અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ : લેટ્સ ફાઇન્ડ ધ ટ્રુથ!


Advertisement

પરગ્રહ પરથી આવેલી યુએફઓ વિષયક અસંખ્ય હોલિવૂડ અને ‘કોઇ મિલ ગયા’ જેવી બોલિવૂડ ફિલ્મો જોઇને આપણે મોટા થયા. સતત આપણા મનમાં એવું ઠસાવવામાં આવ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં હ્યુમન-બિઈંગ સિવાય અન્ય કોઇ એલિયન-પ્રજાતિનું અસ્તિત્વ નથી! પરંતુ શું એ વાત ખરેખર સાચી છે?
થોડા સમય પહેલા વિશ્વભરમાં ‘વર્લ્ડ યુએફઓ ડે’ની ઉજવણી થઈ. મોટાભાગનાં લોકોને કદાચ એ વાતની જાણ નથી કે વિજ્ઞાનની આખી એક અલગ શાખા છે, જે ‘યુએફઓલોજી’નાં નામે ઓળખાય છે. અલગ અલગ દેશોમાં જોવા મળેલી યુએફઓ અને તેનાં વિષયક વધુ ઉંડાણપૂર્વકનું નોલેજ યુએફઓલોજી ભણીને મેળવી શકાય છે. ભૂતકાળમાં જે યુએફઓ દ્વારા પૃથ્વીની મુલાકાત લઈ હોવાની વાત સામે આવી હોય તેને લગતાં પુરાવાઓ ચકાસવાનું અને રિપોર્ટ્સ બનાવવાનું કામ યુએફઓલોજિસ્ટનું! તેઓ માનતાં હોય છે કે એલિયન્સ ફક્ત ફિલ્મોમાં જોવાતી ઇમેજિનેશન નહીં પરંતુ હકીકત છે અને ઘણી વખત જુદા જુદા કારણોનાં લીધે તે પૃથ્વી પર આંટો મારતાં રહે છે!
૮૪ વર્ષીય વૃદ્ધ નિવૃત માણસ, સ્ટેન્ટન ફ્રેડમેન. તેમણે પોતાની જિંદગીનાં ઘણા દાયકાઓ પ્રોફેશનલ યુએફઓલોજિસ્ટ અને ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રીવિદ્ તરીકે અગમ્ય-અકળ યુએફઓનાં સંશોધન પાછળ ખર્ચ્યા. મેક્સિકોમાં સામે આવેલા ‘રોઝવેલ કેસ’માં તેમની કામગીરી સૌથી વધુ વખણાઈ છે.
૧૪ વર્ષથી પણ વધુની ન્યુક્લિયર ફિઝિસિસ્ટ તરીકેની ફ્રેડમેનની કરિયર દરમિયાન એમણે યુએસમાં જનરલ ઇલેક્ટ્રિક, વેસ્ટિંગહાઉસ જેવી પુષ્કળ ટોચની એરોસ્પેસ કંપનીઓ સાથે કામ કર્યુ. ‘મેક્ડોનલ ડલ્લાસ’ સાથે એમનો પ્રોગ્રામ રદ્દ થતાં પ્રોફેશનલ યુએફઓલોજિસ્ટ તરીકેની એમની કરિયર શરૂ થઈ. એમ છતાં તેઓ અમેરિકન ન્યુક્લિયર સોસાયટી અને અમેરિકન ફિઝિકલ સોસાયટીનાં સભ્ય તો રહ્યા જ!
એમનું એક વિધાન ધ્યાનાકર્ષક છે, “યુએફઓને વ્યાખ્યાયિત કરવી હોય તો એમ કહી શકાય કે તે હવામાં ઉડતી અપરિચિત-અજાણી વસ્તુઓ છે. પરંતુ જેને વાસ્તવમાં યુએફઓ કેટેગરીમાં મૂકી શકાય એવી ચીજ ખૂબ જૂજ છે! હું તાજેતરનાં બનાવોમાં વધુ રસ ધરાવું છું, ભૂતકાળમાં નહીં!”

