વશીકરણ કરે,ઉચાટન કરે,ખોટા મંત્રો શીખવે અને રામ-કૃષ્ણ ખોટાં છે એવું કહે તે બધા નિષિદ્ધ ગુરુઓ કહેવાય


Advertisement

રુ ગીતામાં ભગવાન શંકરે એમ કહ્યું છે કે તમારી બુદ્ધિથી,તમારી પ્રજ્ઞાથી સંતને બરાબર ઓળખી લીધા પછી શરણાગતિ લેજો. આપણે જેને આપણા ગુરુ બનાવવા હોય,સદ્દ્ગુરુ બનાવવા હોય તેના અમુક લક્ષણો જોઈ લેવા. ભગવાન મોકો આપે તો અમુક દિવસ એની સાથે રહેવું અને જોતાં રહેવું કે આટલા દિવસોમાં ક્યારેય એને ક્રોધ આવ્યો છે? ન આવે તો નક્કી કરવું કે સદ્દ્ગુરુ કરવા જેવો છે. સાથે રહેતાં-રહેતાં,જોતાં-જોતાં એમ લાગે કે ક્યારેય એની આંખમાં સ્વાર્થ,કામનાની વૃત્તિ દેખાય છે? જો વિકાર ન દેખાય તો સમજવાનું કે યોગ્ય છે. ઘણી વખત તમે ભેરવાઈ જાવ,ભોળવાઈ જાવ. દેશ-વિદેશમાં દંભી લોકો બીજાને બહુ ભડકાવે,ફસાવી દે તેથી ઘણીવાર મારા સ્વભાવમાં ન હોવાં છતાં આકરા પ્રહારો મારે કરવા પડે છે. ઓળખાણ કરો. જોઈ જોઈ વહોરીએ વાત્યું, બીબા વિણ પડે નહીં ભાત્યું... સદ્દ્ગુરુ,સંત એની સહનશીલતા કેટલી છે તે જોજો. મારાં ભાઈ-બહેનો, ક્યારેક ગુરુગીતા હાથમાં આવે તો એનો પાઠ કરજો. એમાં ગુરુના પ્રકારો બતાવ્યાં છે. ભગવાન શંકરે આ કથા પાર્વતીને કૈલાસમાં કહી છે. સૂતજીને બધા મુનિઓએ પ્રશ્ન પૂછ્યો છે કે અમને ગુરુગીતા સમજવો. પછી સૂતજી કહે છે જે કૈલાસમાં ભગવાન શંકર પાર્વતીને સમજાવે છે. એમાં ગુરુનો એક પ્રકાર છે-નિષિદ્ધ ગુરુ. જે તંત્રમાં,ચમત્કારોમાં ફસાવે,ઉચાટન,મારણ,વશીકરણ,તાડન,ચકલી બનાવી દઉં,ફલાણા બનાવી દઉં,આમ કરી નાંખું,નાડાછડી કાઢે,અહીંથી નારિયેળ કાઢે,કંકુ કાઢે-આ બધા નિષિદ્ધ ગુરુ છે. કેવળ પોતાની તાંત્રિક વિદ્યાથી ભ્રમિત કરે તેવા ગુરુ કોઈ દિવસ કરવા નહીં. શંકરને પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો છે કે નિષિદ્ધ ગુરુ કરે તો સાધકને કેવું ફળ ભોગવવું પડે? ખરાબમાં ખરાબ ફળ મળે. ઘણા મારી પાસે આવે છે કે આવા ગુરુ મારાથી થઇ ગયા છે,હવે મુકાય કે કેમ? નિષિદ્ધ હોય તો મૂકી દેવાય,ફેકી શકાય. શાસ્ત્ર કહે છે કે એવા નિષિદ્ધ ગુરુને છોડી શકાય. એમાં એનુંયે હિત છે. હવે તો બધા ગુરુઓ કંઠીઓના ઢગલા લઈને આઅવે છે ! તમે ગયા નથી ને કંઠી નાખી દે ! આમ તો આ કળીયુગનો પ્રભાવ છે. લોકો ઘેટાં જેવા કેમ આમાં જાય છે? આટલા ભણેલાં-ગણેલા તમે છો છતાં કેમ સમજતાં નથી કે પરાણે ગળામાં કંઠી નાખવી એ ક્યાંનો ધર્મ પ્રચાર છે? આ શું છે? એથી એવી કંઠી કાઢી નાખો એમ નહીં,એવા ગુરુઓને પણ કાઢી નાખો. એમાં કોઈ દોષ નથી. નિષિદ્ધ ગુરુ કરવાની મારો શંકર ના પાડે છે. શંકરના બળથી બોલું છું,બાપ ! તમારે એનાથી ડરવું નહીં. ધંધામાં ખોટ જશે એવી બીક બતાવે તો ભરમાશો નહીં. હું તો કહું કે સાચો સદ્દ્ગુરુ માળા,પૈસા માટે નહીં,ભક્તિ કરવા માટે આપે ! રૂપિયા તો પ્રારબ્ધનો ખેલ છે. કમાઓ અને વાપરો,સાધુ કઈ રૂપિયા આપે? રૂપિયા બેંક આપે,લોન લીધા કરો અને કામ કર્યા કરો. હું તો કંઠી નથી આપતો,તમારો કંઠ પકડી લઉં છું કે હવે તમારી વણી ન બદલાય,તમારું જીવન દિવ્ય થઇ જાય. સમાજમાં દંભ અને પાખંડ ચાલે છે તેનાથી ચેતજો. નિષિદ્ધ ગુરુના ત્યાગમાં કોઈ વાંધો નથી. એવા કોઈ નિષિદ્ધ ગુરુમાં તમે ફસાયા હો,પછી તમારી સમજણ જાગે,કોઈ મહાપુરુષમાં પૂર્ણ શ્રદ્ધા જાગે તો તમારે ગુરુ બદલવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેનાં લગ્ન થવાના હોય એને પૂછવું તો જોઈએ ને કે ભાઈ,તારે કોની સાથે પરણવું છે? આ તો બસ એમ ને એમ નક્કી થાય અને પરણાવી દેવાના? આમ આવ્યો નથી ને કંઠી નાખી નથી. બહુ વિચિત્ર છે. જે ગુરુમાં સોળે સોળ આના વિશ્વાસ બેસે એની શરણાગતી કોઈ દિવસ તોડશો નહીં. એ લક્ષણો સદ્દ્ગુરુના ગીતામાં આપ્યા છે. બે વત્તા બે જેવી વાત છે.આ કરાય અને આ ન કરાય. સંતોષી માના સો કાગળ નહિ લખો તો તમારું સત્યાનાશ નીકળી જશે,આવાથી ડરવું નહિ. હું તો ત્યાં સુધી કહું કે તમારાં ઘરમાં,મંદિરમાં તમે ઘણાં દેવો મૂકી દીધા હશે તો એને પણ આઘાપાછા કરવામાં વાંધો નથી. તમારો ઇષ્ટદેવ,હનુમાન અને સદ્દ્ગુરુ સિવાય કોઈની જરૂર નથી બાપ! કેટલા બધા દેવ રાખો છો તમે ! પછી એક દેવને ચાંદલો કરવાનું ભૂલી જાવ અને માથું દુ:ખે તો કહે કે માતાજી કોપાયમાન થયા છે ! હવે તારા પર કોપાયમાન થાય માતાજી મૂર્ખા... એ કોપાયમાન થાય તો તારું કલ્યાણ થઇ જાય. આપણા પર શું ક્રોધ કરે ! હનુમાનજી હોય,સદગ્રન્થ હોય,સદ્દ્ગુરુ હોય અને આપણી માળા હોય પછી બીજાની શી જરૂર છે? એક હાથીના પગલામાં બધા પગલાં,બધું આવી જાય. કેટલા દેવો રાખો છો તમે ! કેટલું કેટલું રાખે છે લોકો ! જે તમારો ઈષ્ટ હોય,સદ્દ્ગુરુ હોય,તમારો મંત્ર હોય તે રાખો. એક નિષ્ઠા થાય તમારી. વધુ સારી રીતે પૂજા કરી શકો તમે. નિષિદ્ધ ગુરુના ત્યાગમાં કોઈ વાંધો નથી. આ મારી કોઈ ટીકા નથી,પરમ પિતા શંકરની વાત છે. અને શંકર ભગવાન આ કોઈ સામાન્યની સામે નથી બોલ્યા,સાક્ષાત જગદંબાની સામે બોલ્યા છે કે નિષિદ્ધ ગુરુનો ત્યાગ કરવો. જે ઉચાટન કરે, મારણ કરે,વશીકરણ કરે,કામણ કરે,દોરા-ધાગા કરે,મને માનો તો આમ થશે અને નહીં મનો તો આમ થશે,આ જ સાચું છે અને રામ-કૃષ્ણ ખોટા છે એવું કરે અને કહે તેવા નિષિદ્ધ ગુરુનો ત્યાગ કરજો. તમારા તમામ સંશયો,સંદેહોનું નિરાકરણ કરી તમારા મનનું સમાધાન આપે એ શ્રેષ્ઠ ગુરુ છે. એવા કોઈ સદ્દ્ગુરુ પાસે જજો. અને એની ઓળખાણ,એ કેટલું સહન કરે છે,એનામાં તપ કેટલું છે,એનું ભજન કેટલું છે એ વિકારોથી કેટલો મુક્ત છે? એમાંથી મળશે. સંકલન : જયદેવ માંકડ (માનસ-ગતગ્રીષ્મ બરસા રીતુ આઈ,1994)

Advertisement