શું ત્રણ લાખની કંકોત્રીમાં ચિપ્સ મૂકી છે ?


Advertisement

મે તો કોઈ દિ’ રાજવી પરિવારના લગ્નમાં ગયા નથી. છેલ્લે ઈંગ્લેન્ડમાં પ્રિન્સ હેરીના લગ્નનું આમંત્રણ પણ અમને નહોતું મળ્યું. અરે, અનુષ્કા કે સોનમ જેવી ગર્લ નેક્સ્ટ-ડોરના લગ્નમાં પણ અમને આમંત્રણ નહોતું. અને જેના વિડીયો જોઇને તમારું મોઢું પહોળું થઈ ગયું છે તે ઈશા અંબાણીના લગ્નની ત્રણ લાખની કંકોત્રી પણ હજુ સુધી અમને નથી મળી. હવે જો તમે એમ માનતા હોવ કે જે લેખક અંબાણીના ઘેર મહેમાન બની શકે એ જ મહાન, તો ભલે એમ માનો.પણ વાત અમારી નથી કરવી, આપણે વાત કરીએ ત્રણ લાખની કંકોત્રીની.
- ત્રણ લાખની કંકોત્રી આપવા માટે મુકેશભાઈ એક કિલોમીટર ચાલ્યા એ સમાચાર હેડલાઈન બન્યા છે. મુકેશભાઈ ચાલે છે, અનિલભાઈ દોડે છે એમાં સમાચાર બને છે. પણ આપણા ચંપલના તળિયા તો બેન્કના ધક્કા ખાઈને ઘસાઈ જાય છે તોયે બેન્કનો પટાવાળો પણ એની નોંધ નથી લેતો.
- એવું જાણવા મળે છે કે કંકોત્રીની કિંમત ત્રણ લાખ છે એ સમાચાર નીતાબહેને પોતે જ લીક કર્યા છે જેથી કોઈ પાંચ લાખથી ઓછો ચાંદલો કરવાની હિમ્મત ના કરે.
- ચાંદલાની ‘અપસેટ પ્રાઈસ’ સાંભળીને ગુજરાતના અમુક લેખક-પત્રકારો,કે જેમને કંકોત્રી મળવાની વકી હતી, તે લીસ્ટમાંથી પોતાનું નામ કઢાવવા મુંબઈ દોડ્યા છે.
- કંકોત્રીનો ભાવ ત્રણ લાખ જીએસટી સાથે છે કે વગર એ અંગે તપાસમાં ધમધમાટ. જોકે આ પાર્ટી પાસેથી કમાવવાની સરકાર સહિત ભાગ્યે જ કોઈને આશા હશે.
- કંકોત્રી એટલી વજનદાર છે કે કંકોત્રી આપવા માટે મુકેશભાઈ સાથે જનાર વ્યક્તિની ભરતી માટે સિક્સ પેક એબ્સ હોવાની ઓછામાં ઓછી જરૂરીયાત હશે.
- કંકોત્રી એટલી મોટી છે કે બારણા નીચેથી સરકાવીને જતું રહેવું અશક્ય છે. એટલે કંકોત્રી આપવા જનારે પરાણે યજમાન પીવડાવે જેવા-તેવા ચા-કોફી પીવા પડે.
- કંકોત્રીના હજુ સુધી ફ્રાંસ, ઇટાલી, કે પછી આપના દેશી કળા વિવેચકે હજુ સુધી વખાણ નથી કર્યા. વાટાઘાટો ચાલુ છે.
- કંકોત્રીનો કોઈ વીમો નથી. કંકોત્રી તમારા ઘરમાં આવે પછી એ તમારે સાચવવી એવું ખાસ નોંધમાં નીચે ફૂંદડી મારીને લખ્યું છે.
- આ કંકોત્રીમાં સંગીત-સંધ્યાનો ઉલ્લેખ પણ છે. અગાઉ જોયેલા વિડીયો પ્રમાણે આ કાર્યક્રમોમાં નીતાભાભી અને ઘરની અન્ય સ્ત્રીઓ જ ડાન્સ કરે છે. અમારા મિત્ર વાંકદેખા વિશાલને થાય છે કે ત્રણ લાખ જો કંકોત્રી પાછળ ખર્ચાતા હોય તો પછી શાહરૂખ, કેટરીનાને નાચવા ના બોલાવી શકાય?? આટલી કંજુસાઈ?
