ભારતીય વેશ-પરિધાન : સ્ટોરી ઓફ ધ ફેશન રિવોલ્યુશન!


Advertisement

એફ-ટીવી, બોલિવૂડ અને લગ્ન

અમુક પ્રકારનાં પારંપરિક કોસ્ચ્યુમ્સ ઉપરાંત પણ ભારત પાસે શ્રેષ્ઠત્તમ ફેશન-સેન્સ અને સ્ટાઇલિંગનું જ્ઞાન છે એ વાત પૂરવાર થયાને લગભગ દોઢ દાયકો પૂરો થવા આવ્યો! આટલા વર્ષોની અંદર ફેશન ઇન્ડસ્ટ્રીમાં પુષ્કળ ફેરફારો આવ્યા, જેને નજરે નિહાળનાર ડિઝાઇનર્સનાં અંગત જીવનની કેટલીક ગુફ્તગૂ!
ફેશન ડિઝાઇનર્સનું સ્થાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ હોઇ શકે એ માન્યતાને ધીરે ધીરે જાકારો મળી રહ્યો છે. ૨૦૧૭થી શરૂ થયેલી સ્ટાર-સ્ટડેડ મેરેજ સેરેમની ઉપરાંત અન્ય ઇવેન્ટ્સમાં ઇન્ડિયન ડિઝાઇનર્સનો જ દબદબો ચાલી રહ્યો છે. ભારે ભરખમ ચળકતાં વેડિંગ ડ્રેસને બનાવવા પાછળ કેટલી જહેમત ઉઠાવવી પડી એ જાણવામાં આપણો રસ વધી રહ્યો છે. જેનું સ્વાભાવિક કારણ છે, ભારતીયોમાં આવી રહેલું ફેશન રિવોલ્યુશન! અનુષ્કા-વિરાટ, દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક, કપિલ-ગિની અને ઇશા અંબાણીનાં લગ્નની ચર્ચાનો સમાવેશ આજે હોટેસ્ટ-ટોપિકમાં થઈ રહ્યો છે કારણકે તેમની સેરેમનીમાં ભાગ લેનાર આમંત્રિતોનું ફોકસ પોઇન્ટ છે : સ્ટાયલિંગ!
મનિષ મલ્હોત્રા, અનિતા ડોંગરે, સબ્યસાંચી મુખર્જી, નીતા લુલા, રોહિત બાલ, રોહિત વર્મા, રીતુકુમાર, તરૂણ તાહિલિયાની જેવા અગણિત નામો એવા લઈ શકાય જેમણે પાછલા એક દાયકાની અંદર ભારતીય ફેશનનો ચહેરો બદલવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આજે એમાંના જ અમુક ખાસ ડિઝાઇનર્સનાં અંગત જીવન અને પ્રોફેશનલ કરિયર વિશે વાત કરવી છે. લેટ્સ સ્ટાર્ટ ધેન!

