ખમીરવંતા ઇતિહાસની સાખ પુરાવતું ઉત્તમ સંગ્રહાલય


Advertisement

પ્રાચીન ભારતની સંસ્કૃતિ છતી કરતા કલાત્મક શિલ્પોથી શરૂ કરીને ખમીર વંશના પાંચમીથી આઠમી સદીનાં અદભુત શિલ્પોની ઝાંખી કરાવતું ‘ધ નેશનલ મ્યુઝિયમ ઓફ કંબોડિયા’ કલાત્મકની સાથોસાથ તેના ભવ્ય ને સમૃદ્ધ ઈતિહાસની પ્રતીતિ કરાવે છે.

 

થાઈલેન્ડની પૂર્વ દિશાનો પાડોશી દેશ એટલે કમ્બોડિયા. જોતા જ ગમી જાય તેવો અનેરો દેશ. અલબત અહીં લાંચ રીશવત ખુબ ચાલે છે. પણ લોકોનો સ્વભાવ ખુબ મળતાવડો અને હેલ્પફુલ છે. જેનો ઈતિહાસ પણ ઘણો જુનો અને રસસભર છે. સ્વાદિષ્ટ વ્યંજનો અને જીવંત નાઈટલાઈફ. કમ્બોડિયા એક એવો દેશ છે કે જે હજી 1975 થી 1979 વચ્ચે થયેલા નરસંહારના આઘાતમાંથી બહાર નથી નીકળી શક્યો. અને સ્વાભાવિક છે જે દેશે માત્ર 40 વરસ પહેલા જ 20 થી 30 લાખ લોકોની કતલ જોઈ હોય તેના ઘાવ હજી રૂઝાયા ન હોય. આ ગરીબ દેશમાં હજી જોઈએ તેવી સુવિધાઓ નથી પરંતુ તેની સંસ્કૃતિ અને વૈવિધ્યતા એટલી જ રસજણસ છે. અને બીજી સો આનાની વાત એ કે પ્રવાસીઓના ખિસ્સાને પોસાઈ શકે તેવો દેશ છે.
જાજરમાન સંસ્કૃતિ અને ભવ્ય ઈતિહાસની સાખ પુરાવતું અદ્વિતીય સંગ્રહાલય
આમ તો ભારતમાંથી બહુ જ ઓછા પ્રવાસીઓ કંબોડિયા ફરવા જાય છે. અને જે જાય છે એમના મોટાભાગના કંબોડિયા અને વિયેતનામ આ બે પાસે પાસે આવેલા દેશોનો એકીસાથે પ્રવાસ ખેડી નાંખે છે. જેમાં થોડાંક દિવસો વિયેતનામની રાચરચીલી આભા માટે ફાળવે છે તો દેખાડો દેવા ખાતર બેએક દિવસ કંબોડિયા માટે અનામત રાખે છે. અને કંબોડિયા પહોંચી ત્યાંથી થોડા જ અંતરે આવેલ અંગકોર વાટના વર્ષો જૂના હિંદુ મંદિરોની બાંધણીને જોવા જાય છે. કંબોડિયાના પાટનગર ફનોમ પેન જવાનું તેઓ ટાળે છે. આથી ફનોમ પેનમાં આવેલ ‘ધ નેશનલ મ્યુઝિયમ ઓફ કંબોડિયા’માં સૂતેલા વિષ્ણુ ભગવાનની જે ભવ્ય બ્રોન્ઝની મૂર્તિ છે એ જોવાનું તેઓ ચૂકી જાય છે. આ જ પ્રમાણે આ મ્યુઝિયમમાં છઠ્ઠી સદીમાં ઘડવામાં આવેલ આઠ હાથવાળા વિષ્ણુ ભગવાનનું અદભુત શિલ્પ તેઓ જોઈ નથી શકતા.
ફનોમ પેનમાં આવેલ ‘ધ નેશનલ મ્યુઝિયમ ઓફ કંબોડિયા’માં સુગ્રીવ અને બાલી આ બે રામાયણના વાનરોને દ્વંદ યુદ્ધ કરતા લાઈફ સાઈઝથી પણ મોટી કદનું અદભુત શિલ્પ છે. એ જોતા જ તમને રામનો વનવાસ અને એ સમયે એમનું દક્ષિણ તરફનું પ્રયાણ અને ત્યાં એમણે જોયેલ આ બે વાનરોનું દ્વંદ યુદ્ધ, આખું રામાયણ તમારી આંખ સામેથી પસાર થઇ જાય છે.
કલા, કૌશલ્ય અને ઐતિહાસિકતાનો ત્રિવેણી સંગમ
