સ્ટ્રીટ ફુડનો વૈભવ, વરાયટી અને બજેટનો સંગમ!


Advertisement

મસ્કાબન:
खुद को खुश रखिए ...
बड़ी जिम्मेदारी है ...

જે પાંચ વાગ્યાનો માહૌલ, અમદાવાદના સીજી રોડ પર આવેલી મ્યુનિસિપલ માર્કેટનું દ્રશ્ય છે. કેટલાક ટાઈ પહેરેલા જુવાનિયાઓ સિગરેટ ફૂંકી રહ્યા છે અને બીજા હાથમાં ગરમાગરમ પ્લાસ્ટિકનાં ચાનાં કપ છે! ઓફિસની કોઈ સેક્સી છોકરીથી લઇ હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ સુધીની ચર્ચાઓ ચાલી રહી છે. ચાની ચુસ્કી લેવાઈ જ રહી છે ત્યાં જ ચાર પ્લેટ્સ ભરીને નાસ્તો આવે છે અને જુવાનિયાઓ સિગરેટ પગથી દબાવી એના પર તૂટી પડે છે. યસ, સ્ટ્રીટ ફૂડ એટલે હાથ વગી અને સૌને પોસાય એવી જન્નત! ઇંગ્લિશમાં એક ખુબ જ સરસ શબ્દ છે ‘ફૂડ પોર્ન’. સની લિયોનીવાળું પોર્ન નહિ પણ સરસ મજાની વાનગીને શક્ય એટલી આકર્ષક રીતે સજાવવામાં આવે, એનું ગાર્નિશિંગ કંઇક એ રીતે કરવામાં આવે કે રીતસરએ સામેવાળી વ્યક્તિને લલચાવી દે એના માટે ફૂડ પોર્ન શબ્દ વપરાય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં રેસ્ટોરન્ટસનાં મળતા ફૂડના ભાવ તેલ-મસાલા, શાકભાજી અને સતત વધતા જતા સર્વિસ ટેક્સના લીધે એટલા વધ્યા છે કે મધ્યમ વર્ગીય માણસ કાયમ નિયમિત રીતે તો બહાર જમવાનું વિચારી પણ ન શકે. કોઈ પણ પંજાબી સબ્જી પ્રમાણમાં ઠીકઠાક રેસ્ટોરન્ટમાં હવે 160-180 રૂપિયાથી ઓછામાં નથી મળતી, તો બીજી તરફ સિઝલર્સ 1200 રૂપિયા સુધીની રેન્જમાં આવે છે. મેક્સિકન કે થાઈ ફૂડ તો વળી વધુ રૂપિયા ખર્ચતા પણ એની કવોન્ટિટી ઓછી આવશે. તો આ બધા પ્રશ્ર્નોનો ઉકેલ શું?

Image result for george town street food
ક્યારેય કોલેજ કે ઓફિસથી છૂટીને સેવપુરી કે પાણીપુરી તો ખાધી જ હશે ને? ચોમાસામાં તો અમદાવાદમાં વરસાદનું પહેલું ઝાપટું આવ્યું નથી કે દાળવડાની મહેફીલો જામવા માંડે. યસ, સ્ટ્રીટફૂડ એ ભારતમાં હોટેલ્સ અને રેસ્ટોરન્ટ ની સાથે ચાલતી પેરેલલ ઇન્ડસ્ટ્રી છે જેનું ટર્નઓવર બિલિયન ડોલર્સ માં છે! એક સરેરાશ ગુજરાતી વિદેશ ફરવા જશે તો પણ એને ત્યાં ખમણ અને પાત્રા જોઇશે જ એમ આપણે ત્યાં દર નવેમ્બર-ડિસેમ્બરમાં કોઈ માઈગ્રેટરી પક્ષીઓની જેમ આવી ચઢતા એનઆરજી સગાઓ પણ ગુજરાત આવે એટલે એમને સેવપુરી થી સમોસા અને લોચોથી જાતભાતનાં ખાખરા એવું બધું જ ખાવાનો ચસકો લાગે.
સ્ટ્રીટફૂડ બિનસાંપ્રદાયિક છે, એને વાડા-સંપ્રદાય-જાતિ-પેટાજાતિ થી કોઈ ફર્ક નથી પડતો. તમે ચનાજોરગરમ બનાવતા ફેરિયાને એનો ધર્મ પૂછો છો? સ્ટ્રીટફૂડ સાયકલ થી ઉતરેલા મિલ ના મજુર થી માંડી મર્સિડીઝ સ્પોર્ટ્સ કારમાં બેસીને સેવપુરી ખાતા જુવાનિયા વચ્ચેનો એક બ્રિજ છે! આ તો હળવી વાતો થઇ, પણ ખરેખર સ્ટ્રીટફૂડ આપણી રૂટિન લાઈફનો એક અભિન્ન હિસ્સો છે. ચાલો એક લટાર મારીએ ગુજરાત અને ભારતના કેટલાક મોટા શહેરોના ચુનંદા સ્ટ્રીટ ફૂડ પર, શું મળે છે અને શું સૌથી વધુ ખવાય છે?