Image result for maxresdefault-e1533304908976-768x451
સમયની સાથે ઘણી ઉડતી વસ્તુઓ અલગ અલગ દેશોની સરકાર અને ત્યાંના લોકો માટે કૂતુહલનો વિષય રહી છે. જોકે એમાંની દરેક ઉડતી રકાબીઓને કંઈ યુએફઓ અથવા એલિયન સ્પેસશીપ ન કહી શકાય! આ વિષય પર વધુ ઉંડી સમજણ પૂરી પાડવાનાં હેતુ સાથે, તેમણે કેટલાક રૂપકો દ્વારા પોતાની વાત આગળ વધારી. “અગર હું ન્યુક્લિયર ફિઝન અંગે વિચારતો હોઉં તો ફક્ત એવા જ અણુને ધ્યાનમાં લઈશ જેનું વિભાજન થઈ શકે. તથ્ય એ છે કે એમાંના મોટાભાગનાં અસમર્થ હોય છે. દરેક પ્રકારની દવાઓ માણસનાં રોગ નથી મટાડતી. અગર તમે બિમાર છો તો તમારી બિમારીને સંલગ્ન દવા જ સ્વાસ્થ્યને સારું બનાવી શકશે!”
સ્ટેન્ટન ફ્રેડમેનને ૧૯૫૮ની સાલમાં ઘટેલી એક બહુ જ સામાન્ય ઘટનાથી યુએફઓ જેવી અંતરંગ ચીજોમાં રસ પડવા લાગ્યો. “બન્યું એવું કે બુક-ઓર્ડર માટે એક્સ્ટ્રા શિપીંગ ચાર્જ ન ભરવો પડે એટલા માટે મેં એડવર્ડ રૂપેલ્ટ દ્વારા લખાયેલું ‘ધ રિપોર્ટ ઓન યુએફઓ’ નામનું પુસ્તક મંગાવી લીધું. એ પછી તો આ વિષયને લગતી બીજી ૧૦ પુસ્તકો વાંચી. બર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ‘બ્લ્યુ બુક સ્પેશિયલ રિપોર્ટ નંબર ૧૪’ પણ વાંચી. એ દિવસ અને આજની ઘડી! સતત સંશોધન કરતો આવ્યો છું, ક્યારેય અટક્યો નથી.”
૧૯૬૦થી ૧૯૭૦નાં દાયકામાં એમણે કેટલાક કેસ પર રિસર્ચ કર્યુ. ૧૯૭૮માં બનેલા બહુચર્ચિત રોઝવેલ કેસ વિશે પણ ઘણું સાંભળવામાં આવેલુ. તેઓ પહેલા સિવિલ ઇન્વેસ્ટિગેટર હતાં જેમણે રોઝવેલ ઘટનાસ્થળની વિગતોનું ડોક્યુમેન્ટેશન કર્યુ.
જે વાંચકોને રોઝવેલ બનાવ વિશે ખ્યાલ નથી એમને જણાવી દઈએ કે, ૧૯૪૭ની સાલમાં મેક્સિકોનાં રોઝવેલ ખાતે એક યુએફઓ અથડાયું હોવાની વાત સામે આવી હતી. જેને બાદમાં ‘યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી એર ફોર્સિસ વેધર બલૂન’નું નામ આપી દેવામાં આવ્યું. ૧૪ જૂન, ૧૯૪૭નાં રોજ રોઝવેલથી ૫૦ કિલોમીટર ઉત્તરે આવેલા ગામનાં સરપંચ વિલીયમ બ્રાઝેલે કશોક કાટમાળ-ભંગાર જોયો. થોડા અઠવાડિયાઓ સુધી તો એમણે ખાસ કંઈ મહત્વ ન આપ્યું, પણ ચોથી જુલાઇએ તેઓ ફરી પોતાનાં પરિવાર સાથે એ કાટમાળ ઉપાડવા માટે ત્યાં આવ્યા. અમુક દિવસો બાદ, રોઝવેલમાં ટકરાયેલ યુએફઓ વિશેનાં સમાચાર સાંભળ્યા પછી એમણે વિચાર્યુ કે પોતે જે કાટમાળ ઘેર લઈને આવ્યા છે એ ક્યાંક યુએફઓ-સ્પેસશીપનાં ટુકડા તો નથી ને..!? બરાબર ચાર દિવસ પછી, ૮મી જુલાઈએ RAAF અફસર વોલ્ટર હાઉટે પ્રેસ-નોટ આપી કે તેને મળેલો સામાન એ વાસ્તવમાં ઉડતી રકાબીનો ભંગાર છે. આ સમાચારે વિશ્વમાં ભારે ચકચાર મચાવ્યો. પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા જ્યારે એને ‘વેધર બલૂન’ જાહેર કરી દેવામાં આવ્યું ત્યારે જુવાળ શાંત થઈ ગયો.