Image result for Manish Malhotra
(૧) મનિષ મલ્હોત્રા
બોલિવૂડ અને ઇન્ડિયન ફેશનનાં સમાનાર્થી શબ્દ તરીકે જેનું નામ લઈ શકાય એ છે : મનિષ મલ્હોત્રા! કરીના કપૂર ખાનથી શરૂ કરીને ઐશ્વર્યા રાય બચ્ચન અને દીપિકા પદુકોણથી માધુરી દીક્ષિત સુધીનાં કલાકારોમાંથી એકપણ વ્યક્તિ એવો નથી જેનાં માટે મનિષ મલ્હોત્રા લેબલ દ્વારા ડ્રેસ ડિઝાઇન ન થયા હોય! કોઇ ફેશન-સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધા વગર ફક્ત આપબળે ઇન્ડસ્ટ્રીમાં પોતાની બ્રાન્ડ ઉભી કરનાર મનિષ મલ્હોત્રાની બેકસ્ટોરી પણ ઉતાર-ચઢાવથી ભરપૂર રહી. ફિલ્મ્સ જોઇને સ્ટાઇલિંગ શીખી શકાય એ વાતને પચવામાં પહેલા તો થોડોક વખત લાગે! ૧૨ વર્ષથી મનિષ મલ્હોત્રા લેબલ ઇન્ડિયન ફેશન ઇન્ડસ્ટ્રીમાં સફળતાનાં શિખરો સર કરી ચૂક્યું છે. મુંબઈનાં સામાન્ય પંજાબી પરિવારમાંથી ફક્ત ફિલ્મો જોઇને મોટા થયેલા ૫૦ વર્ષીય ડિઝાઇનર મનિષનાં શબ્દો : “ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે ખાસ કશું જ નહોતો જાણતો. પહેલાનાં દિવસો યાદ કરું છું તો સમજાય છે કે કરેલી મહેનત ક્યારેય એળે નથી જતી. ભલે કોઇ ફેશન-સ્કૂલમાં ભણ્યો નહીં પરંતુ મારા કિસ્સામાં ભણતર કરતાં ગણતર વધુ કામ આવ્યું. શરૂ શરૂમાં ડિરેક્ટર્સને ખાસ વિનંતી કરતો કે મને ફિલ્મની સ્ક્રિપ્ટ થોડીક વહેલી આપો તો સારું જેથી કલાકારોનાં કોસ્ચ્યુમ્સ ડિઝાઇન કરવામાં પૂરતો સમય મળી રહે. અસાઇન્મેન્ટ મળ્યા પછીની જફા વિશે તો શું વાત કરું! સ્કેચ-વર્કથી માંડીને દરજીને સિલાઇ-કામમાં એક્યુરેસી રાખવા સુધીની તમામ બાબતો પર મેં અંગત ધ્યાન આપ્યું છે. મહિનાઓ સુધી વહેલી સવાર લગી જાગીને કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે. નંબર વનની પોઝિશન મેળવવા માટે અથાગ પરિશ્રમ અને પરસેવો રેડ્યો છે. મારી જિંદગી અને કરિયરની પસંદગી કરવાનો સંપૂર્ણ અધિકાર મારા હાથમાં રહ્યો એ વાતનું ગૌરવ અને ખુશી છે!”

Image result for Sabyasachi Mukherjee
(૨) સબ્યસાંચી મુખર્જી
એથનિક-વેરથી માંડીને રોજબરોજમાં પહેરી શકાય એવા પ્રકારનાં આઉટફિટ્સની વાત આવે ત્યારે સબ્યસાંચીનો ચહેરો નજર સમક્ષ તરવરી ઉઠે! એમાંય ખાસ કરીને વેશ-પરિધાન બાબતે ભારતની સર્વોચ્ચ ઓળખાણ એટલે અહીંની રંગબેરંગી સાડીઓ! ટ્રેડિશનલ ઇન્ડિયન આઉટફિટમાં સબ્યસાંચી મુખર્જીએ લાવેલું રિવોલ્યુશન વિશ્વપ્રખ્યાત છે. બ્રાઇડલ-બિઝનેસ અને ટ્રેડિશનલ ટેક્સટાઇલની મોડર્ન ડિઝાઇનનાં ચલણમાં આવવા પાછળનો શ્રેય એમને આપવો ઘટે!
કોલકાતામાં જન્મેલા સબ્યસાંચીનો ભૂતકાળ ઘણા અંશે પીડાદાયક પૂરવાર થયો. પિતાની નોકરી છૂટી ગયા બાદ ભણવાનાં પૈસા પણ ન બચ્યા ત્યારે ઘરની તમામ આર્થિક જવાબદારીઓનો ભાર એમનાં માથે આવી ગયો. ફેશન-સ્ટાયલિંગમાં પૂરેપૂરો રસ પરંતુ પરિવાર તરફથી એ ક્ષેત્રમાં આગળ વધવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી. પોતાની કિતાબો વેચીને એકલા હાથે એમણે પોતાનાં ભણતરનો ખર્ચ ઉઠાવ્યો. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)માંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ ૨૦૦૨ની સાલમાં સબ્યસાંચીએ સૌપ્રથમ વખત ‘ઇન્ડિયા ફેશન વીક’માં ભાગ લઈને પોતાની ફેશન કરિયર શરૂ કરી. સાડી, લહેંગા, સલવાર-કમીઝમાં એમ્બ્રોડરીથી માંડીને ફેબ્રિક્સ તથા ટેક્સચર વિશે ઝીણામાં ઝીણી વિગતો પર પૂરતું ધ્યાન રાખનાર ટોચનાં ડિઝાઇનર્સમાં એમનો સમાવેશ થાય છે. છેલ્લા ૧૫ વર્ષથી પોતાની યુનિક ડિઝાઈન અને આઇકોનિક ખાદી, કોટ્ટન તથા હેન્ડ વુવન સાડીઓનાં લીધે બોલિવૂડ-હોલિવૂડમાં તેઓ ભારતનાં પારંપરિક વસ્ત્ર-પરિધાનને પ્રસ્તુત કરી રહ્યા છે.