શરૂઆત રાજકોટથી જ કરીએ, કાઠિયાવાડનું શહેર હોય અને ભજીયાથી શરૂઆત ન થાય એ ચાલે? વાટીદાળ, મેથી, કાંદા, કેળા અને બટાકા ના ભજિયા સાથે ખજુર અને આમલીની ચટણી મળે તો શામળા ને જ નહિ, પણ એક એક કાઠીયાવાડીને જીવતાજાગતા સ્વર્ગની અનુભૂતિ થાય જ, એ સિવાય સાધનાની ભેળ, જામનગરની જેમ અહીં પણ ઘૂઘરા ખાસ્સા લોકપ્રિય છે, વણેલા ગાંઠિયા જેને અમદાવાદમાં ફાફડા કહે છે એની સાથે લીલા તળેલા મરચા અને ડુંગળીનું કોમ્બિનેશન વિરાટ-અનુષ્કાની જોડી કરતા પણ વધુ ચુંબકીય છે. એ સિવાય સિયારામના પેંડા, રસિકભાઈનો ચેવડો પણ એટલો જ લોકપ્રિય છે.
અમદાવાદમાં રાજસ્થાની રસોઈયાઓની સંખ્યા વધુ હોઈ અહીંની તુવેર દાળથી લઇ દરેક રસોઈમાં રાજસ્થાની છાંટ આવે જ અમદાવાદીઓ ફૂડ પાછળ ઘેલા, અહીંનો માણેકચોક રાત્રે સોનીબજાર માંથી ખાણીપીણીની માર્કેટમાં તબદીલ થઇ જાય અને પછી તો આઈસ્ક્રીમ સેન્ડવિચ થી માંડીને જિની અને ગ્વાલિયર (ચિઝ-બટર થી લથબથ) ઢોંસા મળે અને અઠવાડિયાની કોઈ પણ રાત્રે અહીં ખુરશી ખાલી જોવા ન મળે. એ સિવાય, સીજી રોડ પર વિક્રમજનક સેવપુરી ખવાય છે, હાંડવો અને પૌંવા એ અમદાવાદીઓનો સૌથી મનગમતો નાસ્તો છે. અહીં અમેરિકન મકાઈને બટર કે ચિઝ સાથે ખવાય છે તો કોલેજીયન અને પુરોહિત બ્રાન્ડની સેન્ડવિચ,કોલ્ડ કોકો અને કોલ્ડ કોફી પાછળ છોકરીઓ ઘેલી થઇ જાય છે. ગુજરાત અને અંબિકાના દાળવડા, સાબરમતી જેલના ભજિયા, મોઢામાં કપૂર નાખેલું સળગતું ‘ફાયર પાન’ પણ ઠીક ઠીક લોકપ્રિય ખરું. ઉનાળામાં એમ તો રાત્રે અમદાવાદીઓ 200 રૂપિયાની આઈસડીશ ખાતા પણ અચકાતા નથી, નોનવેજમાં જુના અમદાવાદમાં આવેલા ત્રણ દરવાજા પાસે ભટિયાર ગલીમાં મટન સમોસા અને કબાબ પણ ખાસ્સા લોકપ્રિય. શહેરમાં આઈઆઈએમ સામે અને લો ગાર્ડન પાસે આખી ફૂડ સ્ટ્રીટ તૈયાર થઇ છે જ્યાં એગ ઢોસાથી લઇ મસ્કાબન અને મેક્સિકન ક્વિસેડીયા અને ટાકોઝ ખાવા મળી જાય એ પણ મસ્ત ટોર્ટીલા સૂપ સાથે. અમદાવાદમાં રવિવારે સાંજે ચૂલો લગભગ સળગતો જ નથી.
સુરતના હુરટીઓ ઘારી તો ખાય જ છે, પણ વર્ષો થી ખવાતો લોચો હવે નવી મેક્સિકન વરાયટીમાં મળવાથી ખાસ્સો લોકપ્રિય થયો છે. એ સિવાય, લીંબુમરી સેવ સાથે ખવાતી પોંક એ ખુબ જ હેલ્ધી ફૂડ પણ ખરું. ભાઈભાઈ એગ સેન્ટર નો સુરતી ગોટાળો, સિલ્ક ખમણ જેવી વરાયટી, મગદલ્લા થી ડુમસ સુધી લોકો હાઈવે પર સ્ટ્રીટ ફૂડ ખાવા રીતસર ઉમટી પડે છે. સિટી લાઈટ રોડ પર આવેલી ક્રિષ્ના આલુપુરી પણ સુરતમાં ખાસ્સી પ્રખ્યાત છે. ઝાંપા બજાર પર સવારે મળતો બાર હાંડી નાસ્તો એ કાચા પોચા તો ખાઈ જ ના શકે! જલારામ નો સુરતી લોચો એ નિયત માં ‘લોચો’ લાવી દે એ નક્કી છે.