ફ્રેડમેન સહિત અન્ય કેટલાક સંશોધકોએ ૧૯૭૮નાં અરસામાં ફરી રોઝવેલ કેસ પર છાનબીન શરૂ કરી. ૧૯૪૭માં જે શહેરીજનો આ ઘટનાનાં સાક્ષી રહ્યા હતાં એમને પૂછપરછ કરવામાં આવી. ‘ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન’ એક્ટ હેઠળ તેમણે યુએફઓ-ક્રેશ સંબંધિત કેટલાક અગત્યનાં ડોક્યુમેન્ટ્સ ત્યાંની સરકાર પાસેથી કઢાવ્યા. પૂરતો અભ્યાસ કર્યા બાદ સૌકોઇ એક જ તારણ પર પહોંચ્યા કે, રોઝવેલ પર ઓછામાં ઓછું એક સ્પેસક્રાફ્ટ તો અથડાયું જ હતું!
પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે જો યુએફઓ ખરેખર અસ્તિત્વ ધરાવે છે તો સરકાર શા માટે એને છુપાવવાની કોશિશ કરી રહી છે? ફ્રેડમેને જવાબ આપ્યો કે, “મારા પુસ્તકોમાં મેં ‘કોસ્મિક વોટરગેટ’ વિશે વિગતવાર વાત કરી છે. જેમાં સરકાર દ્વારા યુએફઓની હકીકત છુપાવવા પાછળનાં કુલ ૨૦ કારણો આપવામાં આવ્યા છે. યુએફઓની વાત ખબર પડતાંની સાથે જ સામાન્ય લોકોમાં ફેલાતો ભય, સત્તા ચાલી જવાનો ડર, ધાર્મિક લાગણીઓ છિન્નભિન્ન થઈ જવાની આશંકા તેમજ નવી ટેક્નોલોજીનું રક્ષણ ન કરી શકવાની અનેક સંભાવનાઓ ઉભી થઈ શકે એમ છે.

Image result for shutterstock_130150004
આ મુદ્દાને વધુ ઉંડાણપૂર્વક સમજવા માટે યુએફઓલોજિસ્ટની પોતાની વેબસાઈટ પરથી લીધેલા લેક્ચરનાં કેટલાક અંશો અહીં પેશ છે :
“ધારી લો કે બ્રિટનની રાણી અથવા ફ્રાંસનાં પોપ જેવી અતિવિશ્વાસપાત્ર વ્યક્તિ દ્વારા એક દિવસ એવી જાહેરાત કરી દેવામાં આવી કે બેશક, યુએફઓ એ પરગ્રહ પરથી આવેલા સ્પેસક્રાફ્ટ છે, તો શું થાય!? હું માનું છું ત્યાં સુધી આવું કંઈક બનવાની સંભાવના ખરી :

(૧) ચર્ચમાં લોકોની ભીડ વધવા માંડે.
(૨) મેન્ટલ હોસ્પિટલોમાં લોકોની ભરતીનો રેશિયો વધી જાય.
(૩) સ્ટોક માર્કેટ એકાએક લથડી જાય; કારણકે અનિશ્ચિતતા હંમેશાથી એની દુશ્મન રહી છે.

એલિયન્સ અથવા યુએફઓ વિશે થયેલી દરેક ચર્ચા-વિચારણાઓ વિશે ‘મજેસ્ટિક ૧૨’માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલબત્ત, ઘણા લોકો એવું માને છે કે ‘મજેસ્ટિક ૧૨’ જેવા ડોક્યુમેન્ટ્સનું કોઇ અસ્તિત્વ નથી. એ કોઇકે ઉપજાવી કાઢેલી વાત છે. જ્યારે અમુક વર્ગની માન્યતા એ પણ છે કે, મજેસ્ટિક-૧૨ એ સન ૧૯૪૭માં ભૂતપૂર્વ યુએસ પ્રેસિડન્ટ હેરી ટ્રુમેન દ્વારા, એલિયન સ્પેસક્રાફ્ટ પર સંશોધનો આદરવા માટે ઉભી કરવામાં આવેલી સાયન્ટિસ્ટ્સ, મિલિટરી લીડર્સ અને ગવર્નમેન્ટ ઓફિશિયલ્સની એક કમિટી છે! ૧૯૮૪માં જ્યારે ‘મજેસ્ટિક-૧૨’નાં અમુક કાગળ લીક થયા ત્યારે એફબીઆઈએ તેને બનાવટી જાહેર કરી દીધા.
