લોકસભા ઇલેક્શન ૨૦૧૯ : ટ્રેન્ડિંગ ટ્વીટ્સથી પેઇડ પોલિટિકલ કેમ્પેઇન!


Advertisement

ગેમ-ચેન્જિંગ યર ફોર ઇન્ડિયન પોલિટિક્સ

ટ્વીટર, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ‘મૈં ભી ચૌકીદાર’, ‘બેરોજગાર’, ‘ચૌકીદાર ચોર હૈ’, ‘નામુમકિન અબ મુમકિન હૈ’ ઓલરેડી વાઇરલ થઈ ગયા છે, ટ્રેન્ડ બની રહ્યા છે! આપણા રાજકારણમાં દાયકાઓથી માર્કેટિંગ અને પોલિટિકલ કેમ્પેઇન (ઇમેજ બિલ્ડીંગ, પાર્ટી પ્રમોશન, ડેમેજ કંટ્રોલ, ઇમેજ મેક-ઓવર વગેરે) પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છે. પરંતુ ૨૦૧૯ લોકસભા ચૂંટણીનો માહોલ જુદા પ્રકારે આકાર લઈ રહ્યો છે!

Image result for 17.08.03_AT_What-To-Expect-in-the-2019-Lok-Sabha-Elections_D1

દરેક નાની-મોટી ચૂંટણીઓમાં પોલિટિકલ કેમ્પેઇન પર બહુ મોટો મદ્દાર રાખવામાં આવે છે. હાલનાં ડિજિટલ અને ટેકનોલોજીકલ યુગમાં સોશિયલ મીડિયા સહિત ‘હર ઘર દસ્તક’ સુધીનાં ઉપાયો અજમાવવાથી જ મતદાતાઓને પોતાની તરફ આકર્ષી શકાય એમ છે એ વાત રાજકારણીઓને બરાબર ગળે ઉતરી ગઈ છે. ગત દિવસોમાં નરેન્દ્ર મોદીનાં ‘ચૌકીદાર’ કેમ્પેઇન સામે રાહુલ ગાંધીનું ‘બેરોજગાર’ કેમ્પેઇન ચાલુ થયું. જોકે, ભાજપ પાસે અત્યારે એમની ટેગલાઇન ‘નામુમકિન અબ મુમકિન હૈ’ હોવાથી તેઓ રેસમાં આગળ છે. કોંગ્રેસ પાસે આવી ચોટદાર ટેગલાઇન ક્યારે આવશે (અથવા આવશે કે કેમ?) એ પણ એક પ્રશ્ન છે. ખૂબી એ છે સાહેબ કે, પહેલાનાં વર્ષોની સરખામણીમાં ૨૦૧૯ પોલિટિકલ કેમ્પેઇનિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ બાબતે વધુ સક્રિય બન્યું છે. મોટી મોટી પી.આર.(પબ્લિક રીલેશન) કંપનીઓને તોતિંગ બજેટ ફાળવી આપવામાં આવ્યા છે. પ્રિન્ટ, ડિજિટલ, ઇલેક્ટ્રોનિક સહિતનાં એકપણ મીડિયા બાકી ન રહી જાય એની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ ઘેર-ઘેર જઈને લોકો પાસે મત માંગવાની ટ્રેડિશનલ પ્રથા તો કેમ ભૂલી શકાય? વ્યક્તિગત રીતે મતદાતાઓને પાસે જઈને એમને પોતાનાં દ્વારા થનારા સામાજિક બદલાવ અને પરિવર્તનની વાત સમજાવવામાં રાજકારણીઓ આગળ રહ્યા છે. પર્સનલ કોન્ટેક્ટ એન્ડ કમ્યુનિકેશન વર્ક્સ! રિક્ષા, ટેલિવિઝન, રેડિયો એડવર્ટાઇઝમેન્ટ, બ્રોડકાસ્ટ, કેમ્પેઇન પોસ્ટર, વાઉચર અને અન્ય નુસખાઓ પણ ખરા!