વડોદરામાં પણ ‘જગદીશ’ ની ભાખરવડી, ‘પાયલ’ના થેપલા ખુબ જ મોટી બ્રાન્ડ બની ગયા છે. ગાંધી બેકરીના પફ, કિસ્મત કાઠીયાવાડી પરોઠા ખાવા પણ લોકો છેક દુર દુર સુધી આવે ખરા. છતાં સંસ્કારનગરી બીજા શહેરો જેટલી ફૂડ બાબતે એટલી ક્રેઝી નથી.
આ તો વાત થઇ ગુજરાત ની પણ, બોમ્બે ના સુકા વડાપાઉં, સેવ ઉસળ, કાંદા ભજી, સાબુદાણા ની કાંજી એ દરેક મરાઠી માણુસ માટે મસ્ત છે! પુણે માં તો એગ્સ કેજરીવાલ કરીને બહુ ફેમસ આમલેટ બ્રાન્ડ છે અને એક ફારુક ભાઈ કા ખીચડા કરીને સ્પેશિયલ મસાલા અને ગળ્યા ખીચડા ની જ લારી છે, તો ઉતરપ્રદેશમાં લોંગલતા એ લવિંગની બરફી છે, હૈદરાબાદમાં વળી કરાચી બિસ્કીટ અને પાયા સાથે નુરખાન માર્કેટની બદામ કી જાલી પણ ફેમસ ખરી. દિલ્હીના કબાબ હોય કે બિહારનું સત્ત્તુ અને લિટ્ટી ચોખા કે પછી ચેન્નઈના લેમનરાઈસ અને બોન્ડા સાંભર! સ્ટ્રીટ ફૂડ તો જાણે મનગમતી પ્રેમિકા સાથે સતત થતો લવ! ખૂટે જ નહિ, પેટ ભરાય પણ નિયત નહિ! સ્ટ્રીટ ફૂડ જ એક કડી છે જે સમગ્ર ભારતના આટલા વિશાળ કલ્ચરને જકડીને રાખે છે, એ પણ બજેટમાં!

ડેઝર્ટ:
मैं तमाम दिन का थका हुआ तू तमाम शब का जगा हुआ
ज़रा ठहर जा इसी मोड़ पर तेरे साथ शाम गुज़ार लूँ ..
~ बशीर बद्र

Advertisement