ફ્રેડમેને એ ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કર્યો. “મજેસ્ટિક-૧૨ અંગેનાં મારા સંશોધનો ૧૯૮૪ની સાલથી શરૂ થયા. “મેં વીસ જેટલા આર્કાઇવનો અભ્યાસ કરીને એનાં વિશેની વિગતો મારા પુસ્તક ‘ટોપ સિક્રેટ/મેજિક : ઓપરેશન મજેસ્ટિક-૧૨ એન્ડ ધ યુનાઇટેડ સ્ટેટ્સ’માં ટાંકી છે. મને મળેલા કેટલાક આશ્ચર્યજનક પુરાવાઓમાંથી ત્રણ ડોક્યુમેન્ટ્સ સત્ય પુરવાર થયા!”
જે એલિયન્સ આપણી પૃથ્વી પર મુલાકાત લે છે તેઓ અહીં વસી ગયા છે કે તેમનાં ગ્રહ પર પરત ફર્યા છે કે પછી આપણા પ્લાનેટની નજીક એમની કોઇ સ્પેસશીપમાં બેસી રહ્યા છે એ વાતનો ફ્રેડમેનને કોઇ અંદાજ નથી. પણ હા, યુએફઓનું આપણી પૃથ્વી પર વારંવાર દેખા દેવું એની પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો જવાબદાર હોઇ શકે. ધર્મ-સાંપ્રદાયિક ગુરૂઓનાં કહેવા મુજબ, આપણી આકાશગંગામાં આવેલા અબજો તારાની વચ્ચે માણસજાત સિવાયની ૫૦,૦૦૦ અન્ય એલિયન-પ્રજાતિનું અસ્તિત્વ સંભવ છે. પરંતુ એમાં પૃથ્વીને શિરમોર ગણી શકાય! ૧ લાખ પ્રકાશવર્ષનાં સીમિત દાયરાની અંદર આ તમામ એલિયન પ્રજાતિનું રહેઠાણ હોવાની સંભાવના સેવવામાં આવી છે. એનો સીધો અર્થ એ થયો કે, પ્રત્યેક એલિયન-પ્રજાતિ એકબીજાથી વધુમાં વધુ ૧૦૦૦ પ્રકાશવર્ષનાં અંતરે હોઇ શકે! સૂર્યની આજુબાજુનાં ૫૪ પ્રકાશવર્ષનાં પાડોશી વિસ્તારમાં આવેલા ૨૩૦૦ તારાઓમાંથી ૪૬નું વાતાવરણ અદ્દલોદલ સૂર્યની માફક છે. આથી તેનાં પર જીવસૃષ્ટિ હોવાની સંભાવના અનેકગણી વધી જાય છે. આપણે તો ફક્ત છેલ્લા ૧૦૦ વર્ષથી ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિ સાધી શક્યા છીએ. પરંતુ એવા તો કંઈ-કેટલાય ગ્રહો હશે જે આપણા કરતાં હજારો-લાખો વર્ષ એડવાન્સ્ડ હોય! ૪.૫ અબજ વર્ષ જૂની આપણી પૃથ્વી હજુય અબજો વર્ષ સુધી અડીખમ રહેશે. શક્ય છે કે એ સમય દરમિયાન ઇન્ટરસ્ટેલર-ટ્રાવેલ સાવ સરળ બની જાય.
સૂર્યથી ૩૯.૪ પ્રકાશવર્ષ દૂર ‘ઝેટા-૧’ અને ‘ઝેટા-૨ રેટિકલિ’ નામે પાસપાસેનાં બે તારાઓ છે, જેનું બંધારણ સૂર્ય સાથે મેળ ખાય છે. એકબીજાથી એક પ્રકાશવર્ષનાં ફક્ત આઠમા ભાગનાં અંતરે રહેલા બંને સ્ટાર્સ આપણા સૂર્ય કરતાં અબજો વર્ષ જૂના છે. સ્વાભાવિક છે, ત્યાંની એલિયન-ટેક્નોલોજી પણ એડવાન્સ લેવલની હોઇ શકે. તેમને પોતાનાં પાડોશી સૂર્યમંડળમાં રહેલા ગ્રહ પર વસી રહેલી જીવસૃષ્ટિ જોવાની ઇચ્છા જાગી હોય એવું પણ શક્ય છે! બેઝિકલી, ફ્રેડમેનની વાતનો સાર એ છે કે આપણી સ્પેસ-ટેક્નોલોજી હજુ પ્રારંભિક અવસ્થામાં હોવાને લીધે પૃથ્વીથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા ગ્રહ પરનાં એલિયન્સની જીવસૃષ્ટિ હોવાની સંભાવનાને નકારી ન શકાય!
