મનને સુમન બનાવવું હોય; બુદ્ધિની શુદ્ધિ કરવી હોય; તો દિલમાં એક નવું સર્જન કરવું પડશે


Advertisement

મોરારિબાપુ
एहिं कलिकाल न साधन दूजा |
जोग जग्य जप तप ब्रत पूजा ||
તુલસી કહે છે,ભીષણ કલિકાલ છે,એમાં આપણા જેવા લોકો બીજાં કોઈ સાધન નથી કરી શકતાં. ત્રણ વસ્તુ કરીએ, રામને સાંભળીએ,રામને ગાઈએ અને રામને સ્મરીએ. જેમનું નામ પતિતપાવન છે,એમનું નામ પોકાર્યું એવા ક્યાં અધમાધમને વિશ્રામ નથી મળ્યો?
जाकि कृपा लवलेस ते मतिमंद तुलसीदासहूँ |
पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ ||
તુલસી કહે છે,મારા ઠાકુર કંજૂસ નથી. તેઓ પૂર્ણ કૃપા કરી શકતા હતા પરંતુ એમને ખ્યાલ હતો કે તુલસી બિચારો પચાવી નહીં શકે. એટલા માટે રજમાત્ર કૃપા થઈ તો મારા જેવો મતિમંદ તુલસી આજ ‘पायो परम बिश्रामु |’
मेरी सल्तनत मेरा फ़न रहे,
मुझे ताजो-तख्त खुदा न दे |
મને પરમ વિશ્રામની સલ્તનત પ્રાપ્ત થઈ છે. મારા માટે રામ સમાન બીજું કોણ હોઈ શકે? આપણે સૌ કંબોડિયા દેશમાં,આ વિષ્ણુલોકમાં ભગવાન રામની કથાને નિમિત્તે એકઠાં થયા હતાં. અને આજે મારી વ્યાસપીઠ પરથી હું પણ કથાને વિરામ આપવા જઈ રહ્યો છું ત્યારે સમગ્ર આયોજનની પ્રસન્નતા વ્યક્ત કરું છું. એક નાની એવી બોધકથા સાથે આ નવદિવસીય કથાને વિરામ આપી દઉં.
એક જીર્ણ-શીર્ણ મંદિર હતું. બધા લોકોએ વિચાર્યું કે આ મંદિર ક્યારેક ને ક્યારેક પડશે તો અંદર પ્રાર્થના કરનારાઓને દબાવી દેશે. તો ટ્રસ્ટીઓની મિટિંગ થઈ અને ત્રણ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા. પ્રસ્તાવ પહેલો,જલ્દીથી જલ્દી આ મંદિર નવું બનાવવામાં આવે. સર્વાનુમતે ઠરાવ પાસ થયો. બીજો પ્રસ્તાવ આવ્યો કે આવું જ મંદિર બનાવવામાં આવે. ત્રીજો પ્રસ્તાવ આવ્યો કે આ બહુ પુરાણું મંદિર છે,એ જગ્યાએ જ મંદિર બનાવવામાં આવે પરંતુ એ મંદિર પાડવામાં ન આવે. મૂઢ લોકોએ પ્રસ્તાવ પાસ કર્યો ! બાપ, હું એટલું કહીને વિદાય લઈશ કે નવું સ્થાપિત કરવા માટે જૂનું પડવું પડશે. બીજું અન્યત્ર કરી શકીએ. પરંતુ એ જ જગ્યાએ તમને નવું મંદિર બંધાવું હોય અને તમે પ્રસ્તાવ કરો કે આ જ જગ્યાએ અમે મંદિર બનાવીશું પરંતુ એને પાડીશું નહીં,તો એમાં મૂઢતા સિવાય બીજું કંઈ નથી ! આપણે આપણા દિલમાં નવસર્જન કરવું હોય; મનને સુમન બનાવવું હોય; બુદ્ધિની શુદ્ધિ કરવી હોય; ચિત્તને એકાગ્ર કરવું હોય અને અહંકારથી ક્રમશઃ દૂર જવું હોય તો એ જ બૂરાઈઓને રાખીને ત્યાં જ નવું બનાવી નહીં શકાય. ત્યાં બનાવવા માટે એ જ દિલમાં એક નવું સર્જન કરવું પડશે. અને એ સર્જન થશે રામનામથી. ‘भज गोविंदम्,भज गोविंदम्,भज गोविंदम्’ કેમ કે નામ લો તો રૂપની ચિંતા ન કરો,રૂપ આવશે. તુલસીએ કહ્યું છે,રૂપ નામને આધીન છે.
रूप ग्यान नहिं नाम बिहीना |