ચાર પેવેલિયનમાં વહેંચાયેલું કંબોડિયાનું આ મ્યુઝિયમ રોયેલ પેલેસથી થોડે દૂર ઉત્તરમાં આવ્યું છે. ખમીર વંશજોની ટ્રેડિશ્નલ સ્ટાઈલમાં ટેરા કોટા વડે એ મકાન બનાવવામાં આવ્યું છે. વિશ્ર્વમાં કશેય જોવા ન મળે એવા ખમીર શિલ્પોનો ઉત્તમ સંગ્રહ આ મ્યુઝિયમમાં છે.
પ્રાચીન ભારતની સંસ્કૃતિ છબી કરતા કલાત્મક શિલ્પોથી શરૂ થઈને ખમીર વંશના પાંચમીથી આથમી સદીના અદભુત શિલ્પો આ મ્યુઝિયમમાં આકર્ષક રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સદીઓ પુરાણા એ શિલ્પોની જાળવણી આ અતિશય ગરીબ દેશે અદભુત રીત કરી છે. આજે જેના ચલણની વિશ્ર્વમાં કોઈ જ કિંમત નથી અને જે દેશની ગણના થર્ડ વર્લ્ડમાં થાય છે, એવા કંબોડિયામાં આવું ભવ્ય સુંદર અને જેની કિંમત કરોડો અબજો ડોલરમાં થઇ શકે એવા અદભુત કળાના, સંસ્કૃતિ, શિલ્પના નમૂનાઓ ધરાવે છે.
એક બાજુ શિવ, બીજી બાજુ લક્ષ્મી અને વચ્ચે વિષ્ણુ, હિંદુઓના આ ત્રણ અતિ પૂજનીય દેવો અને દેવીનું એક અતિ સુંદર શિલ્પ આ મ્યુઝિયમની સાઉથ ગેલેરીમાં જ્યાં પેલા બે લડતા વાનરોના રાક્ષસી કદનું શિલ્પ મૂકવામાં આવ્યું છે. ત્યાં જોતા ધાર્મિક વૈષ્ણવ મુલાકાતીઓ ગદગદ થઇ જાય છે.
દેવી લક્ષ્મીનું 13મી સદીનું એક બીજું અપ્રતિમ કહી શકાય એ શિલ્પમાં દેવીનું કેશ શંકુ આકારનું છે. એમના ગળાના હારની ડિઝાઈન ઉપરથી નક્કી કંઇ કેટલાંય આભૂષણ ઘડનારાઓએ પ્રેરણા લીધી હશે. આ દેવીની ભ્રમરો એકબીજા જોડે જોડાયેલી છે. આંખો અને મુખ પરનું સ્મિત જો તમે એ શિલ્પના મુખને ધ્યાનથી થોડી મિનિટો જોશો તો જાણે મારું પૂજન કરો છો એ બદલ ધન્યવાદ. આમ કહેતું જણાશે. એમના કાનમાં લટકાતા લવિંગિયા, કમરપટ્ટો અને શરીરે વિંટાળેલી સાડી આ સૌ જોતા તમે નક્કી એના ઘડનારા શિલ્પીને શાબાશી આપશો.
માનવ મહેરામણની વચ્ચે પાંગરતો પક્ષી વૈભવ
ખમીર આર્ટમાં પક્ષીઓના રાજા ગરૂડને માનવનું શરીર, પાંખો, ચાંચ, પૂંછડી અને પીંછા આ સર્વે વડે દર્શાવવામાં આવે છે. આવું એક 13મી સદીનું ગરૂડનું અદભુત શિલ્પ આ મ્યુઝિયમમાં છે. દંતકથા મુજબ ગરૂડ એકવાર વિષ્ણુ ભગવાન જોડે શરત હારી ગયા અને એમનું વાહન બની ગયા. આ શિલ્પમાં ગરૂડના ખભા ઉપર વિષ્ણુ ભગવાન અને એમની બેઉ બાજુ દુર્ગા માં ઉભા છે. ગરૂડના બેઉ હાથ બેઉ બાજુએ ફેણ ફેલાવીને ઉભેલા નાગના માથા ઉપર છે. જેમને શિલ્પ કળામાં રસ હશે તેઓ આ શિલ્પને જોતા મંત્રમુગ્ધ બન્યા સિવાય નહીં રહે.
