જીવનના રંગમંચ પર આપણે પાત્રો છીએ, આપણું પાત્ર ઠીક અદા કરીએ


Advertisement

‘રામચરિતમાનસ’માં ગોસ્વામીજી ધર્મના પહેલાં લક્ષણની ચર્ચા કરતાં કહે છે કે ધીરજ ધર્મનું લક્ષણ છે. જે વ્યક્તિમાં ધૈર્ય નથી તે ધાર્મિક નથી. ધર્મમાં ઘેલછા હોઈ શકે છે,ધર્મ પ્રપંચી હોઈ શકે છે,ધર્મમાં દેખાડો હોઈ શકે છે પરંતુ જો તેમાં ધીરજ નથી તો તે ધર્મ નહીં કહેવાય. અધાર્મિક અને ધાર્મિક વચ્ચે અંતર શું છે ? જેનામાં અનંત ધૈર્ય હોય એ ધાર્મિક. મારા બાપ,એક વસ્તુ યાદ રાખજો. જીવનમાં જો સુખી રહેવું હોય તો સરળ અને સહજ રહેજો. શું કામ બોઝિલ રહો છો? જે જ્ઞાની હોય છે તે સરલ-તરલ હોય છે,જ્ઞાની શાંત હોય છે. જેનામાં વિવેક બુદ્ધિ હોય તે વિવેક અને બુદ્ધિનો સમન્વય કરે છે. સ્મૃતિકાર મનુ ધર્મના દસ લક્ષણો બતાવે છે. એ સંદર્ભમાં જ્યારે રાવણને જોઈએ તો મારી સમજ અનુસાર રાવણના દસ મસ્તકમાનું એક મસ્તક છે-ધૈર્ય. રાવણમાં ધૈર્ય ખૂબ છે. ભલે રાવણ તામસી હતો પરંતુ તપસ્વી પણ હતો. તપ કરવા માટે ધૈર્ય જોઈએ અને તે કેટલો મોટો તપસ્વી હતો ! જો ધર્મમાં ધૈર્ય નથી તો એ ધર્મ શા કામનો? ધર્મનું ફળ ધૈર્ય છે.
એક નાટકની કંપની હતી. સુંદર અને જાણીતા એવાં અનેક નાટકો ભજવતી આ કંપનીની ખ્યાતિ ખૂબ ફેલાયેલી હતી. એક વખત એના એક જાણીતા નાટકનો શો એક નગરમાં યોજાયો હતો અને એ નગરનો સમ્રાટ સ્વયં એ નાટક જોવા આવ્યો હતો. એ નાટકમાં એક નાટ્યકાર સંન્યાસી બન્યો હતો. અદભૂત સન્યાસી બન્યો હતો,દંડી સ્વામી બન્યો હતો. આમેય નાટક કંપની અદભૂત હતી અને તેમાં આ નાટ્યકાર પણ પ્રસિદ્ધ. તેણે પોતાની કલા,દેખાવ,વેશપરિધાન,વિવિધ અદાઓ,તેજસ્વિતા વગેરેની મદદથી સંન્યાસીના પાત્રને એવું તો અદભૂત અને આબેહુબ રીતે ભજવ્યું કે જોનારા દંગ રહી ગયા ! એનો અભિનય જોઈ પેલો સમ્રાટ ખૂબ પ્રસન્ન થઇ ગયો. એટલો પ્રભાવિત થઇ ગયો કે પોતાની પાસે પહેરેલા સોનાના ઘરેણા લઈ સ્ટેજ પર ચઢી ગયો. વચ્ચે ઊભો રહી ગયો અને એથી અધવચ્ચે જ નાટક રોકાઈ ગયું. એ સમ્રાટે પેલા સંન્યાસીને કહ્યું ‘:સ્વામીજી,આપનો દેખાવ,આપનું રૂપ જોઈ,અભિનય જોઈ હું ખૂબ રાજી થયો છું. લો,તમે આ સોનાના દાગીના રાખો’ !
સંન્યાસીનું પાત્ર કરનારો અભિનેતા તો પાંચસો રૂપિયાનો પગારદાર હતો ! તેમ છતાં તેણે કહ્યું: ‘નહીં,હું આ ન લઈ શકું કારણ કે હું સંન્યાસી છું. અત્યારે ભલે હું રંગભૂમિમાં છું પણ છું તો સંન્યાસી ! એથી હું આ દાગીના ન લઈ શકું.’ હું સ્વામી છું અને તમે સમ્રાટ છો. રાજા કહે અરે,હું તો ખૂબ અહોભાવથી આપનું નાટક જોઉં છું અને હૃદયપુર્વક આપણે આ ઘરેણા આપું છું. પરંતુ પેલાએ ના કહી અને એથી રાજા તેની વાત સમજી ગયા. તેણે તે અદાકારની ખૂબ પ્રશંસા કરી. નાટક કંપનીના મેનેજરે કહ્યું કે અમે કાલે બીજું એક સુંદર નાટક ભજવવાનાં છીએ. આપ તે જોવા આવો. આમ કહી બીજે દિવસે પણ એક નાટક જોવા આવવા રાજાને આમંત્રણ આપ્યું. રાજાએ તેના નિમંત્રણનો સ્વીકાર કર્યો.
