંગનો ઉન્માદ-ઉત્સાહ કેટલો જબરદસ્ત છે તેનો અંદાજ એ વાત પરથી પણ આવી જાય છે કે પાકીસ્તાનના વડાપ્રધાન એવા પૂર્વ ક્રિકેટર ઈમરાનખાન પણ મેચ નિહાળનાર છે.
ક્રિકેટ પ્રશંસકોની જેમ કરોડોનો સટ્ટો રમવા માટે બુકીઓ પણ સજજ બન્યા છે. આજના મેચ પર 500 કરોડનો સટ્ટો રમાવાનો અંદાજ છે. બુકીબજારમાં ભારતને ફેવરીટ ગણવામાં આવી રહ્યું છે. ભારતનો ભાવ 80 પૈસા તથા પાકીસ્તાનનો ભાવ 1.37 પૈસા હોવાના સંકેત છે. ટોસ સહીતના વિવિધ પાસાઓ પર જંગી દાવ લાગ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વિરાટ કોહલીની ગેરહાજરી છે ત્યારે રોહીત શર્મા, શિખર ધવન જેવા ખેલાડીઓ પર બુકીઓ-પંટરોએ જંગી દાવ લગાવ્યા છે.
એશિયા કપમાં આજે ભારત અને પાકીસ્તાનની ટીમો વચ્ચે દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમમાં મુકાબલો થશે. ભલે યુનાઈટેડ આરબ એમેરીટસમાં રમાયેલી મેચમાં પાકીસ્તાનનું પલડું ભારે હોય, પરંતુ 2010થી અત્યાર સુધીનો રેકોર્ડ જોઈશું તો કુલ 11 મેચો પૈકી સાતમાં ભારતનો વિજય થયો છે. એશિયા કપમાં કુલ 11 મેચો રમાઈ છે. જેમાં પાંચ-પાંચ વખત બન્નેટીમો જીતી છે તો એક મેચ અનિર્ણિત રહી હતી. બન્ને ટીમો છેલ્લી વખત ચેમ્પીયન ટ્રોફીની ફાઈનલમાં ટકરાઈ હતી જેમાં પાકીસ્તાને બાજી મારી હતી.
મીડલ ઓર્ડરની સમસ્યા
ભારત આ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી વગર મેદાનમાં ઉતર્યું છે. વિરાટ ન હોવાથી પાકીસ્તાન માટે રાહતના સમાચાર છે. પાકીસ્તાનના ઘણા ખેલાડીઓએ એવું કહ્યું છે કે કોહલીની ગેરહાજરી તેમના માટે લાભની વાત છે. કોહલીની ગેરહાજરીમાં રોહીત પર જવાબદારી વધી જાય છે. રોહીત ઉપરાંત શિખર ધવન પર પણ મોટી જવાબદારી હશે. રોહીતની સૌથી મોટી સમસ્યા મીડલ ઓર્ડર છે. ચોથા અને પાંચમા ક્રમાંક માટે અંબાતી રાયડુ, કેદાર જાદવ, દિનેશ કાર્તિક અને મનીષ પાંડેનો વિકલ્પ છે.
પાકીસ્તાનનો ટોપ ઓર્ડર મજબૂત
પાકીસ્તાનમાં બેટીંગનો ભાર બાબર આઝમ અને ફખર ઝમાનના માથા પર છે. ફખરે ચેમ્પીયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત સામે શાનદાર બેટીંગ કરી હતી. પાકીસ્તાનની તાકાત એની બોલીંગ છે, જેની મહત્વની જવાબદારી મોહમ્મદ આમીર અને હસન અલી પર છે. યુવા બોલર ઉસ્માનખાને પણ સારી બોલીંગ કરી હતી.
ભારત: રોહીત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયડુ, મનીષ પાંડે, કેદાર જાદવ, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), હાર્દીક પંડયા, ભુવનેશ્ર્વર કુમાર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, દિનેશ કાર્તિક, ખલીલ અહમદ.
પાકીસ્તાન: સરફરાઝ અહમદ (કેપ્ટન), આસીફ અલી, બાબર આઝમ, ફહીદ અશરફ, ફખર ઝમાન, હારીસ સોહેલ, હસન અલી, ઉમામ-ઉલ-હક, જુનૈદખાન, મોહમ્મદ આમીર, મોહમદ નવાઝ, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, શાન મસૂદ, શોએબ મલીક, ઉસ્માનખાન.

યુએઈમાં પાકીસ્તાન સામે ભારત 7 વનડે જીત્યું, 19 હાર્યુ છે
દુબઈમાં સૌપ્રથમ વખત બંને ટીમો ટકરાશે
ભારત અને પાકીસ્તાન વચ્ચે યુએઈમાં કુલ મળીને 26 વનડે મુકાબલા ખેલાયા છે. સંયુકત આરબ અમીરાતમાં રમાયેલી 26માંથી માત્ર સાત જ વનડે ભારત જીતી શકયું છે.
જયારે 19 વનડેમાં પાકીસ્તાને વિજય મેળવ્યો છે. જો કે આવતીકાલે ભારત અને પાકીસ્તાન વચ્ચે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં મુકાબલો ખેલાવાનો છે અને આ સ્ટેડીયમમાં બંને ટીમો પહેલી વખત આમને-સામને ટકરાશે.
બંને દેશો વચ્ચે અહી રમાયેલી 26માંથી 24 મેચો શાહજાહમાં રમાઈ છે. જેમાંથી ભારત છ જીત્યું છે, જયારે પાકીસ્તાનને 18 મેચમાં જીત મળી છે. બંને દેશો વચ્ચે છેલ્લે 2006માં અબુ ધાબીમાં બે વનડે રમાઈ હતી, જેમાંથી એક પાકીસ્તાન જીત્યું હતું. જયારે છેલ્લે 18મી એપ્રિલ, 2006ના રોજ રમાયેલી વનડેમાં ભારતનો વિજય થયો હતો.


Advertisement