Image result for Neeta Lulla
(૩) નીતા લુલા
ફક્ત એક કારીગર અને રૂપિયા ૫૦૦ની રોકાણમૂડી સાથે ફેશન-ડિઝાઇનિંગની સફર શરૂ કરનાર નીતા લુલા વિશેની સૌથી રસપ્રદ બાબત એ છે કે તેઓ ભારતનાં એકમાત્ર ફેશન ડિઝાઈનર છે જેમણે ચાર-ચાર નેશનલ અવોર્ડ જીત્યા છે. ૩૦ વર્ષની લાંબી જર્નીમાં તેમણે ૩૦૦થી વધુ ફિલ્મોમાં પોતાની કળાત્મકતાનો પરચો આપ્યો. નાનપણમાં સ્પોર્ટ્સમાં ભારે રસ! માતાને સતત ચિંતા રહે કે આ છોકરી મોટી થઈને કરશે શું?! નથી રસોઈ બનાવતાં આવડતી કે નથી સીવણકામ! ઉનાળુ વેકેશનમાં નીતાનું ધ્યાન ‘સેવન્ટીન’ અને ‘કોસ્મોપોલિટન’ પર ગયું, જેનાથી તેને સ્ટાયલિંગ અને ફેશનની દુનિયા વિશે ખબર પડી! હાય-સ્કૂલ અને કોલેજ-ડિગ્રી ન લેવી પડે એ માટે ફક્ત ૧૬ વર્ષની નાની ઉંમરે નીતાએ લગ્ન કરી લેવાનું પસંદ કર્યુ. પરંતુ નસીબમાં તો કંઈક બીજું જ લખાયેલું હતું! ઉચ્ચ ખાનદાનમાં લગ્ન થવા જઈ રહ્યા હતાં એટલે નક્કી થયું કે કુકિંગ અથવા સિવણકામમાં ડિગ્રી લઈ લેવી જોઇએ. મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં ‘પેટર્ન મેકિંગ એન્ડ ગાર્મેન્ટ મેન્યુફેક્ચર’ ક્ષેત્રે ડિપ્લોમા કરવાનો નિર્ણય લેવાયો. નીતાની ફેશન કોરિયોગ્રાફી પ્રત્યેની જાગૃતતા જોઇને યુનિવર્સિટીનાં ગેસ્ટ-લેક્ચરર જેની નાઓરોજીએ એને પોતાની આસિસ્ટન્ટ બનવાની ઓફર આપી. અઢી વર્ષ સુધી એમની સાથે કામ કર્યા બાદ નીતાને ‘તમાચા’ ફિલ્મ માટે કોસ્ચ્યુમ-ડિઝાઇનિંગની ઓફર મળી. ત્યારબાદ તો જોધા અકબર, દેવ દાસ, મોહેં-જો-દારો, લમ્હે, તાલ, હમ દિલ દે ચુકે સનમ, મણિકર્ણિકા વગેરે ૩૦૦થી પણ વધુ નેશનલ-ઇન્ટરનેશનલ ફિલ્મોમાં તેમણે કામ આપ્યું. એક કારીગર સાથે શરૂ થયેલી સફરે આજે એમને લગભગ ૧૦ લાખથી વધુ ગ્રાહકો અપાવ્યા!