બુદ્ધના જે અસંખ્ય બ્રોન્ઝના તેમજ અન્ય ધાતુઓના અને પથ્થરના બેનમુન શિલ્પો આ મ્યુઝિયમમાં ઠેર ઠેર પ્રદર્શિત કરાયા છે. એમાં સાઉથ ગેલેરીમાં મૂકવામાં આવેલ 13મી સદીનું, બુદ્ધ ભગવાનને એની ફેણથી રક્ષણ આપે છે. એવું નાગ ઉપર બેઠેલ અને એમની જમણી બાજુ લોકેશ્ર્વરા અને ડાબી બાજુએ પ્રજનના પરામીતા દેવીનું શિલ્પ અદભુત છે.
કલા અને ધર્મનો સુભગ સમન્વય
આ મ્યુઝિયમની બધી જ ગેલેરીઓમાં મુખ્યત્વે વિષ્ણુ, શિવ, બુદ્ધ આમ જુદા જુદા દેવીદેવતાઓના જ શિલ્પો છે. પશ્ર્ચિમની ગેલેરીમાં વિષ્ણુ ભગવાનનું ચાર હાથવાળું સૌમ્ય મુખ ધરાવતું અને સુંદર ડિઝાઈનવાળા વસ્ત્રો ધારણ કરેલ 15મી સદીની એક મૂર્તિ ખાસ ધ્યાન ખેંચે છે. વિષ્ણુ ભગવાને જે ત્રિકોણ આકારના આભૂષણો એમના ગળામાં ધારણ કર્યા છે અને શરીરથી વેગળા એમના જે હાથો છે, એ જોતા એવું માનવામાં આવે છે કે આ મૂર્તિ અંકોરીયન રાજાઓના સમય પછીની છે. આમાં ભગવાન વિષ્ણુ બે ઉપકરણો પહેરેલા જોવામાં આવે છે. એમાં જે ડિઝાઈનો દ્રષ્ટિમાન થાય છે એ તે સમયના લોકો કેવો પહેરવેશ પહેરતા હશે એનો ખ્યાલ આપે છે. આ મૂર્તિનું સૌથી વધુ વખાણવાલાયક અને આકર્ષક પાસું છે વિષ્ણુ ભગવાનના મુખ ઉપરના પ્રદર્શિત થતા ભાવો.
મોટાભાગના મ્યુઝિયમના મુલાકાતીઓ જે તે મ્યુઝિયમમાં મૂકવામાં આવેલ બે-ચાર શિલ્પો, પેઇન્ટિંગ્સો કે ચીજવસ્તુઓ જેના વારંવાર ભારોભાર વખાણ કરવામાં આવ્યા હોય એ જ તેઓ જ્યારે એ મ્યુઝિયમ જોવા જાય છે ત્યારે જોવાનો આગ્રહ રાખે છે. મ્યુઝિયમમાં મૂકવામાં આવેલ અસંખ્ય અન્ય ચીજવસ્તુઓ તરફ તેઓ ખાસ ધ્યાન નથી આપતા. એ બધા ઉપર એક ઉડતી નજર કરી તેઓ જેના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હોય છે એ જોઇને મ્યુઝિયમની બહાર નીકળી જાય છે.
ઉત્કૃષ્ટ કલાકાંડે સર્જેલ વૈયક્તિક વૈભવ
ફનોમ પેનમાં આવેલ ધ નેશનલ મ્યુઝિયમ ઓફ કંબોડિયામાં પ્રદર્શિત શિલ્પોના કોઈએ યુરોપ, અમેરિકાના શિલ્પકારો કે પેન્ટરોના જેવા વખાણ કર્યા છે એવા નથી કર્યા. આથી આ નેશનલ મ્યુઝિયમ જોવા બહુ ઓછા મુલાકાતીઓ જાય છે જેઓ ત્યાં જાય છે તેઓ પણ આટલા સુંદર શિલ્પો ધરાવતા આ મ્યુઝિયમને એક કલાકથી ઓછા સમયમાં ફટાફટ જોઇને બહાર આવે છે. આમ કરતાં આ મ્યુઝિયમમાં જે ઉત્તમ કળાના, ઉત્તમ કારીગરીના ઉત્તમ સંસ્કૃતિના નમૂનાઓ મૂકવામાં આવ્યા છે એને બારીકાઈથી જોવાનું તેઓ ચૂકી જાય છે અને એની ખૂબીઓ તેઓ જાણી નથી શકતા.