હવે બીજે દિવસે પણ રંગમંચ પર સુંદર નાટક પ્રસ્તુત થયું. સમ્રાટ પણ ઉપસ્થિત હતા. નાટકનાં દ્રશ્યો ભજવાઈ રહ્યા હતા. ગઈકાલે જે નાટક ભજવાયું તેમાં સંન્યાસીનું પાત્ર ભજવનાર આજે ભિક્ષુક બન્યો હતો. ભીખ માંગી રહ્યો હતો. સુંદર રીતે નાટક ભજવાઈ રહ્યું હતું પણ આજે સમ્રાટને નીચે ન ઉતરવું પડ્યું. પેલો ભિખારીના પાત્ર વાળો કલાકાર પોતે રંગમંચ પરથી નીચે આવ્યો અને સમ્રાટને કહ્યું કે મને ભિક્ષા આપો ! એને જોઇને સમ્રાટે કહ્યું અરે,તું? પેલો બોલ્યો હા,ગઈકાલે સંન્યાસીનું પાત્ર ભજવતો હતો તેથી સોનું લઈને મારા પાત્રને બદનામ ન કરી શક્યો. આજે ભિક્ષુકના પાત્રમાં છું,જો મને ભિક્ષા મળે તો મારું પાત્ર વધુ મહિમાવંત બને !
મારાં ભાઈ-બહેન,સંસારના રંગમંચ પર કોઈ ક્રોધીનું પાત્ર ભજવે છે,કોઈ જીદ્દીનું પાત્ર ભજવે છે ! ક્રોધ બહુ તીવ્ર પ્રવૃત્તિ છે. ભલે તે લાંબો સમય ટકતો નથી પણ એની તીવ્રતા ખૂબ હોય છે. અને એનાથી હિંસા પેદા થાય છે. કેટલાયે લોકોનું દિલ દુભાઈ જાય છે,દિલ તૂટી જાય છે. એથી જ ક્રોધને નર્કનું દ્વાર ગણવામાં આવે છે. કામને નર્કનું દ્વાર ગણવામાં આવે છે. ક્રોધ ખૂબ અશુભ છે. એને લીધે શ્રાપ પ્રગટ થાય છે. અશુભ શ્રાપ પ્રગટે છે. શ્રાપને કારણે અશુભની શ્રુષ્ટિ પેદા થાય છે. આશીર્વાદથી સદા શુભની શ્રુષ્ટિ ઉત્પન્ન થાય છે. ક્રોધ સદૈવ અશુભને જન્મ આપે છે અને બોધ સદૈવ રામને જન્મ આપે છે. ક્રોધ આવે ત્યારે થોડી શાંતિ રાખવી જોઈએ. એમ વિચારવું જોઈએ કે ઈશ્ર્વરની આ રંગભૂમિમાં બે મિનિટ માટે મને ઈશ્ર્વરે ક્રોધનું પાત્ર ભજવવા કહ્યું છે. અત્યારે ભજવાય છે,હમણાં પૂરું પણ થઈ જશે. ધૈર્ય રાખશો તો જીવનમાં આનંદ આવશે. કોઈ ક્રોધ કરે તો તુરંત પ્રતિક્રિયા ન આપો,હા પાડી દો. ભગવાને આપણને અનેક પાત્રો આપ્યાં છે,તમે ફક્ત તમારૂ પાત્ર અદા કરો. જીવનમાં સુખી રહેવું હોય તો સહજ રહો. આગ્રહ છોડશો તો સુખી થશો. આગ્રહ બંધન છે. પત્ની માને,પતિ માને બેટા માને. કોઈ આપણી વાત માને તો સારી વસ્તુ છે પણ કોઈ ન માને તો ન માને. આપણે ત્યાં ત્રિસત્યનો મહિમા છે. પરંતુ જેણે સત્યને મેળવ્યું છે તેણે ત્રિસત્ય કરવાની પણ શું કામ કોશિશ કરવી? એવો આગ્રહ જ ન રાખો કે કોઈ મારી વાત માને. સંઘર્ષમાં જે ધૈર્ય રાખે છે તે સફળ થાય છે. ગોસ્વામીજી ઠીક કહેછે-ધીરજ ધર્મ મિત્ર અરૂ નારી,આપદ કાલ પરીખઅહી ચારી. ધૈર્યની કસોટી સંઘર્ષમાં થાય છે. સંકલન : જયદેવ માંકડ

Advertisement