(૪) મયુર વડનગરા
બોલિવૂડ કક્ષાનાં ફેશન-ડિઝાઇનર્સની વાત ચાલતી હોય ત્યારે એ લિસ્ટમાં ગુજરાતીનો સમાવેશ ન થાય એ તો કેવી રીતે શક્ય છે!? આર્ટ અને કલ્ચરનાં સોનેરી સંગમ કહી શકાય એવા શહેર કોલકાતામાં જન્મેલા મયુર વડનગરાનો સમગ્ર પરિવાર મૂળે તો ગુજરાતી! ૩૫ વર્ષથી ત્યાંના ફેમસ ‘રૂપરિયા’ ફેશન-બુટિકનો કારોબાર સંભાળી રહેલા રાજેશભાઈ વડનગરાનાં તેઓ સુપુત્ર. સ્વાભાવિક રીતે, નાનપણથી જ મયુરનાં મનમાં એવા બીજ રોપાઈ ચૂક્યા હતાં કે આગળ જતાં ક્યારેક ને ક્યારેક ફેમિલી બિઝનેસ સંભાળવાનો વખત આવશે. ફેશન-ટીવીને આજે ગુજરાતી પરિવાર થોડીક ઘૃણાસ્પદ નજરે જુએ છે, પરંતુ મયુર માટે એ જાણે એની લર્નિંગ-પ્રોસેસનો અત્યંત અગત્યનો ભાગ બન્યું! કોસ્મોપોલિટન, ફેમિના, સેવન્ટીન જેવા સામયિકોમાં છપાતાં ઇન્ટરવ્યુઝ, ફેશન-આર્ટિકલ્સમાં ધીરે ધીરે એનો રસ વધતો ગયો.
હાઇ-સ્કૂલમાં આવ્યા બાદ એ તથ્ય સમજાઈ ચૂક્યું હતું કે ગણિત કે વિજ્ઞાન એ આપણો વિષય નહીં! ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે ‘ફેશન’ પર પસંદગી ઉતારી. ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી’માં ફેશન-કોર્ષ પૂરો કર્યા પછી સબ્યસાંચી મુખર્જી સાથે ઇન્ટર્નશીપ કરવાની તક સાંપડી! જેનાં કારણે એક પછી એક દરવાજાઓ ખૂલતાં ગયા. ત્યારબાદ વારો આવ્યો, ફેશન-ઇન્ડસ્ટ્રીનાં ટોચનાં ડિઝાઇનર મનિષ મલ્હોત્રા સાથે કામ કરવાનો! બોલિવૂડનાં બે ટોચનાં ડિઝાઇનર્સ માટે અલગ-અલગ ફિલ્મો, ફેશન-વીક તથા પ્રોજેક્ટ્સમાં કામ કર્યા પછી તેણે પોતાનું અલગ બુટિક શરૂ કરવાની ઇચ્છા હતી. ‘રૂપરિયા’ ઉપરાંત ‘અનોખી’ સાડીનાં નામથી પણ ગુજરાતીઓ (ખાસ કરીને રાજકોટિયન્સ) વાકેફ હશે. થોડા સમય પહેલા જ, પોતાની સ્વતંત્ર ડિઝાઇનનાં લહેંગા, સલવાર-કમીઝ અને સ્યુટ્સ સાથે મયુરનાં ફેશન-સ્ટોરની શરૂઆત થઈ.
જ્યાં સુધી ફેશનનાં લેટેસ્ટ ટ્રેન્ડની વાત છે ત્યાં સુધી ૩૨ વર્ષીય મયુરનું અંગત માનવું એ છે કે વસ્ત્ર-પરિધાનનો ફાળો દરેક લગ્ન-પ્રસંગો અને ઇવેન્ટ્સમાં ઘણો મહત્વનો રહ્યો છે. ગુજરાતીઓ પાસે પૈસો પુષ્કળ છે પરંતુ સ્ટાઇલિંગ ક્ષેત્રે કદાચ આપણે હજુ થોડા પાછળ ચાલી રહ્યા છીએ. દરેક રાજ્ય, શહેર, ગામ પાસે પરિધાનની પોતાની આગવી શૈલી છે. ગુજરાતીઓમાં નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં ફેશન-સ્ટાઇલિંગનો અંદાજ બદલે એ જરૂરી છે. આઇ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ લોન્ચ અ ન્યુ ટ્રેન્ડ થ્રુ માય કલેક્શન..!

Advertisement