આપણા સૌથી ઝડપી સ્પેસક્રાફ્ટ ‘વોયેજર પ્રોબ’ને સૂર્યમંડળ છોડી નજીકનાં તારા સુધી પહોંચવામાં પણ ૭૦,૦૦૦ વર્ષનો સમય લાગી જાય એમ છે! ફક્ત એક સદી પહેલા જન્મેલી જૂની પેઢીએ તો ટીવી, રેડિયો, માઇક્રોવેવ, ન્યુક્લિયર પાવર-પ્લાન્ટ, ક્મ્પ્યુટર, એરોપ્લેન, સેટેલાઇટ્સ, રોકેટ કે ન્યુક્લિયર વેપન વિશે કશું જ નહોતું સાંભળ્યું. છેલ્લા ૨૦-૨૫ વર્ષથી એ વધુ ચલણમાં છે. શક્ય છે હજારો વર્ષ વીતી જાય એ પછી એક સૂર્યમંડળ પરથી બીજા સૂર્યમંડળ પર જવામાં ફક્ત અમુક કલાકોનો જ સમય લાગે!
વિશ્વનાં ૧૯થી વધુ દેશોમાં લેક્ચર્સ લઈ ચૂકેલા ફ્રેડમેને કેટલાય ટીવી શો, રેડિયો પ્રોગ્રામ અને ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં સ્પેશિયલ અપિરિયન્સ પણ આપ્યો છે! તેમનું સ્પષ્ટપણે માનવું છે કે, જેમ માણસો સતત કશું નવું જોવા અને જાણવા માટે જુદા જુદા સ્થળોની મુલાકાત લેતાં રહે છે એવી જ રીતે એલિયન્સ પણ પોતાનાથી અલગ એવી પ્રજાતિને ખોળવા માટે પૃથ્વી પર આવવાનો વિચાર ન કરી શકે? સંભવ છે કે, એમનાં વડવાઓ દ્વારા સ્થપાયેલ કેટલીક સંસ્કૃતિનો વિકાસદર જાણવા માટે પણ મુલાકાત લેવાઈ રહી હોય! (માણસનાં ઘઉંવર્ણી, શ્વેત, કાળા, લાલ અથવા પીળા રંગ હોવા પાછળ પણ તેઓ જવાબદાર હોઇ શકે!) પૃથ્વીનાં પેટાળમાં ગોલ્ડ, યુરેનિયમ, પ્લેટિનમ, ટંગસ્ટન, ઓસ્મિયમ જેવી કિંમતી ધાતુઓ પણ રહેલી છે. સૂર્યમંડળનાં સૌથી સમૃદ્ધ ગ્રહ તરીકે આપણી ગણતરી થાય છે. અન્ય સૂર્યમંડળોનાં ગ્રહ પર આવા પ્રકારની ધાતુ ઉપલબ્ધ હશે કે નહીં, કોને ખબર..!
સપ્ટેમ્બર, ૧૯૬૧માં બેટ્ટી અને બર્ને હિલ સાથે બનેલો અપહરણનો કિસ્સો અહીં ખાસ ટાંકવા જેવો છે. તેમનાં કહેવા મુજબ, પરગ્રહવાસીઓએ બંનેનું અપહરણ કરી અમુક સવાલો પૂછ્યા હતાં. બેટ્ટી અને બર્ને હિલ દ્વારા તેમનાં ગ્રહનું એડ્રેસ પૂછવામાં આવ્યું ત્યારે એલિયન્સે સ્ટાર-મેપ પર એક ખાસ જગ્યા તરફ ઇશારો કર્યો. વૈજ્ઞાનિકોએ બેટ્ટી પાસે ફરીવાર એ સ્ટાર-મેપ દોરાવ્યો ત્યારે તેમણે સૂચિત કરેલા તારાનું નામ હતું : ઝેટા રેટિકલી!
બેટ્ટી હીલની ભત્રીજી કેથલીન મર્ડન સાથે મળીને સ્ટેન્ટન ફ્રીડમેને ‘ટ્રુ સ્ટોરીઝ ઓફ એલિયન એબડક્શન્સ’નામનું પુસ્તક લખ્યું છે, જેમાં હીલ દંપતીનાં એલિયન-કિડનેપિંગ કેસની ઉંડી સમજણ અપાઈ છે. સત્ય-અસત્ય અને ધારણાઓનાં યુએફઓ-વર્લ્ડમાં એવી કઈ બાબત છે જે ફ્રેડમેનને સતત નવા સંશોધનો કરતાં રહેવાની પ્રેરણા આપે છે? “જે જિજ્ઞાસુઓ પોતાનો મંતવ્ય પ્રગટ કર્યા વગર સત્યની શોધમાં છે એમનો ઉત્સાહ મારા માટે પ્રેરણાસ્ત્રોત છે.
bhattparakh@yahoo.com

Advertisement