- એક અંદાજ મુજબ ત્રણ લાખની કંકોત્રી વેચવા જાવ તો પુંઠાના ભાવે 10-20થી વધુ મળે એમ નથી.
- આમંત્રણ વોટ્સેપ પર મોકલી કંકોત્રીના બદલે એકાદ નાની કાર આપવી જોઈએ એવી અમદાવાદના કંકોત્રી વાંચ્છુકોની માંગ ઉઠી છે.
- કંકોત્રી જેને મોકલાઈ છે તે વ્યક્તિઓનું લીસ્ટ મેળવવા ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટે કમર કસી છે.
- કંકોત્રીમાં ચિપ્સ મૂકી હોવાનો લેઝી ટીવીનો મોટો ખુલાસો. મતલબ કે જેના ત્યાં કંકોત્રી જશે તેના ત્યાં પાછળ પાછળ ઇન્કમટેક્સ પણ પહોંચી જશે. જોકે કંકોત્રી આપવા જનાર રસ્તામાં ચિપ્સ ખાતો હતો અને એનો ભૂકો કંકોત્રીમાં જતો રહ્યો હોવાનો ખુલાસો પાછળથી બીજી ચેનલ નર્સરી રહાઈમ્સ નાઉ દ્વારા કરવામાં આવ્યો છે.
- કંકોત્રીની સામે સહકારી બેન્કો લોન આપશે તેવી સરકારની મોટી જાહેરાત. આ ‘લોન પાછી ના આપવા શું કરવું?’ તે અંગે અત્યાધિક ગુગલ સર્ચથી ગુગલના સર્વર જામ.
- એક કંકોત્રીના ખર્ચમાં તો 3000 લોકો બે ટાઈમ જમી શકે, આવું સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરનારા કદી નહીં કહે, એટલે અમે અહીં કહી રહ્યા છીએ.
- એક કંકોત્રીના ખર્ચમાં, એટલે કે ત્રણ લાખમાં તો એક આખું લગન થઈ જાય. અને જેને આ કંકોત્રી મળી હશે એ કુંવારો હશે તો એના લગન પણ આસાનીથી થઈ જશે.
- એક કંકોત્રીના ખર્ચમાં 60,000 ગ્લાસ છાશનું મફત વિતરણ થઈ શકે. આ તો એક વાત છે.
- કંકોત્રીની નીચે ‘માલી ફોઈના લગનમાં જલુલ જલુલ આવજો’ એવો ટહુકો નથી મુક્યો એટલી ખોટ રહી ગઈ છે. જોકે મુકેશભાઈ ચાહે, અને વનવિભાગ પરમિશન આપે, તો મુકેશભાઈ કંકોત્રીમાં ટહુકાને બદલે સાચો મોર પણ મૂકી શકે એમ છે.
- ભલે ત્રણ લાખની કંકોત્રી હોય, પણ રિસેપ્શનમાં કોક ફુઆ બળાપો કાઢશે જ કે સૂપમાં મીઠું ઓછું હતું કે શીરો મોળો હતો. આમેય જેમ ડીશની પ્રાઈઝ વધે એમ ખાવાનું ફિક્કું થતું જાય છે.
- જોકે રણબીર કપૂર જેવા અનેક સ્ટાર્સે મનોમન પ્રાર્થના કરી હશે કે કંકોત્રી ભલે સસ્તી આપો, પણ બેસવા માટે પુરતી વ્યવસ્થા કરજો.
- લગ્ન માટે મુંબઈ જનારને એરપોર્ટ કંકોત્રી બતાવવાથી વીવીઆઈપી એન્ટ્રી મળશે એવું સુત્રો થકી જાણવા મળે છે.
- આવી કંકોત્રી અદ્વિતીય કરવા માટે મોગલ રાજાઓની જેમ મુકેશભાઈએ કંકોત્રી છાપનાર કંપની એક્વાયર કરી લીધી હોવાની માર્કેટમાં હવા.
થર્ડ સ્લીપ
મોરબીમાં બ ેજણના દાંત તૂટ્યા બાદ કાજુક્તરીના દરેક ટુકડા પર એક્સપાયરીડેટ લખવા ઉઠેલી માંગ.
(વાયા એ.એન.એન.)

Image result for manasi joshi
Advertisement