કોઇપણ પોલિટિકલ પાર્ટીનાં કેમ્પેઇનિગ માટે બે પરિબળોને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે : કેન્ડિડેટ ફોક્સ અને એન્વાયરમેન્ટ ફોર્સિસ! રાજકારણીનાં અંગત જીવન અને તેની આજુબાજુનાં ફેક્ટર્સ. જેની નીચે બીજી ચાર સબ-કેટેગરી. પાર્ટી કોન્સેપ્ટ, પ્રોડક્ટ કોન્સેપ્ટ, સેલિંગ કોન્સેપ્ટ અને માર્કેટિંગ કોન્સેપ્ટ! પોલિટિકલ કેમ્પેઇન ફક્ત વોટર્સને પોતાની તરફ આકર્ષવાનું ધ્યેય નથી ધરાવતું. પરંતુ સત્તારૂઢ અથવા વિપક્ષ પાર્ટીનાં કાર્યોને ‘એઝ અ હોલ’ (As a whole) ધ્યાનમાં રાખે છે. સરવાળે, અહીં વાત સમગ્રતા વિશે છે. ભાજપે ૨૦૧૪ની સાલમાં જે પ્રકારે પોલિટિકલ કેમ્પેઇન કર્યુ હતું એ જ રીત તેઓ ૨૦૧૯માં પણ અનુસરી રહ્યા છે. હવે તો વિપક્ષો પણ તેમનાં માર્ગે જ ચાલી રહ્યા છે. ધર્મરાજ્ય, હિંદુત્વ, સ્વદેશી બાબતો તેમનાં માર્કેટિંગનો અગત્યનો મુદ્દો બની રહ્યા છે! કોઇપણ પાર્ટીની ‘બ્રાન્ડ ઇમેજ’ ઉભી કરવા માટે તેમની પાસે પોતાનો એક ચહેરો હોવો આવશ્યક છે. ભાજપ પાસે નરેન્દ્ર મોદી છે, તો કોંગ્રેસ પાસે પ્રિયંકા ગાંધી! પરંતુ નવીસવી હોવાને લીધે પ્રિયંકા પર લોકોને ભરોસો નથી બેસી રહ્યો. ચૂંટણીમાં ‘પાર્ટી વિથ અ ફેસ’ રાજકારણીઓને સફળ બનાવે છે. માર્કેટિંગ એજન્સીનું કામ જ વ્યક્તિગત ચાહના પેદા કરીને મતદાતાઓને આકર્ષવાનું છે. કોઇ એક કેન્ડિડેટ માટે ઉભો થયેલો લોકજુવાળ અને ભરોસો સમગ્ર પાર્ટીને ફાયદો અપાવે છે.

ધરખમ પોલિટિકલ પાર્ટીઓ ઉપરાંત પ્રાદેશિક પાર્ટીઓનું કેમ્પેઇન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચાર વિરોધથી માંડીને બેરોજગારી નિવારણ સુધીનાં પ્રશ્નોને શસ્ત્ર બનાવવામાં આવી રહ્યા છે. આવા વાતાવરણમાં દેશનાં મતદાતાઓ શું વિચારી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયાઓ શું છે એ અંગે મીડિયાનાં કેટલાક ધુરંધરોએ પોતપોતાનાં વ્યક્તિગત અભિપ્રાયો આપ્યા છે. ‘ઝી મીડિયા નેટવર્ક’નાં એડિટર-ઇન-ચીફ અને ‘ડિશ ટીવી ડીટીએચ’નાં મેનેજિંગ ડિરેક્ટર જવાહર ગોયેલનાં મત મુજબ, સોશિયલ મીડિયાનાં મજબૂત પરિબળને ધ્યાનમાં રાખતાં આ વર્ષે પારંપરિક પદ્ધતિઓથી થનારા પ્રમોશનમાં ઘટાડો જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા છે. હજુ આપણે ફૂલ-ફ્લેજ્ડ કેમ્પેનિંગ મોડમાં પ્રવેશ્યા નથી એટલે હાલપૂરતું એટલું કહી શકાય કે ૨૦૧૯ હટકે હોવાનું છે! વી વિલ હેવ ટુ વેઇટ એન્ડ વોચ.

બીજી બાજુ, ડેટ્સુ વનનાં પ્રેસિડન્ટ હરજોત સિંઘ નારંગનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્રમોશનનાં અતિરેકને લીધે લોકોમાં ધીરે ધીરે અવિશ્વાસનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે, જેની અસર આગામી ઇલેક્શન પર પડ્યા વગર નહીં રહે! પરંતુ સામે પક્ષે, સોશિયલ મીડિયા પર ખર્ચાઈ રહેલા પૈસાને કારણે મતદાતાઓ ખેંચાઈ આવવાની શક્યતા પણ છે જ!

