ભીતરના ભલ્લાલદેવનો ભરડો...


Advertisement

જયારે ભલ્લાલદેવ આપણી પર્સનલ લાઇફમાં ખરા અર્થમાં હાવિ થાય ત્યારે...?
ખબર પડે કે આપણી અંદરનો બાહુબલી નબળો પડી ગયો છે, પાર્ટ-1 ની માફક મરી ચુક્યો છે તો...?
પરિણામ પણ એવું આવી રહ્યું છે કે આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. એક એવી તાકાત આપણી જાનની પાછળ હાથ ધોઇને પડી જાય કે આપણી પાસે તેને એક ક્ષણ માટે પણ જોવાની તાકાત ના હોય, તાકાત તો છોડો હિમ્મત પણ ન થાય. જેવુ તમે તે તાકાતની સામે જુઓ કે તમારે મરવુ જ પડે.! એટલી ભયાનક શક્તિ કે જે તમને તુરંતમાં મરવા માટે પ્રેરી દે. તમારી પાસે બીજુ કોઇ જ ઓપ્શન ન હોય. એ શક્તિ તમારી પાસેથી તમારી જાન સુદ્ધા લઇ લે, તમારે તેને આપી દેવી પડે, તેની સામે પણ ન જોઇ શકો, તે કેવી છે તેની કલ્પના પણ ન કરી શકો, એટલુ ઘાડ સસ્પેન્સ આવીને તમારા માથે હથોડા મારવા લાગે કે તમારા માટે ડગલે ને પગલે ઢગલે ઢગલે ખોફ સિવાય કશું બાકી ન રહે. જેનો કોઇ જ આકાર નથી, જેને જીવથી ઓછુ કશું જ ખપતું નથી, અને જે કાળના ભરડાની જેમ આખે આખા સમાજોને ભરખી જાય, દુનિયા વિરાન કરી દે, 2012ની માફક કોઇ ભયાનક પ્રલય સર્જી દે, તે કોઇ બિમારી છે, કોઇનું ષડયંત્ર છે, કોઇ બાહરી તાકાત છે, એલિયન એટેક છે, કોઇને કંઇ જ ખબર નથી. આટલુ સખત થ્રીલ કે તમે રૂંઆડા ઉભા કરવાની પણ ગફલત ન કરી શકો. જેને પણ આ શક્તિ દેખાઇ છે તેને તે ખુબ જ સુંદર જણાઇ છે, પણ આકાર દોરવાનું કહો તો કાળો રંગ તે પહેલો પસંદ કરશે. તે તાકાત સખત તામસી છે, ચાલાક છે, ચબરાક છે, તમારી પાછળ ને પાછળ છે અને તેણે છત્તી આંખે તમને આંધળા બનાવી દીધા છે. આંખે પાટા બાંધ્યા સિવાય તમારી પાસે છુટકો નથી. તેને જુઓ તો આંખો લીલા રંગની થઇ જાય, સાથે જ આંખોમાં એક અલગ બેચેની જણાય. આ એક એવી શક્તિ છે કે જે મૃત્યુના તમામ પ્રકારોને સાવ અલગ મુકી દે છે અને જે મૌતની ડેફીનીશનની ડાઇજેસ્ટમાં એક અલગ જ ચેપ્ટર બનીને ઉભી રહે છે.
બર્ડ બોક્સ નામક ફિલ્મ. નેટફ્લિક્સ ઓરીજીનલ્સ પૈકીની આ ફિલ્મે મૌતની પરિભાષામાં એક નવો જ આયામ જોડી દીધો. તમે મૌતની કલ્પના કેવી રીતે કરી શકો.? આકસ્મિક, સીધુ, ઘાતક, ક-મોત, તરફડીને મૌત, કુદરતી...વગેરે વગેરે...! પણ આ બધાથી સાવ જુદી જ ઘટના સામે આવે તો.? આ બધા સિવાય પણ કોઇ મૌત છે તો તે છે જાદુઇ દુનિયા, તિલિસ્મી રીતથી અથવા હેરી પોટરની જાદુઇ છડીથી અમુક મંત્રોચ્ચાર કરીને, કે પછી રામ ગોપાલ વર્માની ફિલ્મોની જેમ ભંયકર હસવુ ચડે તેવુ ખૌફનાક મૌત.! આ બધાથી પર એક એવું મૌત આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે જે તમને આખી ફિલ્મમાં દેખાતુ નથી કે તે ખરેખર કેવા આકારનું છે. દેખાય છે તો બસ તેનાથી મરતા લોકો. અમરીકા, રશિયા, ચીન, જાપાન, બધા જ મોટા દેશોમાં માસ સુલાઇડ્સના ઇન્સીડેન્ટ્સ બને છે અને અમુક જાણકાર લોકો તે તારણ કાઢે છે કે હવે માનવતાનો અંત છે. એક એવી અકલ્પ્ય અને અનસ્ટોપેબલ તાકાતે ભરડો લીધો છે કે જે આપણને તુંરતમા સુસાઇડ કરવા માટે પ્રેરી દે. જે વ્યક્તિ ગેસની સગડી ચાલુ કરતા ડરતો હોય