રસહીન ધરા થઇ છે, દયાહીન થયો મનુજ!


Advertisement

પૈસાથી હેસિયત જ બદલાય, ઔકાત નહીં; પ્રકાશથી તો અંધકાર જ દૂર થાય, રાત નહીં. જૂઠમાં તાત્કાલિક ફાયદો હોય, તાકાત નહીં; આખું જગ તમારું સાંભળે, તમારી ઔલાદ નહીં. ફોનથી પંચાત જ થાય, પણ મુલાકાત નહીં, કપડાથી દેખાવ બદલાય, પોતાની જાત નહીં. ખેતરમાંથી તો ચોખા મળે, દોસ્ત! ભાત નહીં, કોર્ટમાં જવાથી અટક તો બદલાય, બાપ નહીં. ગાંડપણ તો ઘણાને હોય, પણ સનેપાત નહીં, ચોખઠું એ ચોખઠું હોય, કઈ અસલી દાંત નહીં. જેને ગુનાઓ ગણાય, એ બધા જ પાપ નહીં, પાણીમાં તો આવે જ, પણ શરાબમાં કાપ નહીં. માનવી પસ્તાવો કરે, પણ પશ્ર્ચાતાપ નહીં, બધામાં બસ હું-હું કરે, ક્યારેક પણ આપ નહીં. પૈસાની ગણતરી તો ચીવટથી કરે, જાપ નહીં, દુનિયામાં સૌથી ઝેરી પ્રાણી માણસ, સાપ નહીં. - મૃગાંક શાહ