બીજેપી ૨૦૧૪ની ટેક્નિકને અનુસરી રહ્યું છે એ વાતમાં બેમત નથી! નરેન્દ્ર મોદીને જાદુઈ છડી ધરાવતાં જાદુગર દર્શાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે ‘મૈં નહીં હમ’ થકી પોતાનાં દેશનાં લોકોની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવાની ભાવના વ્યક્ત કરી પરંતુ કશી કારગત ન નીવડી. કોઇપણ કેમ્પેઇનિંગમાં ડેટાની સાથોસાથ હ્યુમન સેન્ટિમેન્ટ્સનું હોવું ખૂબ જરૂરી છે. છીછરા સ્તરે મતદાતાઓને પોતાની તરફ ખેંચવા શક્ય નથી. હ્રદયસ્પર્શી એડવર્ટાઇઝિંગ જ એકમાત્ર રસ્તો છે! એક રીતે જોવા જઈએ તો આરોપોનું આરોપણ-પ્રત્યારોપણ ૨૦૧૯ ઇલેક્શનનો ફોક્સ-પોઇન્ટ બની જાય તો નવાઈ નહીં! તદુપરાંત, આ વર્ષે નવા ઉમેરાઈ રહેલા ૧.૫ કરોડ (૨૦ વર્ષથી નીચેનાં) યુવા મતદાતાઓ સામે કઈ પાર્ટીને વોટ આપવો એ પ્રશ્ન આવીને ઉભો છે. તેમનાં મત ભાજપ અને કોંગ્રેસ માટે નિર્ણાયક પૂરવાર થશે એ નક્કી! આ તમામ થકી પોતાની વોટબેંક ઉભી કરવાનાં પ્રયત્નોમાં કોઇ કસર નહીં છોડવામાં આવે. આમાં પણ ભાજપ એક કદમ આગળ છે. પુલવામા અટૈક અને સર્જિકલ સ્ટ્રાઇક-૨ ને લીધે વિદ્યાર્થીઓ, યુવાનો અને દેશનાં નાગરિકોમાં દેશભક્તિ પેદા થઈ છે, જેનો સીધો ફાયદો નરેન્દ્ર મોદીને છે. લોકો માટે દેશને સમર્પિત અને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દે એવા નેતાનું મહત્વ હંમેશાથી સવિશેષ રહ્યું છે. મતદાતાઓએ મોદીનો સમાવેશ પ્રજાલક્ષી કાર્યો કરી રહેલા નેતામાં કર્યો હોવાને કારણે ભાજપ સામે બીજા કોઇ મોટા વિધ્નો નથી.

ડિજિટલ અને સોશ્યલ મીડિયા તો સમજ્યા ચાલો. આપણા માટે યોગ્ય નેતા પસંદ કરવાનું કામ સરળ થઈ ગયું છે પરંતુ ચૂંટણીપંચની સામે આચારસંહિતાનો પ્રશ્ન મોઢું ફાડીને ઉભો છે. ટ્વીટર અને ફેસબૂક પર નિયમો લાદી શકાય, પરંતુ વોટ્સએપનું શું?

bhattparakh@yahoo.com  

પ્રશાંત કિશોર : પોલિટિકલ કેમ્પેઇનનાં ‘ચાણક્ય’

 ૧૯૭૭ની સાલમાં જન્મેલા પ્રશાંત કિશોરે એન્જિનિયરીંગનાં અભ્યાસ બાદ યુનિસેફમાં બ્રાન્ડિંગની નોકરી કરી. ૨૦૧૧માં ‘વાઇબ્રન્ટ ગુજરાત’નાં બ્રાન્ડિંગનું કામ હાથમાં લીધું અને નરેન્દ્ર મોદી સાથે ઘરોબો કેળવતાં ગયા. બન્યું એવું કે ૨૦૧૪નાં લોકસભા ઇલેક્શનમાં પોલિટિકલ કેમ્પેઇનમાં તેમનું મગજ કામે લાગ્યું. ‘ચાય પે ચર્ચા’ અને ‘થ્રી-ડી નરેન્દ્ર મોદી’ જેવા સુપરહિટ કોન્સેપ્ટ પાછળ એમનો હાથ છે! એમની રણનીતિઓએ ૨૦૧૪માં ભાજપને પ્રચંડ જીત અપાવી. ૨૦૧૫નાં મહાગઠબંધનમાં સફળ રહ્યા બાદ નીતિશકુમારનાં વિજયમાં પણ એમની પોલિટિકલ કુનેહ કામ લાગી. જોકે, આટલા વર્ષો સુધી અન્ય પોલિટિકલ પાર્ટીઓનાં વડાને ચમકાવ્યા બાદ તેઓ ખુદ હવે રાજકારણમાં સક્રિય થયા છે!

Advertisement