અને જ્યાં રૂપ આવશે ત્યાં એની લીલા પણ આવશે કે એ શું કરે છે? પછી એ જાણવાની ઈચ્છા થશે,એ ક્યાં જન્મ્યો? ક્યાં રહે છે? એના ધામ તરફ પણ ગતિ થશે. કળિયુગમાં મૂળ યાત્રા થશે નામથી.
चहुँ जुग चहुँ श्रुति नाम प्रभाऊ |
અને મને સમજાતું નથી કે આટલું સરળ સાધન છોડીને લોકો આટલા કઠિન-કઠિન સાધનોમાં શું કામ જાય છે? ક્યારેક-ક્યારેક મોટા શોપિંગ મોલમાં જે વસ્તુ મળે છે,એનાથી સારી વસ્તુ અને ઓછી કિંમતમાં રેંકડીમાં મળે છે ! હરિનામ લોને પ્યારે ! બધાં શાસ્ત્રોનો સાર છે પ્રભુનું નામ. મારાં ભાઈ-બહેનો,તમે ધ્યાન કરતા હો તો કરો,અવશ્ય;યોગ કરો,પરંતુ જો તમારા મનમાં કંઈ ન બેસે તો હરિનામ લો. નામ અનંત છે. એની લીલા-નામ-ધામ-રૂપ અનંત છે. અને સમયને અનુરૂપ ઋષિઓએ સાધના બતાવી છે. યોગ-યજ્ઞ-ધ્યાન એ બધું કોઈ માસ્ટર પાસેથી શીખીને કરો,પરંતુ ત્રિગુણાતીત શ્રદ્ધા હોય તો નામ લો.
એક દિવસ હનુમાન અને રામ બેઠાં હતા ત્યારે રામજીએ પૂછ્યું,હનુમાન,મને સમજાતું નથી કે તું સુરસાના મુખમાં કેમ ગયો? સુરસાના મુખમાં તો ઝેર હોય છે. એ તો સર્પિણી છે. હનુમાને કહ્યું,હું જાણીબૂઝીને ગયો. ‘શા માટે?’ ત્યારે જવાબ આપ્યો કે,આપ તો જાણો છો કે હું મૂળ શંકર છું ! મારી સ્થાપના આપે કરી છે. મારી દરેક પ્રકારની સ્થાપના આપના દ્વારા થઈ છે. બંદર આટલો સુંદર થઈ જાય,એ સ્થાપના આપની છે. બરાબર ને? તો હું એક વાર ‘રામ રામ’ બોલીને ઝેર પી ગયો હતો તો રામકૃપાથી બચી ગયો. તો મેં વિચાર્યું કે ‘રામ રામ’ બોલીને ઝેરના મુખમાં જાઉં,જરા જોઉં તો ખરો કે મામલો શું છે? તો રામ બોલ્યા,તારા મુખમાં ‘રામનામ’ હતું? હનુમાને કહ્યું,હા,આપે તો મુદ્રિકા આપી હતી-
प्रभु मुद्रिका मेली मुख माहिं |
અરે સાહેબ ! રામનામ મુખમાં લઈને સુરસાઓના પેટમાં ચાલ્યા જાઓ તો પણ સુરક્ષિત ! તો બાપ,પરમાત્માનું નામ,વિષ્ણુનું નામ,અલ્લાહનું નામ,કોઈનું પણ નામ લો. કળિયુગ છે નામની મોસમ. જેમનાં ચરણોમાં લક્ષ્મી સંવાહન કરતી હોય એમનો આશ્રય કરવો. આપણી કથા,આપણાં સૂત્રો,આપણું હરિનામ,આપણા બુદ્ધપુરુષ આપણી સલ્તનત છે. એવી સલ્તનતમાં આપણે નવ દિવસ હતા. હવે જ્યારે જઈ રહ્યાં છીએ ત્યારે એ સંપદાને સંભાળજો. અને બેંકમાં પૈસા જમા કરવાથી વધે છે,તો હરિની બેંકમાં હરિનામ જેટલી વહેંચો એટલું વધે છે. હું એ જોતો રહું છું કે કથામાં આપણું સારાપણું, આપણી બૂરાઈઓ એ બધું નીકળવા લાગે છે. રામકથા પ્રભાવ પર કામ નથી કરતી,સ્વભાવ પર કામ કરે છે. તમારો પ્રભાવ કેવો છે એના પર રામકથા કામ નહીં કરે. કેમ કે તમે ભરેલા છો તો રામકથા જેટલું પણ નાખશે,એટલા છલકાઈ જશો. મારાં ભાઈ-બહેનો,રામકથા સ્વભાવ પર કામ કરવાનો તરીકો છે.
સંકલન : જયદેવ માંકડ
(માનસ વિષ્ણુ ભગવાન,કંબોડિયા,૨૦૧૫)

Advertisement