તે ભડકે બળતી ગાડીમા જઇને આગને વ્હાલુ કરી લે. આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં છે મોનિકા બલુક્કી. હોલીવુડની આ ઉમદા અભિનેત્રી કેવી રીતે મેલોરી નામની પ્રેગ્નેન્ટ યુવતીનું પાત્ર ભજવે છે અને તેની સાથે રહેલા બે બાળકોને સાચવે છે. તે પોતાની સાથે 3 પક્ષીઓ રાખે છે કે જેઓ તે ખરાબ શક્તિને જોઇ શકે છે અને તે નજીક આવે તો અવાજો કરીને ખબર પાડી શકે છે તે શક્તિ નજીકમા છે. આ આખા ભરડાને ખુબ જ ચપળતા અને આત્મવિશ્ર્વાસથી પાર કરીને જીવે છે અને છેક સુધી તેની સાથે બે બાળકોને પણ જીવતા રાખે છે તેની આખી વાર્તા છે.
વાઇપર સાપ પોતાની પુંછડી વડે પોતાના શિકારને પોતાની તરફ આકર્ષે છે અને શિકાર જેમ જેમ તેની નજીક આવે કે તે વધારે તેજ થતો જાય. જેવો તે પહોંચની અંદર આવે કે વાઇપર શિકાર કરી લે. જ્યારે નેગેટીવીટી કોઇ જ કારણ અને આકાર વિના આપણી આસપાસ ફરવા માંડે ત્યારે તે પહેલા આપણને તેની તરફ આકર્ષિત કરતી હોય છે. આપણને ખ્યાલ પણ ન હોય કે ક્યારે આપણે તે વિષચક્રમાં ફસાઇ ગયા છીએ. તે વિષચક્રમાંથી બહાર નિકળવા અથવા તો તેને પાર કરવા માટે મેલોરીએ રાખેલા 3 પક્ષીઓ તો કદાચ આપણે ન રાખી શકીએ પણ તે પક્ષીઓ જે સંદેશો આપવા માંગતા હતા તેને જરૂરથી અપનાવી શકીએ છીએ. પક્ષીઓ એટલે સંપૂર્ણ પોઝીટીવીટી અને ઇન્સ્પીરેશનની નિશાની. આશા, પ્રતિજ્ઞાનું પ્રેરકબળ જ્યાંથી મળે છે તેવા પક્ષીઓ માણસને સીગ્નલ આપી દે છે કે આવી કોઇ તાકાત આપણી આસપાસ છે, તો તેનાથી દૂર રહો. માણસજાતની તમામ સુક્ષ્મતાઓ અને સહજતાઓ દ્વારા આ ફિલ્મ તે વાત પ્રસ્થાપિત કરી આપે છે કે આપણે ગમે તેવા પણ હોઇએ, પણ જે ચોક્કસ રીતે આપણે જીંદગીને જીવવાની હોય છે અને મુસીબતોને પાર કરવાની હોય છે તેનુ સિમ્બોલીક વિઝ્યુઅલાઇઝેશન છે.
કોઇ દિવસ આંખે પાટા બાઁધીને રસ્તા પર નીકળ્યા છો.? નાનપણમાં સંતાકુકડી રમતા હતા ત્યારે પણ દાવ લેવા માટેનો સમય ફક્ત 10 સેક્ધડનો રહેતો. તે 10 સેક્ધડ પણ આપણી અંદર રોમાંચ ભરી દેતી. તો જો તમારે આવનારી આખી જીંદગી આંખો હોવા છતાં આંધળા બનીને જીવવાનું આવે તો.? મહાભારતમાં ગાંધારીએ જે આંખે પાટા બાંધીને રાખ્યા છે તેનું સિમ્બોલીઝમ બંને તરફનું છે. એક તરફ ગાઁધારીની પતિ પ્રત્યેની પ્રીતિ છે તો બીજી તરફ એ જ ગાંધારીની મુર્ખાઇ કે જો પતિ આંધળો હોય તો પત્નીએ તેને રસ્તો બતાવવો જોઇએ. આ બંને ફિલોસોફીને ધ્યાને લઇને આપણે જો રસ્તા પર નીકળી પડીએ તો પણ સ્હેજપણ સફળ ન થઇએ. 5 ડગલા ચાલીએ અને પાટા ખોલી દઇએ, કારણકે આપણને આપણા પર જ ભરોસો નથી અને બીજુ કે મૌતનો ડર આપણને હિમ્મતી બનાવતો જ નથી. જે એક આશા અને પોઝીટીવીટી આપણને કાયમ માટે સફળતા અપાવતી હોય છે, માણસને ખરેખર તો આજીવન તેને જ સાથે લઇને ચાલવાની જરૂર છે. એક એવુ સનાતન વિશ્ર્વાસનું બીડુ પોતાની ઝોળીમાં ઓળઘોળ કરીને રાખવાની જરૂર છે કે જે કોઇપણ નાની-મોટી મુસીબતોથી આપણને પર અને પાર કરાવી શકે. તે બીડુ શેનુ અને કેવું હોવુ જોઇએ તે જાત્તે જ નક્કી કરવાનું હોય.!

જવાનું કા૨ણ...
શું અંજાવાથી ક્યારેય કોઇને આંજણી થઇ છે?

Advertisement