જરાતીમાં કહેવત છે કે ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં’ અર્થાત માણસ કરતા એના કપડાનું મૂલ્ય વધારે છે. વળી, આજની બ્રાન્ડ કોન્શિયસ પેઢી તો માત્ર કપડાંથી જ નહીં એની પર ચોંટેલા બ્રાન્ડ-ટેગ પરથી માણસને માપે છે. સારા અને પ્રસંગોપાત કપડાં પહેરવાં એ માત્ર શોખ જ નહીં, આત્મવિશ્ર્વાસ માટે જરૂરી પણ છે. કપડાંની પસંદગી તમારા વ્યક્તિત્વ અને તમારા મૂડને વ્યક્ત કરે છે, પરંતુ આપણે અંદરથી ખાલીખમ હોઈએ અને માત્ર સારાં કપડાં પહેરીએ, તો આપણી વચ્ચે અને દુકાનમાં મુકાતા શોભાનાં પુતળાં
(mannequin) વચ્ચે ઝાઝો ફરક નથી. કવિ કહે છે એમ ‘કપડાંથી દેખાવ બદલાય, જાત નહીં.’
પૈસો સ્ટેટસ ચોક્કસ ખરીદી શકે છે. બ્રાન્ડેડ વસ્ત્રો ને મોંઘા ગોગલ્સ ચઢાવેલા તથા જાણીતી કંપનીની રૂપાળી, મોટી કારમાંથી ઉતરતા માણસથી અંજાઈ જવાની આપણને ટેવ હોય છે. પૈસાપાત્ર અને સારી સોસાયટીમાં રહેતો માણસ સંસ્કારી જ હોય એ ભ્રમ ઉતાવળ કરીને ટાળવા જેવો છે.
હમણાં બે દિવસ પહેલા જ આ વાત મેં પોતે અનુભવી. એક કહેવાતી સંસ્કારી અને સમૃદ્ધ વસાહતની સોસાયટીના ચાર રસ્તે એક કાર અને મોટર-સાઈકલનો એક્સીડન્ટ થયો. મોટર-સાયકલ સવારને હાથ પર વાગ્યું. લોકો ભેગા થયા. કોઈકે તરત બરફ આપ્યો, કોઈકે 108ને ફોન કર્યો, કોઈકે પોલીસને ફોન કર્યો, કોઈકે મોટર-સાઈકલ ચાલકને ટેકો આપી બેસાડ્યો, કોઈકે એની પાસે એના ઘરવાળાનો નંબર લઈને એમને જાણ કરી. કેટલાક લોકો તમાશાને તેડું ન હોય એમ ખેલ જોતાં ઊભા રહ્યા. એકસીડન્ટ થયો એની લગોલગ એક ભવ્યાતિભવ્ય મહેલ જેવું ઘર હતું. દસ બંગલા સમાઈ જાય એટલો તો માત્ર એમનો બાગ અને છતાંય એમણે રોડ પરની જગ્યામાં પાંચ ફૂટની જગ્યા પર પોતાની માલિકી જમાવવા ગેરકાયદેસર તારની વાડ કરી છે, જેને કારણે રોડ વધુ સાંકડો બની જાય છે. એકસીડન્ટને કારણે એમની એ વાડ થોડી વાંકી વળી ગઈ હતી. વધુમાં વધુ 200-300 રૂપિયાના ખર્ચાની જ એ વાત હતી. એ મહેલ જેવા ભવ્ય બંગલાના કંગાળ શેઠાણી, આ આખી ઘટનામાં માત્ર અને માત્ર પોતાના નુકસાનની જ ચિંતા કરતા હતા. કારચાલકે વળતર ચૂકવવાની ખાતરી આપી, પછી જ એમનો જીવ હેઠો બેઠો. પૈસાથી સ્ટેટસ બદલાય, સંસ્કાર નહીં. આ જ વાતને સમજાવતાં પ્રસિદ્ધ ફ્રેંચ ફેશન ડીઝાઈનર કોકો શનલ કહે છે:
કેટલાક લોકો પાસે ‘પૈસા’ હોય છે,
અને બીજા કેટલાક ‘સમૃદ્ધ’ હોય છે.
હા, કેટલાંક સુધા મૂર્તિ-નારાયણ મૂર્તિ જેવા માણસો પૈસા અને સંસ્કાર- બંનેથી સમૃદ્ધ હોય છે.
દરેક પાપ એ ગુનો નથી હોતો અને એમ જ દરેક ગુનો પણ પાપ નથી હોતો. ગુના અને પાપ વચ્ચેનો ભેદ સમજવા જેવો છે. આ ભેદ એટલો તો સૂક્ષ્મ છે કે ગરબડ થવાની ચોક્કસ શક્યતા છે. એક ઉદાહરણ દ્વારા મારી વાત સમજાવું. કોઈક એક વિવાદમાં તમે જાણો છો કે સત્ય કોને પક્ષે છે. તમારો અભિપ્રાય એક નિર્દોષને હેરાનગતિથી બચાવી શકે એમ છે, છતાં પણ તમે કપટી મૌન ધારણ કરો છો. આ સ્થિતિમાં તમે દુન્યવી દૃષ્ટિએ કોઈ ગુનો નથી કરતા અને છતાય એક નિર્દોષને અન્યાય કરવાનું પાપ કરો છો. માણસનો escapist સ્વભાવ એને આવા સંજોગોમાં બહાદુરીપૂર્વકstand લેતાં રોકે છે. યાદ રહે, પારકી પંચાત અને stand  લેવામાં કે પછી યોગ્ય બાબતમાં વેચાતી વહોરવામાં ઘણો ફરક છે. બાકી, ગોસીપ તો આપણો સ્વભાવ છે !
હવે ઢાળની બીજી બાજુ સમજીએ: દરેક ગુનો, પાપ નથી હોતો. ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા માટે અહિંસક રીતે સવિનય કાનૂનભંગ કર્યો. ગાંધીજીએ ગુનો કર્યો અને એને માટે વારંવાર જેલમાં પણ ગયા, પણ પાપ નહોતું કર્યું. એમણે તો દેશને સ્વતંત્ર અપાવવાનું પુણ્યકાર્ય કર્યું હતું. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ દ્વારા પાંડવોને અપાયેલી રણનીતિ અંગેની સલાહમાં પણ આ સૂક્ષ્મ ભેદ છતો થાય છે.
એક ભિખારી એક ધનપતિના ઘરે ભીખ માગવા ગયો. એણે ભીખ માગી ત્યારે ધનપતિ પૂજા કરતો હતો. એમણે ભિખારીને રાહ જોવાનું કહ્યું. ભિખારીએ જોયું કે ધનપતિ હાથ જોડીને ઈશ્ર્વર પાસે વધુ સમૃધ્ધિ માટે આજીજી કરી રહ્યો હતો. આ સાંભળીને ભિખારી ભીખ લીધા વગર જ આગળ ચાલવા માંડ્યો. ત્યાં જ પેલો ધનપતિ આવ્યો અને ભીખ આપવા માંડ્યો, પણ ભિખારી રોકાયા વગર આગળ ચાલવા માંડ્યો. જતાં જતાં ભિખારી બબડ્યો: ‘એક ભિખારી બીજા ભિખારીને શું ભીખ આપી શકે?!’
મોટાભાગના લોકો માટે પૂજા-પાઠ એટલે ભગવાન સાથેની લેવડદેવડ! આપણી ભક્તિ પણ ‘જો’ અને ‘તો’ની મોહતાજ છે: ‘હું રોજની આટલી માળા કરીશ, તમે મારી આ ઈચ્છા પૂરી કરજો’, ‘જો મને ફલાણું પ્રાપ્ત થાય, તો હું દસ નારિયેળ ચઢાવીશ.’ બાધા એટલે માણસનો ભગવાન સાથેનો MOU કરવાનો નિષ્ફળ પ્રયાસ. આપણી તો ભક્તિમાં પણ "conditions apply' જાપ કરતી વખતે પણ નજર અને મન સતત પૈસા, ઈર્ષ્યા, ગણતરી અને ક્રોધમાં રમમાણ હોય, તો દિવસની દસ માળા જપવાનો પણ કોઈ અર્થ નથી. માણસને ભગવાન પાસે શું માંગવું એ સમજ પડે તો જ એની પ્રાર્થના સાર્થક. કવિ ટાગોર એમનાં પ્રાર્થના-કાવ્યમાં ભગવાન પાસે શું માંગે છે:
અંતર મમ વિકસિત કરો અન્તરતર હે,
નિર્મળ કરો, ઉજ્જ્વલ કરો, સુંદર કરો હે...
આજનો માણસ દિવસમાં દસ વાર sorry  કહેતો ફરે છે. આપણું sorry પણ આપણા જેટલું જ તકલાદી અને પ્લાસ્ટિકિયું. સાચુંsorry  એટલે કશુંક ખોટું કર્યા બદલ માત્ર પસ્તાવો જ નહીં, એ ભૂલ ફરી ન થાય એની પ્રબળ ઈચ્છા અને એનો સંકલ્પ. સાચા પસ્તાવાથી સુંદર કોઈ પ્રાર્થના હોઈ શકે ખરી! સાચા પસ્તાવામાં પશ્ર્ચાતાપ સમાયેલો હોય છે. કવિ કલાપીએ કહ્યું છે એમ:
હા પસ્તાવો વિપુલ ઝરણું,
સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને,
પુણ્યશાળી બને છે.

Advertisement