વિશ્ર્વમાં સૌપ્રથમ ગણાતા પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં મૂકવામાં આવેલ લિયોનાર્ડો-દ-વિન્ચીના મોનાલિસા પેઇન્ટિંગના એટલા બધા વખાણ કરવામાં આવ્યા છે કે મોટાભાગના ભારતીયો જ્યારે આ લુવ્ર મ્યુઝિયમની મુલાકાત લે છે ત્યારે ત્યાં પ્રદર્શિત કરવામાં આવેલ હજારો કળાની કૃતિઓ ન જોતા મ્યુઝિયમમાં પ્રવેશતા જ સીધા દોડતા દોડતા મોનાલિસાનું પેઇન્ટિંગ જે કક્ષમાં મૂકવામાં આવ્યું છે ત્યાં પહોંચી જાય છે. પછી સાંભળેલી અને વાંચેલી વાતો યાદ કરીને ‘વાહ! શું અદભુત પેઇન્ટિંગ છે’ એવા ઉદ્ગારો કાઢે છે. એ પેઇન્ટિંગની નજીક ઉભા રહી ફોટાઓ પડાવે છે અને બસ લુવ્રમાં બધું જોવાઈ ગયું હોય એમ પાછા બીજા બધા પ્રદર્શિત કરાયેલ પેઇન્ટિંગ્સ, શિલ્પો અને અન્ય ચીજો ઉપર પડતી નજર નાખી બહાર નીકળી જાય છે.
મોનાલિસાનું પેઇન્ટિંગ જે કક્ષમાં મૂકવામાં આવ્યું છે. એ પેઇન્ટિંગની બરાબર સામેની દીવાલ ઉપર એ આખી દીવાલના કાળ જેટલું જ પોલો વેરોનીઝનું વેડિંગ એટ કેનાનું અદભુત પેઇન્ટિંગ કદાચ મોનાલિસા કરતાં પણ વધુ સુંદર, પ્રદર્શિત કરાયું છે. પણ એ કક્ષમાં જનાર 90 ટકા લોકો એ પેઇન્ટિંગ તરફ દ્રષ્ટિ સુધ્ધાં નથી કરતા! માત્ર ભારતીયોની જ નહિ વિશ્ર્વના બધા જ લોકોની આ ગાડરિયા વૃતિ છે. જેના વખાણ ખૂબ થયા હોય જેનું માર્કેટિંગ પુષ્કળ થયું હોય એ જ સારું અને એક જે જુએ એ જ બીજો જોવા જાય એવી ગાડરિયા મનોવૃત્તિ ફક્ત ઘેટાબકારાઓમાં જ નહિ પણ માનવીઓમાં પણ જોવા મળે છે.
કલાત્મકતા અને સર્જનાત્મકતાનું
ઉજળું પ્રતિબિંબ
કંબોડિયા પાટનગરમાં આવેલ ધ નેશનલ મ્યુઝિયમ ઓફ કંબોડિયાની વેસ્ટ ગેલેરીમાં 15મી સદીમાં ઘડવામાં આવેલ્ક આભૂષણથી લદાયેલ વિષ્ણુ ભગવાનની જે મૂર્તિ મૂકવામાં આવી છે એને જો ધ્યાનથી જોવામાં આવે, એમના મુખ ઉપરના જે હાવભાવો છે એનું બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવે તો નક્કી તમને એમ લાગશે કે ‘મોનાલિસાના સ્મિતને મહાત કરે છે અંગકોર વાટના શિલ્પો.’
આ મ્યુઝિયમની નોર્થ ગેલેરીમાં પૌરાણિક સમયની પાલખીઓ, એ સમયે વપરાતી વિવિધ ચીજવસ્તુઓ, લાકડાના પૂતળાંઓ, રસોઈ માટે વપરાતા વાસણો, આયુધો આ સર્વે જોતા, મોટાભાગના ભારતીયો માટે આજે પણ જે અણજાણ દેશ છે એ કંબોડિયામાં વર્ષો પહેલા કેવી જાહોજલાલી હતી એની પ્રતીતિ
થાય છે.
ફનોમ પેનમાં આવેલ ‘ધ નેશનલ મ્યુઝિયમ ઓફ કંબોડિયા’માં પ્રદર્શિત કરાયેલ સુંદરતાના નમૂનાઓ મુખ્યત્વે અંગકોર વાટના જે બે હજાર વર્ષ જૂના હિંદુ મંદિરો હતા એમાંથી પ્રાપ્ત થયા છે. અને એથી જ જ્યાં નજર દોડે ત્યાં અલભ્ય સંસ્કૃતિના દર્શન થતા કંબોડિયાના અનેકાદિક સંગ્રહાલયોમાં ‘ધ નેશનલ મ્યુઝિયમ ઓફ કંબોડિયા’ સાચે જ ઉત્તમ સંગ્રહાલયોમાનું એક છે.

 

 

Advertisement